ઈન્સ્ટન્ટ લોન આપનારી એપ્લિકેશન પર મૂકાશે પ્રતિબંધ

Instant-loan-app

ઈન્સન્ટ લોન એપ્સ દ્વારા લોકો સાથે થઈ રહેલી ઠગાઈ-છેતરપિંડીને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો
સરકારે ગૂગલ અને એપલને કહ્યું કે અસુરક્ષિત એપ્લિકેશન કે ગેરકાયદે એપ્લિકેશન એપસ્ટોર પર લિસ્ટ ન કરે

ઈન્સન્ટ લોન આપતી ઘણી બધી એપ આજના સમયે પ્લે સ્ટોર ઉપર છે જેને ઈન્સટોલ કરી લોકો ઈન્સટન્ટ લોન લેતા હોય છે. પરંતુ આવી એપ દ્વારા લોકો સાથે અનેક પ્રકારની છેતરપીંડી તેમજ ઠગાઈ પણ થતી હોય છે. જો તમને પણ તાત્કાલિક લોન આપનારા એપ્સથી પરેશાની હોય તો તમારા માટે આ મોટા સમાચાર છે. ભારતમાં તમામ પ્રકારની ઈન્સ્ટન્ટ લોન એપ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલી રહી છે. સરકારે આ મામલે ગૂગલ અને એપલને આદેશ આપી દીધો છે. સરકારે આ નિર્ણય આ પ્રકારની લોન એપ્સ દ્વારા લોકો સાથે થઈ રહેલી ઠગાઈ-છેતરપિંડીને ધ્યાનમાં રાખીને લીધો છે.

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આજે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર અનેક એપ્લિકેશન છે જેનો ભારતનાં નાગરિકો ઉપયોગ કરે છે. અમે એપ્લિકેશનના એક સેટને ટ્રેક કરી રહ્યા છીએ જે લોન એપ્લિકેશન છે. વધુમાં તેમણે કહ્યું કે અમે Google અને Apple બંનેને એક એડવાઈઝરી જાહેર કરી છે કે તેઓ અસુરક્ષિત એપ્લિકેશન કે ગેરકાયદે એપ્લિકેશન એપસ્ટોર પર લિસ્ટ ન કરે. તમામ ડિજિટલ નાગરિકો માટે ઈન્ટરનેટને સુરક્ષિત અને વિશ્વસનીય બનાવી રાખવું એ અમારી સરકારનું મિશન અને ઉદ્દેશ્ય છે.

વધુમાં તેમણે જણાવ્યું કે આ એપ્સને સંપૂર્ણપણે ખતમ કરવા માટે આરબીઆઈ સાથે પણ બની શકે તેટલી જલદી બેઠક યોજાશે અને એક યાદી બનાવાશે. લોન આપતી એપ્સ માટે એક માપદંડ નક્કી કરાશે. અને આ યાદી આવ્યા બાદ ફક્ત એ જ એપ ઈન્સ્ટન્ટ લોન આપી શકશે જે એ યાદીમાં સામેલ રહેશે.

*****