આ એક જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર હશે, જે જન્મ અને મૃત્યુના પુરાવા માટે સર્વત્ર સ્વીકૃત ઓળખ કાર્ડની જેમ કામ કરશે
સૌથી મોટો ફેરફાર એ થશે કે જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રો પણ ડિજિટલી ઉપલબ્ધ થશે
1 ઓક્ટોબરથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બર્થ સર્ટિફિકેટનું મહત્વ વધવા જઈ રહ્યું છે. નવા નિયમ હેઠળ, બર્થ સર્ટિફિકેટ દ્વારા સ્કૂલમાં એડમિશન, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID, મેરેજ રજીસ્ટ્રેશન, સરકારી નોકરી, પાસપોર્ટ અને આધાર સહિત ઘણી જગ્યાએ સિંગલ ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ કરી શકાશે.
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ હવે ઘણી સેવાઓ માટે જન્મ પ્રમાણપત્રનો એક જ દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારો) અધિનિયમ, 2023 જે જન્મ પ્રમાણપત્રને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ, ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યૂ કરવા, મતદાર યાદી તૈયાર કરવા, આધાર નંબર, લગ્નની નોંધણી અથવા સરકારી નોકરીમાં નિમણૂક માટે એક દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપે છે તે 1 ઓક્ટોબરથી લાગુ થશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા હાલમાં જ જણાવવામાં આવ્યું હતું કે, 1 ઓક્ટોબરથી જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારો) અધિનિયમ, 2023 અમલમાં આવશે. આજે ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, આ સંશોધિત કાનૂન અમલમાં આવ્યા બાદ ઘણા જરૂરી કામ સરળ થઈ જશે, ડોક્યૂમન્ટ તરીકે ફક્ત જન્મ પ્રમાણપત્રને રજૂ કરવું પૂરતું હશે. આનાથી સરકારી નોકરી, આધાર નંબર, શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ, લગ્ન નોંધણી, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર યાદી જેવા કામો આસાન થઈ જશે.
જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારા) બિલ, 2023 ચોમાસુ સત્ર દરમિયાન સંસદના બંને ગૃહોમાં પસાર થયું હતું. નવો કાયદાથી નોંધાયેલ જન્મ અને મૃત્યુનો રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરનો ડેટા બેઝ બનાવવામાં પણ મદદ કરશે. આનાથી, જાહેર સેવાઓ વધુ સારી રીતે પહોંચાડી શકાય છે. આ નવો નિયમ 1 ઑક્ટોબરના રોજ અથવા તે પછી બનેલા બર્થ સર્ટિફિકેટ પર લાગુ થશે. રાષ્ટ્રપતિ દ્વારા પણ તેને સંમતિ મળી ગઈ હતી. તેનો અમલ 1લી ઓક્ટોબરથી કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આધારનો ઉપયોગ દરેક જગ્યાએ ઓળખ કાર્ડ તરીકે થાય છે. તેને તમારા અન્ય દસ્તાવેજો અને એકાઉન્ટ્સ સાથે લિંક કરવાની જરૂર પડે છે. તેવી જ રીતે, આ એક જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર હશે, જે જન્મ અને મૃત્યુના પુરાવા માટે સર્વત્ર સ્વીકૃત ઓળખ કાર્ડની જેમ કામ કરશે. કાયદાના અમલ પછી સૌથી મોટો ફેરફાર એ થશે કે જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રો પણ ડિજિટલી ઉપલબ્ધ થશે. હાલમાં માત્ર તેની હાર્ડ કોપી ઉપલબ્ધ છે. આ માટે ઘણા દિવસો સુધી ઓફિસના ધક્કા ખાવા પડે છે.