ભારત vs ઓસ્ટ્રેલિયા, પ્રથમ વન-ડે : ભારતને ચોથો ફટકો, ઇશાન કિશન 18 રને આઉટ

ind vs aus

ઓસ્ટ્રેલિયન ટીમે વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં ભારતને જીતવા માટે 277 રનનો ટાર્ગેટ આપ્યો છે. 277 રનના લક્ષ્યને ચેઝ કરતા ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. 277 રનના પડકાર સામે ભારતે 37.4 ઓવરમાં 4 વિકેટે 210 રન બનાવી લીધા છે.

ભારતીય ઓપનરોએ સદીની ભાગીદારી કરીને પોતાની ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ગિલ-ગાયકવાડની જોડીએ 130 બોલમાં 142 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ગાયકવાડ તેની વન-ડે કારકિર્દીની પ્રથમ ફિફ્ટી ફટકારીને આઉટ થયો હતો. ગાયકવાડે 77 બોલમાં 71 રન બનાવ્યા હતા. તેને એડમ ઝામ્પાએ LBW આઉટ કર્યો હતો. આ પછી શ્રેયસ અય્યર રનઆઉટ થયો હતો. ત્યાર બાદ 26મી ઓવરના ત્રીજા બોલે એડમ ઝામ્પાની બોલિંગમાં શુભમન ગિલ બોલ્ડ થયો હતો. ઇશાન કિશન 18 રન બનાવી કમિન્સની ઓવરમાં કેચ આઉટ થયો.

ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 276 રન કર્યા છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ 52 રન ડેવિડ વોર્નરે કર્યા છે.

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત એવરેજ રહી હતી. ટીમે પ્રથમ 10 ઓવરમાં એક વિકેટે 42 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં ભારતીય ટીમને સફળતા અપાવી હતી. તેણે ઓપનર મિચેલ માર્શને 4 રન પર આઉટ કર્યો હતો. 4 રનમાં મિચેલ માર્શની વિકેટ ગુમાવ્યા બાદ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 106 બોલમાં 94 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી રવીન્દ્ર જાડેજાએ વોર્નરને આઉટ કરીને તોડી હતી. ડેવિડ વોર્નરે તેની વન-ડે કારકિર્દીની 29મી ફિફ્ટી ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની માત્ર 35.4 ઓવર જ રમાઈ હતી જ્યારે વરસાદ આવ્યો અને રમત રોકવી પડી, જો કે થોડી જ વારમાં વરસાદ બંધ થઈ ગયો અને મેચ ફરી શરૂ થઈ. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમ 50 ઓવરમાં 276 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર ડેવિડ વોર્નરે 52 રનની ઇનિંગ રમી હતી. તો જોસ ઈંગ્લિસે 45 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટીવ સ્મિથે 41 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને 1-1 વિકેટ મળી હતી.

ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં મોહાલી ખાતે ભારતના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેએલ રાહુલ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે ભારતની કેપ્ટનશિપ કરશે. ટીમ ઇન્ડિયામાં ઋતુરાજ ગાયકવાડને તક આપવામાં આવી છે. સાથે સાથે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને શાર્દુલ ઠાકુરના રૂપમાં ત્રણ ફાસ્ટ બોલર્સ નો પણ સમાવેશ ભારતીય ટીમમાં કરવામાં આવ્યો છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા પાસે તેની વર્લ્ડ કપ તૈયારીઓને અજમાવવાની છેલ્લી તક હશે. ભારતીય ટીમ આ મેદાન પર 4 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે રમશે. અહીં છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 4 વિકેટે હરાવ્યું હતું. ભારતીય પસંદગીકારોએ વર્લ્ડ કપ પહેલા ટીમના 5 સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને સિરીઝની પ્રથમ 2 મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. અક્ષર પટેલને કાંડની ઈજાના કારણે આરામ આપવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે 14 વર્લ્ડ કપ ખેલાડીઓ અને 6 વધારાના ખેલાડીઓ સાથે શ્રેણી રમી રહી છે. ઈજાગ્રસ્ત મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલ પ્રથમ વન-ડેમાં રમી શકશે નહીં. ટીમ તેમના સ્થાને પ્લેઇંગ-11માં સ્પેન્સર જોન્સન અને માર્નસ લાબુશેનને સામેલ કરી શકે છે.

ભારતીય ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રવિચંદ્રન અશ્વિન અને શાર્દૂલ ઠાકુરનો સમાવેશ થયો છે. તો એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકા સામે 6 વિકેટ લેનાર મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે.

ભારત: કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી.

ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, કેમરૂન ગ્રીન, જોશ ઈંગ્લીસ(વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, મેથ્યુ શોર્ટ, સીન એબોટ અને એડમ ઝામ્પા.