મોદી 15 દેશો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી શકે છે, ચીન-EU આફ્રિકન યુનિયનને સભ્ય બનાવવા સંમત
5 રાષ્ટ્રાધ્યક્ષ આજે દિલ્હી પહોંચશે, દરેક મહેમાનના ડિજિટલ વોલેટમાં એક હજાર રૂપિયા મૂકશે
નવી દિલ્હીમાં 9થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી G20 સમિટની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ સમિટમાં 19 દેશો અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ હાજરી આપશે. આ સિવાય 9 વધુ દેશોને સમિટમાં ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
આજથી G20 સભ્યોના મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 8 સપ્ટેમ્બરની રાત સુધીમાં G-20 સમિટ માટે 4 મોટા દેશોના 5 રાષ્ટ્રાધ્યક્ષો દિલ્હી પહોંચશે. G-20 સમિટ માટે વિદેશી મહેમાનોનું રાજધાની દિલ્હીમાં આગમન થઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન G-20 સમિટ અંતર્ગત ભારત પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી અને બાઇડેન વચ્ચે થોડીવારમાં દ્વિપક્ષીય બેઠક થશે. જો બાઈડન પહેલી વખત ભારત આવ્યા છે. વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર અંતર્ગત વિશ્વ કલ્યાણની વાત કરવામાં આવશે. ટેકનોલોજી, વ્યાપાર, ઊર્જા., ડિફેન્સથી લઈને ગ્રીન એનર્જી સુધીના તમામ વિષયો પર ચર્ચા થાય એવી પૂરી શક્યતાઓ છે. ભારત અને અમેરિકાના સંબંધોની અવારનવાર ચર્ચા થઈ છે. વડાપ્રધાન મોદીએ જ્યારે અમેરિકાની મુલાકાત લીધી હતી એ સમયે પણ ઘણી ચર્ચાઓ થઈ હતી. અમેરિકામાં પણ ઘણા ભારતીયો વસવાટ કરે છે. એને લઈને પણ કોઈ મુદ્દાઓની ચર્ચા કરે છે.
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મિલોની સવારે 6.20 વાગ્યે દિલ્હી પહોંચી ગયા છે. કૃષિ રાજ્ય મંત્રી શોભા કરંદલાજે તેમનું સ્વાગત કર્યું છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની બાદ હવે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પોતાની પત્ની અક્ષતા મૂર્તિ સાથે નવી દિલ્હી પહોંચ્યા હતા. કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ જાપાનના PM ફુમિયો કિશિદા પણ G-20માં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા છે. ત્યારબાદ હાલમાં જ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા પણ દિલ્હી પહોંચી ચૂક્યા છે.
સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝને કોરોના સંક્રમિત થયા છે. તે G20 સમિટમાં ભાગ લેશે નહીં. તેમના સ્થાને ઉપરાષ્ટ્રપતિ નાદિયા કેલ્વિનો સેન્ટામરિયા અને વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેસ ભારત આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાંજે 6.55 વાગ્યે, ચીનના વડાપ્રધાન લી કેયાંગ સાંજે 7.45 વાગ્યે, UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન રાતે 8 વાગ્યે આવશે. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવવાના નથી. પુતિનના સ્થાને તેમના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ રશિયાનું પ્રતિનિધિત્વ કરશે.
આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ આજે સવારે ભારત આવી પહોંચ્યા હતા. તેમજ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનૌથ અને નાઈજીરિયાના રાષ્ટ્રપતિ અહેમદ તિનુબુ પણ આવી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ અહેમદ તિનુબુનું સ્વાગત મરાઠી ધૂન સાથે કરવામાં આવ્યું હતું. તેઓ G20માં ગેસ્ટ તરીકે સામેલ થવા પહોંચ્યા છે.
આ દરમિયાન એવા સમાચાર છે કે ભારતીય વાયુસેનાએ ચીન-પાકિસ્તાન સરહદ પર ચાલી રહેલી ત્રિશૂલ કવાયતને રોકી દીધી છે. એજન્સી ANIના જણાવ્યા અનુસાર, કવાયતમાં સામેલ રાફેલ, સુખોઈ, મિગ, મિરાજ અને ચિનૂક જેવા ફાઈટર જેટને જી20 સમિટની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યાં છે.