ગુજરાત વિધાનસભા સત્રમાં જીએસટી સુધારા વિધેયક બહુમતીથી પસાર થયું

Gujarat-Vidhansabha

કોગ્રેસના ધારાસભ્યએ ઓનલાઈન ગેમિંગને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો

ગુજરાત વિધાનસત્રમાં આજે ગુજરાત જીએસટી સુધારા વિધયક બહુમતીથી પસાર કરવામાં આવ્યુ હતુ. આ સુધારા વિધયકની કલમ 27ના સુધારા પર કોગ્રેસના ધારાસભ્યએ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. રાજ્યમાં ઓનલાઇન ગેમિંગ પર છૂટછાટ આપવા બાબતે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ઓનલાઇન ગેમિંગની તમામ એપ પર પ્રતિંબધ મૂકવો જોઈએ. ટેક્સ ભરનારા હેરાન ન થાય અને ટેક્સ ચોરી કરનાર છૂટી ના જાય તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. સરકારે બુકીનો ધંધો શરૂ કર્યો છે અને જુગાર કાયદેસર કર્યો છે. સટ્ટા બાબતે ગુજરાત હંમેશા વિરોધમાં હતું, પણ આ બિલથી હવે વિદેશની લોટરી, જુગાર ગુજરાતમાં બેસીને જ રમી શકાશે. રાજકોટ અને ઉત્તર ગુજરાતના કેટલાક શહેરના બુકીઓ આખા દેશમાં જૂગાડ રમાડે છે. આ બિલ બાદ આવા બુકિઓ છૂટથી જુગાર રમાડશે.

ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું કે, GST કાઉન્સિલની બેઠક મળી. આ બેઠકમાં ટેક્સ નિતી છે જેમાં આ મુદ્દે કાઉન્સિલે ચર્ચા કરી અને જીએસટી બેઠકની અંદર સુધારા કર્યા છે. કેન્દ્રમાં નાણા મંત્રીએ સુધારો કરીને ટેક્સની નવી નિતી જાહેર કરી છે. જે પ્રમાણે ઓનલાઈન ગેમમાં જે ટેક્સ લગાવવામાં આવ્યો છે જેમાં ઘોડા દોડ, કસીનો સહિતની વિવિધ ઓનલાઈન ગેમ પર ટેક્સ લગાવવામાં આવ્યો છે. કલમ 26માં લખ્યું છે કે, લોટરી, સટ્ટા, જુગાર શબ્દનો બિલમાં અલગ ઉપયોગ કર્યો છે. કેસિનો એક પ્રકારનો જુગાર છે, જે ઓનલાઈન રમાશે. રાજ્યમાં ખુલ્લેઆમ જુગાર રમે તો કલમ 12નો ઉપયોગ થાય છે, જ્યારે ઘરમાં કે બંધ બારણે જુગાર રમે તો કલમ 4 અને 5 હેઠળ કાર્યવાહી થાય છે. રાજ્યમાં તમામ ગામમાં જુગારના ખુલ્લેઆમ અડ્ડા ચાલે છે. વધુમાં તેમણે સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, રાજ્યના નાણા મંત્રી તરીકે ઓનલાઈન ગેમ મારફતે નાણાં ઊઘરાવશો કે ગૃહ મંત્રી તરીકે આરોપીને પકડશો તથા કાયદા મંત્રી તરીકે કોર્ટમાં રજૂ કરશો? આ બિલનું નામ વન નેશન – વન જુગાર બિલ હોવું જોઈએ.

