રાષ્ટ્રપતિએ મોકલેલા G20ના નિમંત્રણ કાર્ડ પર “President Of Bharat” લખવામાં આવતા રાજકીય ગરમાવો

President-of-Bharat

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું- INDIAની જગ્યાએ ભારત લખીને BJPએ શરૂ કર્યો નવો વિવાદ
આપણે ઈન્ડિયા માતા કી જય નથી બોલતા, આપણે ‘ભારત માતા કી જય’ બોલીએ છીએ: BJP નેતા સુશીલ મોદી

G-20ની બેઠક 9-10 સપ્ટેમ્બર વચ્ચે દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાવા જઈ રહી છે. આ બેઠકના ડિનરમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી આમંત્રણ કાર્ડ મોકલવામાં આવ્યું છે. G20 નિમંત્રણ કાર્ડમાં પહેલી વખત પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. જેને લઈને ભાજપ અને વિપક્ષના લોકોએ સામસામે પ્રતિક્રિયા આપી છે. જેમાં એક તરફ કેન્દ્ર સરકારની તરફેણ જોવા મળી તો બીજી તરફ વિપક્ષી ગઠબંધનના પક્ષોએ આનો વિરોધ કર્યો હતો. કેન્દ્રની મોદી સરકાર બંધારણમાંથી ઈન્ડિયા શબ્દ દૂર કરવા માટેની યોજના બનાવી રહી છે. સંસદના વિશેષસત્રમાં આ અંગેનું એક બિલ પાસ થઈ શકે એવી પૂરી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.

મૂળ મુદ્દો ત્યાંથી સામે આવ્યો જ્યારે રાષ્ટ્રપતિ મુર્મુ તરફથી મોકલવામાં આવેલા ડીનર માટેના નિમંત્રણમાં ‘પ્રેસિડન્ટ ઓફ ભારત’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ પછી જોરશોરથી જુદા જુદા રાજકીય પક્ષોમાં ચર્ચાઓનું આખું સેશન શરૂ થઈ ગયું. મોદી સરકાર માટે ભારત નામ અત્યારે પ્રાથમિકતા છે. આ મુદ્દાને લઈને દેશના રાજકીય માહોલમાં જોરદાર ગરમાવો આવી ગયો છે.

તાજેતરમાં સંઘ સુપ્રીમો મોહન ભાગવતે પણ પોતાના એક ભાષણમાં એક એવો ઉલ્લેખ કર્યો હતો કે, આપણા દેશનું નામ ભારત છે. લોકોને ઈન્ડિયા શબ્દના બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી હતી. જોકે, આ કોઈ નવી વાત નથી. દેશ માટે નક્કી થયેલા આ બન્ને નામનો ઉલ્લેખ આપણાં બંધારણમાં છે. હવે જો ઈન્ડિયા નામ દૂર કરીને ભારત કરી દેવામાં આવે તો પરિવર્તન થયું મનાશે. જેની સીધી અસર ઘણા બધા પાસાઓ પર થઈ શકે છે. કલમ 368 અંતર્ગત સંશોધન કરવામાં આવશે. અત્યાર સુધી આ વિષય પર કેન્દ્ર સરકાર તરફથી કોઈ જ સત્તાવાર વાત સામે આવી નથી. માત્ર અટકળો લગાવવામાં આવી રહી છે. બંધારણની કલમ 1માં આપણા દેશનો ઉલ્લેખ ઈન્ડિયા એટલે કે ભારત એવી રીતે કરવામાં આવ્યો છે. જે સ્પષ્ટ કરે છે કે, ભારત જુદા જુદા રાજ્યોનું એક સંધરાષ્ટ્ર છે. એ સમયે પણ કેટલાક સભ્યો ઈન્ડિયા નામ રાખવા માગતા હતા અને કેટલાક સભ્યો ભારત નામ નક્કી કરવા માગતા હતા.

