ગુજરાત રાજ્ય અનેક માપદંડો પર દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે
આજે ગુજરાત વિધાનસભા ખાતે ‘ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન’-NeVAનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે વર્ષ 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી ગુજરાત વિધાનસભાએ હંમેશા સમાજના હિતમાં કામ કર્યું છે અને સમયાંતરે ઘણા પ્રશંસનીય પગલાં લીધાં છે. વધુમાં તેમણે કહ્યું કે આજે ઇ-એસેમ્બલીનું ઉદ્ઘાટન એ એક મહત્વપૂર્ણ પગલું છે જે આ ગૃહને ડિજિટલ હાઉસમાં પરિવર્તિત કરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય ઇ-વિધાન એપ્લિકેશન (NeVA) દ્વારા આ ગૃહના સભ્યો સંસદ અને દેશની અન્ય વિધાનસભાની શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખી અને અપનાવી શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે “એક રાષ્ટ્ર એક એપ્લિકેશન”ના ધ્યેયથી પ્રેરિત આ પહેલ ગુજરાત વિધાનસભાની કામગીરીમાં વધુ ઝડપ અને પારદર્શિતા લાવશે અને ગૃહની સમગ્ર પ્રક્રિયા પેપરલેસ હોવાથી પર્યાવરણનું પણ રક્ષણ થશે.
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે કોઈપણ રાજ્યની આર્થિક પ્રગતિમાં માનવ સંસાધન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માનવ સંસાધનોના વિકાસ માટે લોકોને સારી આરોગ્ય વ્યવસ્થા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી એ મહત્વપૂર્ણ છે. ગુજરાત સરકારે આ પાસા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે તે જાણીને તેમને આનંદ થયો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત અનેક માપદંડો પર દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ગુજરાત એક અગ્રણી ઉત્પાદન કેન્દ્ર અને સૌથી મોટું દૂધ ઉત્પાદક રાજ્ય છે. ગુજરાત રાજ્ય એ સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમના સંદર્ભમાં તેમજ રૂફ ટોપ સોલર પાવર જનરેશન અને વિન્ડ એનર્જી પ્રોડક્શનમાં ફ્રન્ટલાઈન રાજ્યોમાંનું એક રાજ્ય છે. સરકારના પ્રયાસોથી કન્યા શિક્ષણ, શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર, નોંધણી ગુણોત્તર અને જાળવણી દરમાં અભૂતપૂર્વ સુધારો થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં માતાનાં મૃત્યુનું પ્રમાણ અને બાળ મૃત્યુદરમાં ઘટાડો કરતી ત્રિ-સ્તરીય તબીબી સેવાઓની તેમણે પ્રશંસા કરી હતી. છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં વીજળી સુધારણા અને જળ સંચય તેમજ પાણી પુરવઠામાં કરેલા નોંધપાત્ર કાર્યોની પણ તેમણે પ્રશંસા કરી હતી.
ગૃહમાં મહિલા પ્રતિનિધિત્વ વિશે રાષ્ટ્રપતિએ કહ્યું કે, જ્યારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે, પછી તે વિજ્ઞાન અને તકનીક હોય, સંરક્ષણ હોય કે રમતગમત, રાજકારણમાં પણ તેમનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ. તેમણે કહ્યું કે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓની તેમની મુલાકાત દરમિયાન, તેમણે જીવનમાં આગળ વધવાની અને દેશ અને સમાજ માટે કંઈક કરવાની છોકરીઓની આકાંક્ષા જોઈ. તેમણે ઉમેર્યું હતું કે મહિલાઓને યોગ્ય તકો આપવામાં આવે છે, તેઓ પુરૂષો સાથે ખભે ખભા મિલાવીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે છે. તેમણે હાઇલાઇટ કર્યું કે દેશના સર્વાંગી વિકાસ માટે અડધી વસ્તીની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે.