કૃષ્ણ ચરિત્ર લખવા બેસીએ તો કદાચ જન્મ ઓછો પડે, સંસારમાં કૃષ્ણાવતાર જેવો કોઈ બીજો અવતાર થયો નથી, અને થશે પણ નહીં. પ્રેમ માટે જ જેનો જન્મ થયો હતો, અને એ પરમ પ્રેમના અધિષ્ઠાતા એવા ભગવાન કૃષ્ણ આજે પણ લોકલાડીલા છે.
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે શ્રાવણ વદ આઠમ છે, અને દ્વાપરયુગમાં વિષ્ણુનાં અવતાર તરીકે સ્વીકારાયેલા કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમે થયો હતો, તેથી આ દિવસને ત્યારથી જન્માષ્ટમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના તહેવારની સૌ કોઈને ખૂબ ખૂબ વધાઈ, અને કૃષ્ણ તત્વ રૂપે પ્રેમ સૌનાં અંતરમાં બિરાજમાન થાય, અને સમાજ એ રીતે બદલાય, એવાં એક સુંદર મનોરથ સાથે આપણે સૌ આ જન્માષ્ટમીનો તહેવાર ઉજવીએ છીએ.
શ્રી કૃષ્ણ નામ પડતાજ મુખથી માંડીને આખાં શરીરમાં ચેતન્ય જાગૃત થાય, અને તેની રસ માધુરી અનુભવાય એવું ચરિત્ર એટલે કૃષ્ણ ચરિત્ર. દ્વાપર યુગને સદીઓ વીતી ગઈ, છતાં પણ કૃષ્ણ ચરિત્ર આજે પણ એટલું જ લોકપ્રિય છે. પરંતુ બહુ સામાન્ય રીતે વિચારીએ તો એને લોકપ્રિય કરવામાં કોનો ફાળો છે, તે પણ વિચારવું પડે. કારણકે અવતારો પણ જ્યારે માનવ તરીકે જન્મ લેતાં હોય, ત્યારે સમાજ તેને સીધો ઈશ્વર તરીકે સ્વીકારતાં નથી. એમાં પણ કૃષ્ણે તો એના બાળપણમાં એટલું માખણ ખાધું છે, કે સમાજે તેને આખી જિંદગી તાવ્યા જ કર્યો, અંતની ઘડી સુધી એને વિશ્રામ ન મળ્યો, અને સતત પોતાનાં પ્રેમ રુપી અસ્તિત્વ માટે એને સંઘર્ષ કરવો પડ્યો. સૌપ્રથમ તો મથુરાની જેલમાં જન્મ થયો, અને આકાશવાણી મુજબ દેવકી વાસુદેવનું આઠમું સંતાન કંસની હત્યા કરશે, એવું હોવાથી કૃષ્ણને કંસની નજરથી બચાવવા માટે મથુરાની જેલમાંથી રાત્રે વાસુદેવ તેને છલ્લો છલ્લ છલકાતી જમુના માંથી પસાર થઈ છેક ગોકુળમાં નંદબાબાને ઘેર મૂકવા ગયાં. એટલે માતા પિતા હોવા છતાં અન્ય આગળ તેનો ઉછેર થયો, અને બે મા અને બે બાપનો કહેવાયો. બાળપણ ગોકુળમાં વિત્યું, એની પછીના થોડા વર્ષો મથુરામાં, અને ત્યાંથી દ્વારકા સુધીનો મુકામ રહ્યો. કૃષ્ણનું આયુષ્ય 128 વર્ષ કે 129 વર્ષ માનવામાં આવે છે, આટલી લાંબી યાત્રા છતાં… કૃષ્ણને આપણે ત્યાં પ્રેમ અવતાર તરીકે સ્વીકારવામાં આવ્યા છે, એટલે કે નગદ પ્રેમ અવસ્થાનું નામ જ ક્રિષ્ન. બહુ સામાન્ય રીતે જ પૃથ્વી પર જ્યારે પાપાચાર વધી જાય ત્યારે, ઈશ્વર અવતાર તરીકે જન્મ લેતા હોય છે, અને આસુરી તત્વોનો નાશ કરી પૃથ્વી પર થતાં અત્યાચારો રોકી તેને ભાર મુક્ત કરે છે. કૃષ્ણનું જીવન ચરિત્ર જોઈએ તો આપણને ઘણીવાર સત્ય પર શંકા થાય, અને એટલે