રાજ્યસભાના સાંસદ અને ભાજપના નેતા સુશીલ મોદીનું કહેવું છે કે, દેશના બંધારણમાં ભારત અને ઈન્ડિયા એમ બન્ને શબ્દોને ઉલ્લેખ છે. દેશના 75 વર્ષમાં ભારતના રાષ્ટ્રપતિ આવું લખે તો એમાં વાંધો શું છે. “પ્રેસિડન્ટ ઓફ ભારત” એ વાતમાં વાંધો શું છે એ સ્પષ્ટ કરો. આપણે ઈન્ડિયા માતા કી જય એવું નથી બોલતા, આપણે ભારત માતા કી જય એવું બોલીએ છીએ. ઈન્ડિયા નામ છે એ બ્રિટિશરો એ આપેલું નામ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું હતું કે, હું એવું માનું છું કે, આ દરેક દેશવાસીઓ માટે આ એક ગૌરવની ક્ષણ છે. નિમંત્રણ કાર્ડ પર પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. ગુલામીની માનસિકતામાંથી બહાર આવવા માટે પીએમ મોદીનું આ પગલું છે…”

કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, આ સમાચાર હકીકતમાં સાચા છે. રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરે G-20 ડિનર માટે જે આમંત્રણ મોકલ્યું છે તેમાં INDIAની જગ્યાએ BHARAT લખવામાં આવ્યું છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે દાવો કર્યો છે કે આમંત્રણ કાર્ડ પર President Of India ના બદલે President Of Bharat લખવામાં આવ્યું છે. જયરામે આગળ લખ્યું, સંવિધાનમાં અનુચ્છેદ 1ના પ્રમાણે INDIA જેને ભારત કહેવામાં આવે છે તે રાજ્યોનો એક સંઘ હશે, પરંતુ હવે આ રાજ્યોના સંઘ ઉપર પણ હુમલો થઈ રહ્યો છે. RJD અને JDUને ભારત નામ સામે વાંધો છે એટલે તેઓ ઈન્ડિયા નામનો ઉપયોગ કરે છે.

રાઘવ ચઢ્ઢાએ પણ ટ્વીટ કરીને કહ્યું કે ભાજપે G20 કોન્ફરન્સના આમંત્રણ કાર્ડ પર President Of India ના બદલે President Of Bharat લખીને નવી ચર્ચા શરૂ કરી દીધી છે. ભાજપ INDIAને કેવી રીતે ખતમ કરી શકે? દેશ કોઈ રાજકીય પક્ષનો નથી; તે 135 કરોડ ભારતીયોનો છે. આપણી રાષ્ટ્રીય ઓળખ ભાજપની અંગત મિલકત નથી જેને તે પોતાની ઈચ્છા મુજબ બદલી શકે.

જયરામ રમેશના ટ્વીટના અડધા કલાક બાદ આસામના CM હિમંતા બિસ્વા સરમાએ પણ એક ટ્વિટ કર્યું. જેમાં તેમણે લખ્યું છે કે, રિપબ્લિક ઓફ ભારત– ખુશી અને ગર્વ અનુભવી રહ્યો છું. આપણી સભ્યતા ઝડપથી અમૃતકાળ તરફ આગળ વધી રહી છે.

બીજેપી સાંસદ હરનાથ સિંહ યાદવે કહ્યું કે “આખો દેશ માંગ કરી રહ્યો છે કે આપણે ‘ઈન્ડિયા’ શબ્દને બદલે ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. ‘ઈન્ડિયા’ શબ્દ એ અંગ્રેજો દ્વારા આપણને અપાયેલ શબ્દ છે. જેનો એક દુરુપયોગ છે જ્યારે ‘ભારત’ શબ્દ છે એ આપણી સંસ્કૃતિનું પ્રતિક છે. હું ઈચ્છું છું કે આપણા બંધારણમાં બદલાવ આવે અને તેમાં ‘ભારત’ શબ્દ ઉમેરવામાં આવે.” NCP નેતા શરદ પવારે કહ્યું હતું કે, દેશનું નામ બદલવાનો અધિકાર કોઈને પણ નથી. કોઈ દેશ આમ ગમે ત્યારે નામ બદલી ન કરી શકે. મને ખબર નથી પડતી કે, ભાજપ પક્ષ આવું શા માટે કરે છે.

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, તેમને દરેક બાબતોથી સમસ્યા છે અને મને નથી. હું એક ‘ભારતીય’ છું, મારા દેશનું નામ ‘ભારત’ હતું અને હંમેશા ‘ભારત’ જ રહેશે. જો કોંગ્રેસને આનાથી કોઈ સમસ્યા હોય તો તેમણે જાતે જ તેનો ઉકેલ શોધવો જોઈએ.

બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું, ભારત બોલવામાં કે લખવામાં સમસ્યા કેમ છે? શા માટે શરમ અનુભવો છો? આપણા રાષ્ટ્રને પ્રાચીન સમયથી ભારત કહેવામાં આવે છે અને આપણા બંધારણમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેઓ કોઈપણ કારણ વગર ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે, અમે તો ઈન્ડિયા માટે કામ કરીએ છીએ અને ભારત માટે પણ. જ્યારે ભાજપ ઈન્ડિયા vs ભારત પર કામ કરી રહી છે. વર્ષ 2014થી 2023 સુધી એમને ઈન્ડિયા નામ સાથે કોઈ વાંધો ન હતો. વિપક્ષી સંગઠન I.N.D.I.Aની રચના થઈ એ સમયથી એમને વાંધો પડવા લાગ્યો છે. લોકોએ આ સંગઠનને સ્વીકારી લીધું છે. આ વાત એમને પચતી નથી. ભાજપ સતત એ ફુગાવો, મોંઘવારી, બેરોજગારી, અદાણીની સામે તપાસ, ચીન, લદ્દાખ, મણિપુરના કેસમાં તપાસ જેવા મહત્વના મુદ્દાઓને અવગણી રહી છે.

કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું, પીએમ મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’ જેવા નામ આપ્યા હતા. સ્કિલ ઈન્ડિયા, ‘ખેલો ઈન્ડિયા’… તેઓ (ભાજપા) ‘INDIA’ શબ્દથી ડરે છે, બંધારણની કલમ 1 કહે છે ‘INDIA, તે જ ભારત’… આ નામ (INDIA) કેવી રીતે હટાવી શકાય?

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, INDIA નામનું ગઠબંધન બનાવ્યા બાદ આ લોકો દેશનું નામ બદલી રહ્યા છે. જો ભવિષ્યમાં ઈન્ડિયા એલાયન્સે મીટિંગ કરી તેમનું નામ બદલીને ભારત રાખી લે, તો શું તેઓ ભારતનું નામ પણ બદલી દેશે અને શું તેઓ ભારતનું નામ બદલીને ભાજપ રાખશે?

કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, I.N.D.I.A નામથી વડાપ્રધાન મોદીને પણ બીક લાગે છે. હિન્દુ નામ પણ વિદેશના રાષ્ટ્રએ આપેલું નામ છે. જ્યારથી વિપક્ષી સંગઠન I.N.D.I.A બન્યું એ સમયથી વડાપ્રધાન મોદીની ઈન્ડિયા નામ પ્રત્યે નફરત વધી ગઈ છે. એવું જ હોય તો રાષ્ટ્રપતિ ભવનનું પણ બલિદાન આપી દો. એનું નામ પણ અંગ્રેજોએ આપેલું હતું અને તે વાઈસરોય હાઉસ હતુ.

બિહારના ડે. સીએમ અને RJD ના નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, “પહેલાં, મોદીજી તેમના ભાષણોમાં “ઈન્ડિયા માટે મત આપો” કહેતા હતા. આ દર્શાવે છે કે મોદીજી ઈન્ડિયાથી ડરે છે. જો પીએમને ‘ઈન્ડિયા’ શબ્દ સામે વાંધો હોય તો તેમને ‘ભારત’ સામે પણ વાંધો હોવો જોઈએ. અમારું સૂત્ર છે. ‘જુડેગા ભારત, જીતેગા ઈન્ડિયા’. ઈન્ડિયા અને ભારત સમાન છે. ભારત જ ઈન્ડિયા છે. તેઓ ગભરાટના કારણે નિર્ણય લઈ રહ્યા છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, વિશ્વભરના લોકો ‘ઈન્ડિયા’નું નામ જાણે છે. અચાનક એવું શું થયું કે, તેમણે (કેન્દ્ર સરકારે) દેશનું નામ બદલવું પડ્યું ? આ અગાઉ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પણ કેન્દ્રની મોદી સરકાર પર દેશનું નામ બદલવાનો આરોપ લગાવ્યો છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, તેમણે (કેન્દ્ર સરકારે) આજે ઈન્ડિયાનું નામ બદલી દીધું છે… જી20 શિખર સંમેલનના રાત્રીભોજનના આમંત્રણ કાર્ડમાં ‘ભારત’ લખેલું છે. આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઈન્ડિયા અને ઈન્ડિયન કૉન્ટિટ્યૂશન અને હિન્દીમાં પણ કહીએ છીએ ભારતનું બંધારણ. આપણે બધા ‘ભારત’ કહીએ છીએ, આમાં નવું શું છે ? વિશ્વભરના લોકો ભારત નામ જાણે છે… અચાનક એવું શું થયું કે, તેમણે દેશનું નામ બદલવ્યું પડ્યું ?