ધરોઈ ડેમ નજીક બેફામ કારચાલકે કાર છાપરામાં ઘુસાડી, ત્રણનાં ઘટનાસ્થળે જ મોત

Dharoi-accident

માતા અને બે સંતાનો પર ફરી વળી કાર, ઘટનાં સ્થળે જ મોત
કાર પણ રોડની સાઈડમાં ઉતરી જતાં ઈજાગ્રસ્ત કાર ચાલકને લોકોએ પકડી પાડ્યો

મહેસાણાનાં સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમ નજીક ગંભીર અકસ્માતનો મામલો સામે આવ્યો છે. સતલાસણામાં ધરોઈ ડેમ નજીક છાપરૂ બાંધીને પોતાનાં બાળકો સાથે માછલીનું વેચાણ કરતી મહિલા પર કાર ચાલકે પોતાની કાર બેફામ હંકારી છાપરામાં કાર ઘૂસાડી દીધી હતી. કાર ચાલકે કુલ ચાર લોકોને હડફેટે લેતાં માતા અને તેના બે સંતાનોના મોત નિપજ્યાં હતાં. જ્યારે એક બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. અકસ્માત બાદ ગાડી પણ રોડની સાઈડમાં ઊતરી જતા ઇજાગ્રસ્ત કારચાલકને સ્થાનિક લોકોએ ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે મૂળ રાજકોટના અને છેલ્લાં 30 એક વર્ષથી મહેસાણા જિલ્લાના ધરોઈ વિસ્તારમાં રહેતો પરિવાર માછલીનું વેચાણ કરીને ગુજરાન ચલાવે છે. આ પરિવારના ગીતાબેન પોતાના દીકરા આકાશ, પુત્રી કરીશ્મા અને બીજી પુત્રી કિંજલ સાથે ધરોઈ નદી કિનારે સ્થિત પુલ નજીક છાપરાની દુકાનમાં માછલીનું વેચાણ કરતાં હતાં. આ દરમિયાન એક કાર ચાલકે બેફામ કાર હંકારતા કાર પરનો કાબુ ગુમાવતાં કાર છાપરામાં ઘુસી ગઈ હતી. જેમાં કારની અડફેટે આવેલા ગીતાબેન અને તેમના સંતાનો પર કારનું ટાયર ફરી વળ્યું હતું. ટનાની જાણ નજીકમાં રહેતા ભાઈને થતા તાત્કાલિક લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. સ્થાનિકોએ ઈજાગ્રસ્ત કાર ચાલકને ઝડપી લીધો હતો. સ્થાનિકોએ ઇજાગ્રસ્તને તાત્કાલિક 108 મારફતે સતલાસણા અને વડનગર અલગ અલગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં 50 વર્ષીય ગીતાબેન, 13 વર્ષીય દીકરો આકાશ અને 30 વર્ષીય દીકરી કરિશ્માનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત 15 વર્ષીય કિંજલ હાલ સારવાર હેઠળ છે.

આ દુ:ખદ ઘટનામાં મૃતક કરિશ્માને સાત માસનો ગર્ભ હતો, તે પોતાની માતાના ઘરે રહેતી હતી અને માતાને માછલીઓના વ્યાપારમાં મદદ કરતી હતી. જેનું પણ મોત થતાં તેના પેટમાં રહેલું માસૂમ દુનિયા જુએ તે પહેલાં જ ભગવાનને વહાલું થઇ ગયું છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નીપજતા પરિવાર વિખેરાઈ ગયો છે. આ અકસ્માતમાં કારચાલક ખેરાલુની તૈયબા સોસાયટીમાં રહેતા મેમણ લૂકમાન ફજલભાઈ અને અક્સાબેન મેમણને પણ શરીરે ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. કારચાલકની સામે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે. અકસ્માતને લઈને પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.