જ કહેવામાં આવ્યું કે ઇષ્વર પરમ સત્યને અનુસરતા હોય છે. તો પરમ સત્ય એટલે શું? જેમાં આખાં સમાજનું હિત સમાયેલું છે,એને એને પ્રતિપાદિત કરવા ઈશ્વર કંઈપણ કરી શકે, પરંતુ આપણી દ્રષ્ટિની સીમીતતા સર્વનું હિત જોઈ શકતી નથી, માટે ત્યાં પ્રશ્ન આવે, સર્વે લોકોની શંકા કે સંદેહનું સમાધાન ન થાય, એટલે ઈશ્વરને પણ ખોટો સાબિત કરવા સમાજ પ્રેરિત થાય, અને આ અવતાર પુરુષ અને સમાજ વચ્ચે પણ એવા સંઘર્ષો ચાલે, એટલે કે જે તે સમયમાં ક્રિષ્નની બહું જ નીંદા થઈ. તો પછી સવાલ એ થાય કે કૃષ્ણ ચરિત્રને આટલું લોકપ્રિય બનાવ્યું કોણે? કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં ગોકુળના નંદ, જશોદા, ગોપ, ગોપી અને રાધાનો મહત્વનો ભાગ છે, આ ઉપરાંત અર્જુન અથવા તો એમ કહી શકો કે કૌરવ-પાંડવના સંઘર્ષમાં કૃષ્ણની મહત્વની ભૂમિકા, અને તેણે કુરુક્ષેત્રમાં અર્જુનને બોધ રૂપે જે કહ્યું તે ભગવતગીતા ને કારણે પણ કૃષ્ણ ચરિત્ર લોકપ્રિય છે. આટલી મોટી યાત્રામાં ઘણા બધા એવા લોકો હશે, કે જેને થોડાથી વધુ એવો વિશ્વાસ ભગવત ચરિત્ર પર હતો, અને તેણે પોતાના સમયમાં તેનાથી થાય તેટલું તે સાબિત કરવાની કોશિશ કરી હશે. પરંતુ મુખ્યત્વે તો નંદ, જશોદા, ગોપી, ગોવાળ, અર્જુન, અને દ્રૌપદી આટલા લોકોનો કૃષ્ણ ઈશ્વર છે, અથવા તો સાચાં છે કે, પછી અમારું હિત જ કરશે એવો અતૂટ વિશ્વાસ હતો. આપણે સૌ રાધા ક્રિષ્નાના અમર પ્રેમની વાતથી પરિચિત છીએ, અને રાધા કૃષ્ણના કાયમ શક્તિ સ્ત્રોત રહ્યાં. એટલે કે અંતની ઘડી સુધી કૃષ્ણને તેણે શક્તિ પૂરી પાડી. પ્રેમ તથા સમર્પણમાં કેટલી તાકાત છે, કે બંને જણાં બહુ ઓછો સમય સાથે વિતાવ્યો હશે, અને એમાં પણ તે સમયના સમાજના નિયમો પ્રમાણે કઈ કેટલીયે બાધાઓ પણ આવી હશે, છતાં એ કૃષ્ણ સમર્પિત સ્ત્રીએ પોતાનું આખું જીવન કૃષ્ણની યાદમાં કાઢ્યું, અને એ સમર્પણ જ કૃષ્ણની અંતિમ ક્ષણ સુધીની શક્તિનો સ્ત્રોત છે. કારણ કે ઈશ્વર પણ અવતાર લે છે, ત્યારે સમાજમાં પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવા તેને શક્તિની જરૂર પડે છે, અને આ શક્તિ તે ઘણી બધી રીતે ગ્રહણ કરતા હોય છે, અને એટલે જ અન્યોન્ય આપણાં ત્રિદેવ એકબીજાને ઈષ્ટ તરીકે સ્વીકારતા હશે, તો ક્યાંક દુર્ગાનું શરણ પકડી, અને પરમ શક્તિ મેળવતા હશે. આ વાત તો દ્વાપર યુગની થઈ, પણ આપણને વિચાર આવે કે કળિયુગમાં કૃષ્ણને લોકપ્રિય બનાવનાર કોણ? કળિયુગમાં કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવનારા ઘણા છે પરંતુ મુખ્ય જોઈએ તો, એક નાગર નરસૈંયો,અને બીજા મેવાડની મહારાણી મીરાં, અને બીજા ઘણાં હશે.
