નિયત કરેલી મર્યાદામાં ભક્તો દર્શન કરી શકશે જ્યારે અન્ય દર્શનાર્થીઓ માટે ચાર્જ આપવો જરૂરી
સિનિયર સિટીજન, તમામ ગર્ભવતી મહિલાઓ, તમામ શારીરિક અશક્ત તથા દિવ્યાંગો નિ:શુલ્ક દર્શન કરી શકશે
ડાકોરમાં આવેલ રણછોડરાયનાં મંદિરમાં VIP દર્શનને લઈને છેલ્લા ઘણા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. જેને લઈને હોબાળો પણ થયો હતો. ત્યારે આજે હવે તે ડાકોરના રણછોડ મંદિરના VIP દર્શન માટેનો નિર્ણય ટ્રસ્ટે આખરે બદલ્યો છે.
હવેથી ડાકોર મંદિરમાં સન્મુખ દર્શન માટે રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. તેની સાથે જ નિયત કરેલી મર્યાદામાં ભક્તો દર્શન કરી શકશે. જ્યારે બાકીનાં દર્શનાર્થીઓએ દર્શન માટે ચાર્જ આપવો જરૂરી છે.
આ અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે, હવે ડાકોર મંદિરમાં સન્મુખ દર્શન માટે હવે રજીસ્ટ્રેશન જરૂરી હોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં તમામ દિવ્યાંગો માટે નિઃશુલ્ક સન્મુખ દર્શન કરી શકશે. તેમજ ડાકોર-ઠાસરા ઉમરેઠ વિસ્તારના ભાવિક ભક્તો ફ્રીમાં દર્શન કરી શકશે. તેમજ ગર્ભવતી બહેનો અને સિનિયર સિટીઝન ભક્તો માટે પણ નિશુલ્ક દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. વિશિષ્ટ વ્યકિતઓને સન્મુખ દર્શનની સુવિધા મેનેજરને અધિન રહેશે.
જે 4 શ્રેણીમાં છૂટ આપી છે તે સિવાય બાકીના લોકો માટે સન્મુખ દર્શનનાં 500 રૂપિયા અને 250 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. પુરુષોને 500 રૂપિયામાં અને મહિલાઓને 250 રૂપિયામાં સન્મુખ દર્શનનો લાભ મળશે. મંદિર ટ્રસ્ટે જાહેરાત કરી છે કે આ વ્યવસ્થા હેઠળ જે પણ રકમ એકત્રિત થશે તે ભક્તોની સુવિધા માટે વપરાશે.
હવેથી તમામ સિનિયર સિટીજન, તમામ ગર્ભવતી મહિલાઓ, તમામ શારીરિક અશક્ત તથા દિવ્યાંગો તેમજ ડાકોર અને ઠાસરાના તમામ સ્થાનિકોને ભગવાનનાં સન્મુખ દર્શનનો લાભ નિ:શુલ્ક મળશે.