અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા પૂજા-અર્ચના, વૈદિક મંત્રોચ્ચાર સાથે રથને ખેંચી શુભારંભ કરાયો
જિલ્લા કલેક્ટરે વિધિવતરૂપે રથ ખેંચી મહામેળાને ખુલ્લો મૂક્યો
શક્તિપીઠ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્ત્વ છે.આજે સવારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે તેમના પરિવાર સાથે પહોંચી વિધિવત રૂપે અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા પૂજા-અર્ચના, વૈદિક મંત્રોચ્ચાર સાથે રથને ખેંચી શુભારંભ કરાયો હતો. ત્યાર બાદ માતાજીની આરતી અને શ્રીફળ વધેરી મેળાને ખુલ્લો મુકાયો હતો. અંબાજી જતાં તમામ માર્ગો ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદથી ગુંજી ઊઠ્યા છે. મંદિરના પૂજારીઓ દ્વારા માતાજીની આરતી અને મંત્રોચ્ચાર સાથે મહામેળાની શરૂઆત કરાઈ છે. મેળાના પ્રથમ દિવસથી ભક્તો દર્શન માટે પહોંચ્યા છે. સાત દિવસમાં લાખો ભક્તો પગપાળા માના દર્શન કરવા પહોંચશે. વહીવટી તંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાઈ છે. અંબાજી આવનારા તમામ દર્શનાર્થીઓ અને યાત્રાળુઓ માટે અનેકો નવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે, જેથી અંબાજી આવતા દરેક શ્રદ્ધાળુ સુગમતાથી અંબાજી પહોંચી માતાજીનાં દર્શન કરી શકે.
અંબાજી ભાદરવી પૂનમના મેળોમાં આ વર્ષે દૂરદૂરથી લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એડવાન્સમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંબાજી આવતા પદયાત્રિકોને કોઈ જાતની તકલીફ ના પડે અને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે રેલીંગની વ્યવસ્થા કરી દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. માત્ર વહીવટી તંત્ર જ નહીં, પરંતુ સેવાભાવી સંસ્થાઓએ પણ તમામ તૈયારીઓ કરી લીધી છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ અને સહાયતા કેન્દ્ર શરૂ કરાયાં છે. લાઈટ, દૂધ, પાણી, ભોજન, આવાસ, આરોગ્ય આ તમામ સેવાઓની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
મેળા દરમિયાન વહેલી સવારે 5 વાગ્યાથી માઇભક્તો માતાજીના દર્શન કરી શકશે. મેળા દરમિયાન સતત સ્વચ્છતા જળવાય તે માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત 500થી વધુ સફાઈ કામદારો પણ જોડાય એવું આયોજન કરાયું છે. મેળા દરમિયાન અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. સફેદ કલરના કારણે યાત્રિકો વગર ચપ્પલે પગથિયાં પર ચાલી શકશે
ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને સમસ્યા ન આવે એ માટે ડિજિટલ પહેલ પણ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા QR કોડ લોન્ચ કરવામાં આવ્યો છે. QR કોડની મદદ વડે યાત્રિકો રહેવા અને જમવાનું ચોક્કસ લોકેશન શોધી શકશે. ચપ્પલ વિના પણ યાત્રિકોને ચાલવામાં અગવડતા ન પડે એ માટે ગબ્બર પર્વતનાં પગથિયાં પર સફેદ કલર કરવા સહિતની કામગીરી કરાઈ છે. અંબાજી ખાતે શ્રદ્ધાળુઓની સુવિધામાં ક્યાંય કચાસ ન રહે એ માટે તંત્ર દિવસ-રાત એક કરી કામગીરી કરી રહ્યું છે. પદયાત્રી અને ભક્તોને રહેવા, જમવાના ડોમથી માંડી પાર્કિંગ, મોબાઈલ ચાર્જિંગ, પાનીઝ હાઉસકીપિંગ, અગ્નિશામકનાં સાધનો સહિતની તમામ સુવિધાઓ ઊભી કરી દેવામાં આવી છે, સાથે જ મંદિર સહિત સમગ્ર પરિસરને રંગબેરંગી રોશનીથી શણગારી મંદિરની શોભામાં વધારો કર્યો છે. આ વખતે ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અલગ અલગ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. સાત જેટલા મોટા વિશાળ ડોમ પાલનપુરથી અંબાજી હાઈવે પર તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં યાત્રિકોને આરામ કરવાથી માંડીને આરોગ્યની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં મહામેળાના પ્રથમ દિવસે પગપાળા સંઘો ધીમે ધીમે અંબાજીમાં પ્રવેશી રહ્યા છે અને અંબાજીના માર્ગ પર જય અંબેના નાદ સંભળાઈ રહ્યા છે. માઈભક્તોની સેવા માટે તંત્રથી લઈને સેવાભાવી સંસ્થાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મેળા દરમ્યાન ૨૫૬ આરોગ્ય કર્મચારીઓ અને ૧૭ ઍમ્બ્યુલન્સ તહેનાત રખાશે. સલામતી માટે સમગ્ર મેળા પર સીસીટીવી કૅમેરાથી નજર રખાશે. પાર્કિંગ સ્થળથી માઈભક્તો ૫૧ શક્તિપીઠ સર્કલ સુધી આવી શકે એ માટે ૧૫૦ જેટલી રિક્ષાની વિનામૂલ્યે વ્યવસ્થા કરાઈ છે. આ વખતે ૧૮૭ સંઘો અને સેવા કૅમ્પોનું તથા ૧૯૮૦ પદયાત્રી સંઘોનું ઑનલાઇન રજિસ્ટ્રેશન થયું છે.’