નરસિંહનાં જીવનથી પણ સૌ કોઈ પરિચિત છીએ, કે નાનપણથી જ તેની સમાજે બહુ કસોટી કરી,ઈષ્ટ દેવ હાટકેશ્વર હોવાથી ગોપનાથ મહાદેવના મંદિરમાં તેણે સાત દિવસ કડક તપસ્યા કરી, ત્યારે ભગવાન શંકર તેને પ્રસન્ન થયાં, અને કૃષ્ણ લીલા તરીકે મહારાસના દર્શન કરાવ્યાં અને એણે જે કૃષ્ણ ચરિત્ર વિશે જાણ્યું કે, અનુભવ્યુ એ તેને સમાજને પોતાની રીતે કાવ્ય, છંદ, અને ગીત દ્વારા પીરસ્યું, અને લોકો એ રીતે કૃષ્ણ ચરિત્ર થી વધુ પરિચિત થયાં. પૂર્ણપણે શરણાગત એવા નરસિંહના જીવનના બધા જ પ્રસંગો શ્રીકૃષ્ણ એ પૂરા કર્યા, અને આજે પણ એ આખ્યાન તારીખે ભજવાય છે. હું ખુદની વાત કરું તો મને પણ નરસિંહ દ્વારા જ કૃષ્ણ ચરિત્રનો પરિચય થયો છે, અથવા તો એમ કહી શકાય કે નરસિંહની ચેતના કે નરસિંહની આંખે કૃષ્ણને જોયા છે, એટલે એ રસ માધુરીનો સ્વાદ કંઈક અંશે ચાખવા મળ્યો. નરસિંહ જીવનના સારા માઠા દરેક પ્રસંગોને સહન કરતાં-કરતાં જીવનની અંતિમ ક્ષણે પહોંચ્યા ત્યાં સુધી તેનો કૃષ્ણ ચરિત્ર પરથી ભરોસો ડગ્યો નહીં, અને એમ કહી શકાય કે આ સંસાર નામનો ભવસાગર પાર કરવા માટે તેને કૃષ્ણ નામની જડીબુટ્ટી કોઈ સદગુરુ પાસેથી મળી હતી, અને એને કારણે કૃષ્ણની સાથોસાથ નરસિંહનું ચરિત્ર પણ લોકપ્રિય થયું.
મેવાડની મીરાની વાત કરીએ તો નાનપણમાં ઝરૂખેથી કોઈ નો વરઘોડો નીકળતો હતો, એ જોઈ બાળ સહજ જીજ્ઞાસા સાથે માતા ને પૂછ્યું કે આ શું થાય છે? ત્યારે માતાએ કહ્યું કે આ લગ્ન થઈ રહ્યા છે, અને પેલી કન્યાનો આ દુલ્હો છે. અને મીરાં એ હઠ કરી કે મારે પણ દુલ્હો જોવે છે, બાળ હઠ પાસે માતા હારી જાય છે, અને માતાએ કૃષ્ણ ભગવાનની મૂર્તિ તેને પકડાવી અને કહ્યું કે આ તારો દુલ્હો,બસ ત્યારથી એ કૃષ્ણ તત્વને સમર્પિત થાય છે. પછી તો લગ્નની ઉંમરે તેના રાણા સાથે લગ્ન પણ થાય છે. પરંતુ છતાં તે સમર્પણ ભાવ છૂટતો નથી અને તે પોતાની સાથે પોતાના દુલ્હા એટલે કે કૃષ્ણની મૂર્તિ લઈને સસુરાલ આવે છે. અહીં તેની પણ સમાજ ખુબ જ પરીક્ષાઓ કરે છે, અને અંતે ઝેરનો કટોરો અપાય છે, ત્યારે સ્વયં કૃષ્ણ આવીને એ ઝેર પી જાય છે. એ બધી જ વાતથી આપણે પરિચિત છીએ, તેમણે પણ પોતાની જીવનયાત્રા દરમિયાન કૃષ્ણ સમર્પિત પદ, કવિતા, અને ગીતો, સમાજને ભેટ આપ્યાં. જે આજે પણ કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય કરી રહ્યા છે.
