મુંબઈમાં ચાલી રહેલી બેઠકમાં I.N.D.I.A. ગઠબંધને કોઓર્ડિનેશન સમિતિની જાહેરાત કરી
લોકસભાની આગામી ચૂંટણી સંયુક્ત રીતે લડવાનો ઠરાવ પસાર કર્યો, ‘જુડેગા ભારત, જીતેગા ઈન્ડિયા’ નવું સ્લોગન
મોદી સરકારને ઘેરવા માટે આજે મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં વિપક્ષી મહાગઠબંધન I.N.D.I.A. (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ)ની ત્રીજી બેઠક મળી છે. ત્રીજી બેઠકનાં બીજા દિવસે પણ આ બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. તેમાં 13 સભ્યો સાથેની કો-ઓર્ડિનેશન સમિતિ(સંકલન સમિતિ)ની જાહેરાત કરવામાં આવી હતી. આ 13 સભ્યોની કો-ઓર્ડિનેશન સમિતિમાં કોંગ્રેસનાં મહાસચિવ કે.સી. વેણુગોપાલ, શિવસેનાં નેતા સંજય રાઉત (UBT), એનસીપી ચીફ શરદ પવાર, ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેન (JMM), તામિલનાડુનાં મુખ્યમંત્રી એમકે સ્ટાલિન (DMK), ઓમર અબ્દુલ્લા (NC), લાલન સિંહ (JDU), બિહારનાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ (RJD), મહેબૂબા મુફ્તી (PDP), ડી રાજા (CPIM), અભિષેક બેનર્જી (TMC), જાવેદ અલી ખાન (SP) અને આમ આદમી પાર્ટીનાં સાંસદ રાઘવ ચઢ્ઢા (AAP) સભ્યો હશે. જોકે, ગઠબંધનના લોગો પર કોઈ સહમતિ બની શકી નથી. છ લોગો ડિઝાઇનને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી એકની ડિઝાઈન પસંદ આવી હતી, પરંતુ તેમાં કેટલાક ફેરફારો કરવાના બાકી હોવાથી આ અંગેનો નિર્ણય આગામી બેઠકમાં લેવામાં આવશે.
31 ઓગસ્ટના રોજ મળેલી બેઠકના પહેલા દિવસે 28 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. તેઓએ કહ્યું હતું કે તેઓ દેશ અને બંધારણને બચાવવા માટે સાથે આવ્યા છે. બીજા દિવસની આ બેઠકમાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જેમ જેમ I.N.D.I.A મજબૂત થશે તેમ તેમ તેના સભ્યો સામે દરોડા અને ધરપકડ પણ વધશે.
બીજા દિવસની બેઠક પૂર્ણ કર્યા બાદ I.N.D.I.A.ગઠબંધનના સાથી દળોએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં અલગ અલગ નેતાઓએ તેમના મંતવ્યો રજૂ કરીને બેઠકમાં થયેલી ચર્ચા વિશે થોડી ઘણી માહિતીઓ આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું હતું કે આ સરકાર બદલાની રાજનીતિ કરી રહી છે. એટલા માટે આપણા પર દરોડા પાડે છે અને લોકોની ધરપકડ કરાઈ રહી છે. વડાપ્રધાન સતત આપણી સામે એટેક કરી રહ્યા છે એ જ આપણી સફળતાનો પુરાવો છે. આપણે આવનારા મહિનાઓમાં નવા હુમલાઓ માટે તૈયાર રહેવું પડશે.
બેઠકમાં આ ત્રણ પ્રસ્તાવ પાસ થયા
- ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ સંકલ્પ લીધો કે ‘જુડેગા ભારત, જીતેગા ઈન્ડિયા’ થીમ સાથે જુદી જુદી ભાષાઓમાં તેમની સંબંધિત કમ્યુનિકેશન અને મીડિયા રણનીતિઓ તથા અભિયાનોનું સમન્વય કરાશે.
- બેઠકમાં સંકલ્પ લેવાયો કે વિપક્ષી દળો જાહેર ચિંતા તથા મહત્ત્વના મુદ્દાઓ પર દેશના જુદા જુદા ભાગોમાં જલદીથી જલદી જાહેર રેલીઓ યોજશે.
- બેઠકમાં વિપક્ષી દળોએ સંકલ્પ લીધો કે આગામી લોકસભા ચૂંટણી જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી સાથે મળીને લડાશે. જુદા જુદા રાજ્યોમાં સીટ વહેંચણી મુદ્દે જલદી ચર્ચા શરૂ કરાશે અને એકબીજા સાથે સહયોગી ભાવના અપનાવતા તેના પર વહેલી તકે નિર્ણય લેવાશે.
ખડગેએ તમામ પક્ષોને કહ્યું કે આપણા ગઠબંધનનો પાયો જેટલો મજબૂત થશે તેટલો જ એજન્સીઓનો દુરુપયોગ ભાજપ તરફથી વધી જશે. આ લોકોએ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને બંગાળમાં પણ આવું જ કર્યું હતું. ગત અઠવાડિયો તેમણે ઝારખંડ અને છત્તીસગઢમાં પણ આવું જ કરવાની શરૂઆત કરી હતી. મોદી સરકાર કોઈપણ વસ્તુના ભાવમાં એક સાથે 100 રુપિયાનો વધારો કરે છે અને પછી લોકોને રાહત આપવાના નામે માત્ર રૂપિયા 2નો જ ઘટાડો કરે છે. તેમણે કહ્યું કે મોદી સરકાર ઉદ્યોગપતિઓ સાથે જ ચાલે છે. બંધારણીય સંસ્થાનોનો સત્યાનાશ કરી રહ્યા છે.