તમિલનાડુ સરકારના મંત્રી ઉધયનિધિએ ફરી એક વાર સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરી

udaynidhi

ઉધયનિધિએ કહ્યું કે તેઓ તેમના નિવેદન પર અડગ છે
કેટલાક લોકો દ્રવિડમ નાબૂદ કરવાની વાત પણ કરે છે, પીએમ મોદી પણ કોંગ્રેસમુક્ત ભારતની વાત કરે છે

તમિલનાડુ સરકારના મંત્રી અને સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિને 2 સપ્ટેમ્બરે ચેન્નાઈમાં સનાતન ઉન્મૂલન સંમેલનમાં હાજરી આપી હતી. ત્યાં તેમણે સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેઓએ સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના સાથે કરી હતી. ઉધયનિધિએ કહ્યું- મચ્છર, ડેન્ગ્યુ, તાવ, મેલેરિયા અને કોરોના કેટલીક એવી વસ્તુઓ છે, જેનો માત્ર વિરોધ જ ન કરી શકાય, પરંતુ તેને ખતમ કરવો જરૂરી છે.

તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિને રવિવારે સાંજે ફરી સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરી હતી. ચેન્નાઈમાં પત્રકારો સાથે વાત કરતા ઉધયનિધિએ કહ્યું કે તેઓ તેમના નિવેદન પર અડગ છે. લોકોએ તેને ખોટી રીતે નરસંહાર સાથે જોડી દીધું. તેમણે રવિવારે સાંજે કહ્યું, ‘હું ફરી કહું છું કે મેં માત્ર સનાતન ધર્મની ટીકા કરી છે અને સનાતન ધર્મને ખતમ કરવો જોઈએ. હું આ સતત કહીશ. કેટલાક લોકો બાલિશ વર્તન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે મેં હત્યાકાંડ માટે આમંત્રણ આપ્યું છે. કેટલાક લોકો દ્રવિડમ નાબૂદ કરવાની વાત પણ કરે છે. શું આનો અર્થ એ છે કે ડીએમકેના લોકોને પણ મારવા જોઈએ?

તમિલનાડુમાં સત્તાધીશ મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ કહ્યું કે, સનાતન નામ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. તે સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. ઉદયનિધિના નિવેદન સામે ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયાએ કહ્યું કે, ઉદયનિધિ સ્ટાલિને દેશની 80 ટકા વસતીના નરસંહારનું આહ્વાન કર્યું છે. જોકે તેના જવાબમાં ઉદયનિધિએ કહ્યું કે, મેં કોઈ નરસંહારની વાત કરી નથી. હું મારા નિવેદન પર કાયમ છું. હું ફક્ત હાંશિયામાં ધકેલાયેલા સમુદાયો તરફથી વાત કરી રહ્યો છું જે સનાતન ધર્મને કારણે પીડિત છે. ઉધયનિધિએ કહ્યું- પીએમ મોદી પણ કોંગ્રેસમુક્ત ભારતની વાત કરે છે, તો શું તેનો મતલબ એ છે કે કોંગ્રેસીઓને મારવા જોઈએ?