પૂર્ણ પ્રેમ સ્વરૂપ કૃષ્ણનો આજે જન્મ થશે, મંદિરોમાં ઉત્સવ ઉજવાશે. પરંતુ મનના મંદિરમાં પ્રેમ તત્વનો જન્મ કરવો હોય તો, પહેલા મનને શુદ્ધ અને સંયમિત કરવું પડશે. કૃષ્ણ ચરિત્ર લખવા બેસીએ તો કદાચ જન્મ ઓછો પડે, સંસારમાં કૃષ્ણાવતાર જેવો કોઈ બીજો અવતાર થયો નથી, અને થશે પણ નહીં. પ્રેમ માટે જ જેનો જન્મ થયો હતો, અને એ પરમ પ્રેમના અધિષ્ઠાતા એવા ભગવાન કૃષ્ણ આજે પણ લોકલાડીલા છે. તેમને યાદ કરતાં જ રુવાંડે રુવાંડે પરમ પ્રેમનો ઉદ્ભવ થાય છે, અને મન રાધા બની ગોકુળમાં પહોંચી જાય છે. લોક માનસમાં કૃષ્ણની એક એક વાત અંકિત છે, નાના બાળકથી માંડીને વયોવૃદ્ધ સુધીનાં તમામ જનસંખ્યામાં તે એટલા જ પ્રિય છે. પછી તે તેનું બાળ સ્વરૂપ હોય, કે ગોકુળનાં ગોવાળનું કે માથે મોરપીંછ, હાથે વાંસળી વાળું,કે રણ મધ્યે ઉભેલા સારથીનું કે દ્વારકાના રાજા તરીકે નું! પ્રેમની વાતો એટલે કે રાધા કૃષ્ણના પ્રેમની વાત એ કવિઓનો આજ સુધી લેખનીનો મુખ્ય વિષય રહ્યો છે. પ્રેમી તરીકે તો દરેક સ્ત્રીનો તે માણીગર રહ્યો છે, પરંતુ ભગવાન ગણીએ તો ભક્ત માટે પણ તે એટલો જ પ્રિય છે. હિંદુઓના ઘરમાં લાલજી તરીકે હરિ મંદિરમાં સ્થાન પામેલો એ કૃષ્ણ,તેની સેવ પૂજાને નામે આજે પણ ખૂબ લાડ પામે છે. જૂનાગઢનો નાગર નરસિંહ અને મેવાડની રાણી મીરાએ બંનેને જગત આખું પરમ કૃષ્ણ ભક્ત તરીકે ઓળખે છે. જે કોઈ કૃષ્ણને, કોઈ પણ રીતે ભજતા હોય, તે બધાનાં નામ આમાં સામેલ કરી, તેમને હ્રદય પૂર્વક પ્રણામ કરી, અને સૌ કોઇના જીવનમાં કૃષ્ણ તત્વ એટલે કે પ્રેમથી પરિપૂર્ણ થાય, અને બધાના જીવનની આધિ, વ્યાધિ, ઉપાધિ, બધું જ ટળે અને બધા પરમ પૂર્ણ પ્રેમને આ જન્મમાં પામી, અને જીવનને સાર્થક કરે. કૃષ્ણની જેમ નાનામાં નાના માણસોનો સ્વીકાર કરી, અને આ સમાજને એક ઉચ્ચ હિન્દુ સનાતન ધારાના શિખરે લઈ જાય, જ્યાં ફક્ત પ્રેમ! પ્રેમ! અને પ્રેમ! નું જ અંદર-બહાર અનુશાસન હોય, લોકોની લાગણીઓ પ્રેમથી પરિપૂર્ણ થયેલી હોય, અને એકબીજા પ્રત્યે સતત પ્રેમ પૂર્વકનો વ્યવહાર રહે, તેવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા સ્નેહ વંદન અને જય સીયારામ.
- ફાલ્ગુની વસાવડા(ભાવનગર)