સી.જે ચાવડાએ આ અંગે જણાવ્યું કે, દ્વારકાના નાથ કૃષ્ણનું આ ગુજરાત છે. મહાભારતકાળમાં 36મી કળા તરીકે જુગાર આવડે છે કે નહી, તે માટે રાજાને જુગાર રમાડવામાં આવતો હતો. જ્યારે પણ જુગાર રમાતો હોય, ત્યારે મામા શકુનિ હોય જ. મહાભારતમાં જુગાર રમતી વખતે પાંડવો હારી જતા દ્રૌપદીનું ચીરહરણ થયું હતું. જો કે એ વખતે તો કૃષ્ણ હતા, પરંતુ અત્યારે કોણ છે ? કૌટિલ્ય કહે છે કે જે રાજા વેપારી બને તેની પ્રજા ભિખારી બની જતી હોય છે. સુખાકારી વધે તે માટે વિચારવાની વાત છે, નહી કે ભપકાં કે પૈસા કેવી રીતે વધે? એ અંગે વિચારવાનું.

ધનાનંદનું શાસન 25 વર્ષ ચાલ્યું અને ચંદ્રગુપ્તનું શાસન પણ 25 વર્ષ ચાલ્યું, પરંતુ બંનેની શાસન પદ્ધતિ અલગ હતી. ધનાનંદે પોતાના સૈનિકોને બુકાની બાંધીને લૂંટ ચલાવવા કહ્યું હતું અને લૂંટનો દસમો ભાગ આપવાની બાંહેધરી આપી હતી. લૂંટ થયા બાદ લૂંટનો સામાન ધનાનંદના ખજાનામાં ગયો અને વેપારીઓ ધનાનંદને મળવા આવ્યા અને રક્ષણ માંગ્યું. આ સમયે ધનાનંદે વેપારીઓને કહ્યું કે, જો તમારે લૂંટારૂઓથી બચવું હોય તો વધારે ટેક્સ આપવો પડશે, આમ વેપારીઓ બંને બાજુથી પીડાતા હતા.

ગુજરાતમાં કયા પક્ષની બેઠક કેટલી છે એ મહત્વનું નથી. ભલે તમારી 156 સીટ અને અમારી 17 સીટ હોય. આ 17 સીટ પણ તમે લઈ જાઓ પરંતુ આ પ્રકારનું બિલ ન લાવો. ભલે વન નેશન વન ઈલેક્શન લાવો પણ કહેવું ન જોઈએ, પરંતુ વન નેશન વન જુગાર જેવું થઈ જશે.

નાણા મંત્રી કનુ દેસાએ કોગ્રેસના ધારાસભ્યએ ઉઠાવેલા સવાલોના જવાબ આપતાં જણાવ્યુ કે, દેશમાં 44 કરોડ લોકો ઓનલાઈન ગેમ રમે છે. 31-8-23 સુધી રાજ્યમાં 11,54,585 લોકોએ ટેક્સ પેયર્સ છે, જેમાંથી 93961 લોકો ટેક્સ ભરે છે. જેમાં હવે 27,700 લોકોનો પણ વધારો થયો છે. જે કોગ્રેસ મિત્રો સવાલો ઉઠાવી રહ્યા છે તેમણે એ પણ જાણવું જોઇએ કે ગુજરાતમાં પેટ્રોલ 96 રૂપિયા મળે છે જ્યારે રાજસ્થાનમાં 108 રૂપિયા લીટર મળે છે. કોગ્રેસના શાસનમાં લોટરી અમલમાં હતી. જીએસટી બીલમાં સુધારાથી કોઇ પણ પ્રવૃતિને શરૃ કરવાનું લાયસન્સ મળતુ નથી. ઓનલાઇન ગેમ પર 28 ટકા ટેક્સ લગાવામાં આવ્યો છે. આ ટેક્સ ઓનલાઇન ગેમ અટકાવવા માટે લગાવામાં આવ્યો છે. GSTના સમયસર અમલવારી ન થવા પાછળ ભાજપ નહી પણ કોગ્રેસ જવાબદાર છે. કેન્દ્ર સરકારે રાજ્યોને જીએસટીમાં 14 ટકાનો વધારો આપ્યો છે. ગુજરાતને 5 વર્ષમાં જીએસટીમાં 80 હજાર કરોજની આવક થઇ છે.