150 ઇન્સ્પેક્ટરના સ્ટ્રેન્થમાં ત્રીજા ભાગના ઇન્સ્પેક્ટરો બદલીના હુકમોમાં આવી ગયા
એક જ સ્થાન પર 3 વર્ષથી ફરજ બજાવતા ઈન્સ્પેક્ટરોને વિદાય અપાઈ
અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર જીએસ મલિક આવ્યાને બે મહિનામાં જ ન જોવા મળી હોય એટલી મોટી PI (પોલીસ-ઇન્સ્પેક્ટર)ની ફેરબદલી કરી છે. પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યાના થોડા દિવસોમાં જ જી.એસ. મલિકે પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. એક સાથે 51 પોલીસ-ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરી દેવામાં આવી છે, જેમાં મોટા ભાગે લીવ રિઝર્વમાં રહેલા અને ઘણા સમયથી પોસ્ટિંગ નહીં મળેલા પોલીસ-ઇન્સ્પેક્ટરને બહાર લાવવામાં આવ્યા છે. હકીકતમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકના આદેશથી એક જ સ્થાન પર 3 વર્ષથી ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટરોને વિદાય આપી દેવામાં આવી છે. જી.એસ મલિક દ્વારા વહીવટી કારણોસર 51 પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરી નાંખવામાં આવતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. આ ઉપરાંત લિવ રિઝર્વમાં રહેલા 28 જેટલા ઈન્સ્પેક્ટરોને નિમણૂંક આપવામાં આવી છે. શહેરમાં કંટ્રોલ રૂમ, સાયબર ક્રાઈમ, ટ્રાફિક, ક્રાઈમ બ્રાંચ સહિતના વિભાગોમાંથી ઈન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે. તમામ પોલીસ-ઇન્સ્પેક્ટર પાસે તેમના એસીઆર અને તેમની કામગીરીની વિગતો મગાવવામાં આવી હતી, જેના આધારે ઘણા સમય બાદ પોસ્ટિંગ નહીં મેળવેલા પીઆઈને બહાર લાવવામાં આવ્યા છે. પોસ્ટિંગ મેળવી લીધેલા છે તેમની પણ આ બદલીમાં નોંધ લેવામાં આવી છે અને તેમને જરૂરી પોસ્ટિંગ મળ્યું છે. ઘણા સમયથી અમદાવાદ શહેર પીસીબીમાં પીએસઆઇ તરીકે ઇન્ચાર્જ પોસ્ટિંગ હતું, એ હવે ભરાયું છે. આ વખતે વાસણા પીઆઇ મુકેશ ચૌધરીને પીસીબીમાં પોસ્ટિંગ મળ્યું છે. જે લોકો આ પોસ્ટિંગ માટે રાહ જોઈ રહ્યા હતા તેમનાં નામ વચ્ચેથી કપાયાં છે અને નવું સરપ્રાઈઝ નામ આવતાં અમદાવાદ શહેરની મહત્ત્વની ગણાતી જગ્યા પર પોલીસ કમિશનરની વિશ્વાસુ વ્યક્તિને મૂકવામાં આવી હોય એવું સામે આવી રહ્યું છે
અત્યારે સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં ફરજ બજાવતા જે.બી અગ્રાવતને બદલી કરીને ટ્રાફિકમાં મોકલવામાં આવ્યા છે જેની પાછળ તાજેતરમાં સોલાની હદમાં થયેલા તોડકાંડની અસર થઈ હોવાની ચર્ચા છે. જ્યારે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા આર.એચ સોલંકીને સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે. હાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથક ખાતે ફરજ બજાવતા વી.જે.ચાવડાની બદલી ચાંદખેડા કરવામાં આવી છે, જ્યારે ચાંદખેડામાં ફરજ બજાવતા વી.એસ. વણઝારાને સ્પેશિયલ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે એમ.સી ચૌધરીની વાસણા ખાતેથી બદલી કરીને PCBમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના બી.જી. ચેતરિયાને ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા છે. બીજી તરફ ઘણા પીઆઇ પોસ્ટિંગથી વંચિત હતા તેમને પોસ્ટિંગ મળ્યું છે. જ્યારે ઘણા સમયથી ઇન્ચાર્જથી ચાલતા પીસીબીમાં વાસણા PI મુકેશ ચૌધરીને મૂકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના પોલીસ-ઇન્સ્પેક્ટરની બદલીની અંદર મહિલા પોલીસ-ઇન્સ્પેક્ટરની બદલી પણ ઊડીને આંખે આવે ેવી છે. એમાં પણ યુડબ્લ્યુમાં ફરજ બજાવતાં મહિલા પોલીસ-ઇન્સ્પેક્ટર હિરલ રાવલને અમદાવાદના સૌથી વિવાદાસ્પદ અને સંવેદનશીલ ગણાતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે મૂકવામાં આવ્યાં છે. જ્યારે એ.એમ. ઠાકોરને કન્ટ્રોલરૂમથી ટ્રાફિક એફ.એલ. રાઠોડને કંટ્રોલરૂમથી મહિલા વેસ્ટમાં મૂકવામાં આવ્યા છે. એસ.એન. પટેલને અમદાવાદના સૌથી પોશ ગણાતા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં મૂકવમાં આવ્યા છે.