એક જ મહિનામાં અદાણી ગ્રુપની 3 કંપનીનાં 700 કરોડના શેર ખરીદાયા

adani

અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પાવર અને અદાણી એનર્જીમાં મહત્તમ ખરીદી

અદાણીને લગતા વિવાદ હજુ શમ્યા ન હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડ્સે તેના પર ભરોસો રાખીને ત્રણ કંપનીઓમાં 700 કરોડથી વધારે ખરીદી કરી છે. ઓગસ્ટ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા અદાણી ગ્રુપના શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી છે. જીક્યુજી પાર્ટનર્સ દ્વારા ખરીદીના પગલે અન્ય મોટા રોકાણકારો પણ આ શેરમાં મૂડીરોકાણ કરી રહ્યા છે.

હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલ પછી અદાણી જૂથના શેરોમાં 70થી 80 ટકા જેટલો કડાકો આવ્યો હતો. ત્યાર બાદ આ ગ્રૂપ નેગેટિવ અહેવાલો વચ્ચે પણ સ્થિર થયું છે. અદાણી જૂથ સામે તાજેતરમાં નવા આરોપો થયા હતા છતાં તેના શેરોમાં ખરીદી ચાલુ છે. ઓગસ્ટ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા અદાણી જૂથની ત્રણ કંપનીઓમાં 700 કરોડથી વધારે કિંમતના શેર ખરીદવામાં આવ્યા છે.

તાજેતરમાં સમાપ્ત થયેલા ઓગસ્ટ મહિનામાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પાવર અને અદાણી એનર્જીના શેરમાં મ્યુચ્યુઅલ ફંડે ભારે ખરીદી કરી હતી. ગયા મહિને મ્યુ. ફંડ્સે જે લાર્જ કેપ શેરોની ખરીદી કરી તેમાં આ ત્રણ ટોપ પર હતા. અદાણી જૂથ ચાલુ વર્ષમાં અનેક ઉથલપાથલમાંથી પસાર થયું છે છતાં તેના શેરોમાં મોટા રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્સની ખરીદી જારી છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે ઓગસ્ટ મહિનામાં અદાણી પાવરમાં મ્યુચ્યુઅલ ફંડ્સનું હોલ્ડિંગ 61 લાખ શેરનું હતું. તેની સાથે જુલાઈ મહિનામાં 17 લાખ શેર ખરીદવામાં આવ્યા હતા. વેલ્યૂની રીતે જોવામાં આવે તો 194 કરોડ રૂપિયાના Adani Powerના શેરની ખરીદી થઈ હતી જે જુલાઈ મહિનામાં 46 કરોડની હતી.

અદાણી એનર્જીમાં પણ ઓગસ્ટ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ્સ 22 લાખ શેર ધરાવતા હતા જ્યારે એક મહિના અગાઉ તેમાં 16 લાખ શેર હતા. વેલ્યૂની રીતે જોતા મ્યુ. ફંડ્સ પાસે અદાણી એનર્જીના શેરોની વેલ્યૂ 127 કરોડથી વધીને 178 કરોડ થઈ છે. ક્વેન્ટ મ્યુચ્યુઅલ ફંડે અદાણી એન્ટરપ્રાઈઝિસના 344 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.