વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ વરસ્યો, વડોદરા-છોટાઉદેપુર-પંચમહાલમાં ભારે વરસાદ
વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. વરસાદનો ફરી એક રાઉન્ડ શરૂ થયો છે. મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા અને દાહોદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં સારો વરસાદ પડી રહ્યો છે જેના લીધે ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી નદીના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે.
આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 101 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. નર્મદાના સાગબારા તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વડોદરામાં વહેલી સવારથી ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યા થી 11.30 સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. મહુડી ભાગોળ, લાલબજાર, વકીલ બંગલા વિસ્તારમાં વરસાદ છે. આ સિવાય ચણવાડા, સીતપુર,ચાંદોદ, કરનાળી, સહિતના ગામોમાં પણ વહેલી સવારથી વરસાદ છે. આજે સવારથી રાજ્યના છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, વલસાડ, નર્મદા, તાપી, વડોદરા, ભરૂચ, મહીસાગર, ડાંગ, આણંદ, તાપી, નવસારી અને સુરત જિલ્લાના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા છે.
દાહોદના તમામ તાલુકામાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં લિમડીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી વરસી રહેલા વરસાદના કારણે ઠંડક પ્રસરી છે. જ્યારે લાંબા સમય બાદ દાહોદમાં સારો વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. તેમજ સંજેલી, ગરબાડા, લીમખેડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તેમજ દાહોદના સ્ટેશન રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આજે બપોરના 2 વાગ્યા સુધીના વરસાદની વાત કરવામાં આવે તો 56 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સાગબારમાં 52 મિ.મી., તિલકવાડા અને ગરબાડામાં 42 મિ.મી. બારડોલીમાં 52 મિ.મી., ગરુડેશ્વરમાં 50, સોનગઢ અને ગરબાડામાં 46 મિ.મી. વરસાદ વરસ્યો છે.
આ તરફ મહીસાગર જિલ્લામાં છેલ્લ 24 કલાકમાં વરસાદી માહોલ જામ્યો છે. અહીં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સંતરામપુર તાલુકામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. તો લુણાવાડામાં 20 એમએમ વરસાદ ખાબક્યો છે. મહીસાગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ સારો એવો વરસાદ પડી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી જ લુણાવાડા શહેર તેમજ જિલ્લાના તમામ તાલુકાઓમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, અને વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેરને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર છે.