સપ્તાહનો પ્રથમ દિવસ ભારતીય શેરબજાર માટે શાનદાર સાબિત થયો
ટ્રેડિંગ દરમિયાન તે 20,008.15ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો, પ્રથમ વખત નિફ્ટીએ આ સ્તરને પાર કર્યું
આજે સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે શાનદાર દિવસ સાબિત થયો છે. દિવસના ટ્રેડિંગના અંત પહેલા જ મુખ્ય ઈન્ડેક્સ નિફ્ટી-50 એ ઈતિહાસ રચ્યો હતો. આજે બપોરે 3.20 વાગ્યે, નિફ્ટી ઇન્ડેક્સ તેના અગાઉના તમામ રેકોર્ડ તોડીને સૌથી ઉંચી 20,000ની સપાટીને પાર કરી ગયો હતો. જુલાઈ 2023 પછી નિફ્ટીનો આ નવો હાઈ રેકોર્ડ છે. આ અગાઉ આ આંકડો 19,995 હતો.
સોમવારે શેરબજારની ટ્રેડિંગ સેશનની શરૂઆત તેજી સાથે થઈ હતી. શેરબજારના બંને સૂચકાંકો શરૂઆતના ટ્રેડિંગથી જ લાભ સાથે લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 ઇન્ડેક્સ સવારે 9.15 વાગ્યે 19,890ના સ્તરે ખૂલ્યો હતો. ત્યારબાદ માર્કેટમાં ટ્રેડિંગ આગળ વધતાં નિફ્ટીએ પણ વેગ પકડ્યો હતો અને ટ્રેડિંગ દરમિયાન તે 20,008.15ના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. અત્યાર સુધી આ પ્રથમ વખત છે જ્યારે નિફ્ટીએ આ સ્તરને પાર કર્યું છે. જો કે, અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા બાદ, ટ્રેડિંગની છેલ્લી મિનિટોમાં શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને નિફ્ટી 20,000ના સ્તરની નીચે બંધ થયો હતો. બજારના અંતે તે 176.40 પોઈન્ટના વધારા સાથે 19,996.35ના સ્તરે બંધ રહ્યો હતો.