પાટણનાં હારીજ ગામમાં પત્નીએ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા

Crime

પાટણનાં હારીજ ગામમાં પત્નીએ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા કરવાની ઘટનાં સામે આવી છે. ચોંકાવનારી વાત એ છે કે મૃતકને તેની પત્નીએ જ પ્રેમી સાથે મળીને તેને મોતને ઘાટ ઉતાર્યો છે. આ સમગ્ર ઘટનામાં હાલ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને કેટલાક શકમંદોને ધરપકડ કરવામાં આવેલ છે. મૃતકના મૃતદેહને હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હારીજ તાલુકાના દૂધા રામપુરા ગામમાં રહેતા મોહનભાઈ પરમારની પત્ની ભગીબેનને ગામના જ અરવિંદ ઠાકોર નામના શખ્સ સાથે આડાસંબંધ હોવાની જાણ મોહનભાઇને થઈ હતી. જેથી ભગીબેન અને અરવિંદને મોહનભાઇ આંખના કણાની જેમ ખૂંચતાં હતાં. આ બાબતે મોહનભાઇ અને ભગીબેન વચ્ચે વારંવાર ઝઘડો પણ થતો હતો પરંતુ મોટો પરિવાર હોવાથી આ ઝઘડો શાંત થઈ જતો હતો. ભગીબેને પ્રેમી અરવિંદ સાથે મળીને મોહનભાઇને પોતાના રસ્તામાંથી દૂર કરી દેવાનું નક્કી કરી દીધું હતું.

મૃતક મોહનભાઈના પુત્રએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગઇકાલે તેની માતા અને પિતા બહાર જઇ રહ્યાં હતાં. ત્યારે તેણે પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? ત્યારે માતાએ જણાવેલું કે અમે મજૂરીના પૈસા લેવા માટે જઇએ છીએ. સાંજે માતા એકલી જ ઘરે ફરતાં પુત્રએ સવાલ કર્યો હતો કે મારા પિતા ક્યાં છે? તો માતાએ જણાવેલું કે તારા પિતા બીજા કામ માટે રોડા ગામે ગયા છે. મોડે સુધી પિતા ઘરે નહીં આવતાં તેણે પિતાના નંબર પર ફોન કરતાં ફોન રિસીવ નહોતો કર્યો. પુત્રએ તેના મિત્રોને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા અને પિતાને શોધવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે વાંસા ગામની નર્મદા કેનાલની બાજુના નાળામાં એક મૃતદેહ પડ્યો છે. જેથી તે મિત્રો સાથે એ સ્થળે પહોંચ્યો હતો. તેણે લાશ જોતાં જ પોતાના પિતા હોવાની ઓળખ કરી હતી. આ ઘટના દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ભગીબેન અને તેના પ્રેમીની પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડ્યા હતા અને બંનેએ મળીને મોહનભાઇની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. હાલ પોલીસે પુત્રની ફરિયાદના આધારે બંને હત્યારાઓને જેલ હવાલે કર્યાં છે.