જીન્સ-ટીશર્ટ પહેરવા પર તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે
સરકારી ઓફિસમાં હવે વ્યવસ્થિત કપડા પહેરીને આવવું પડશે
રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા ઓફિસમાં આવતા કર્મચારીઓનાં વસ્ત્રો અંગે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓએ પણ પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં તેઓએ તેવા કર્મચારીઓની વાત કરી છે કે જે કર્મચારીઓ સરકારી કચેરી કે મિટિંગમાં જીન્સ-ટીશર્ટ જેવાં ન શોભે એવાં કપડાં પહેરીને આવતા હોય છે. તેમણે પરિપત્રમાં જિલ્લાપંચાયત, તાલુકાપંચાયત, સરકારી કચેરી કે ગ્રામપંચાયતમાં મર્યાદામાં કપડાં પહેરીને આવવા માટેની તાકીદ કરવામાં આવી છે. તેમજ જો કોઈ કર્મચારીઓ આ નિયમનો ભંગ કરતા જોવા મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવું પણ તેમણે જણાવ્યું છે.
ડેપ્યુટી ડીડીઓએ કર્મચારીઓના ફરજ દરમિયાન પહેરવેશ બાબતે પરિપત્ર જારી કર્યો છે જેમાં તમણે જણાવ્યું છે કે “અત્રેની કચેરીના અનુભવે ધ્યાન પર આવ્યું છે કે જિલ્લાપંચાયત કચેરી તાબા હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન કે વડી કચેરી ખાતેની મિટિંગો દરમિયાન એક સરકારી કર્મચારીને શોભે નહીં એવા પ્રકારના પહેરવેશ પહેરી ઉપસ્થિત રહેતા હોવાનું જણાય આવ્યું છે તેમજ આ બાબતે અમને રજૂઆત પણ મળી છે. અમુક વખતે કર્મચારી ઓફિસમાં જીન્સ, ટીશર્ટમાં જોવા મળે છે, તો અમુક વખતે ઉપરનાં બટન ખુલ્લાં રાખેલા જોવા મળે છે, જે યોગ્ય બાબત નથી. પરિણામે, લોકોના મનમાં સરકારી કર્મચારીઓની છબિ દૂષિત થાય છે. સામાન્ય લોકો બધા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી સારી વર્તણૂક અને વ્યક્તિત્વની અપેક્ષા રાખે છે. આ વાસ્તવિકતા ધ્યાને રાખીને સદરહુ બાબતમાં શાખાધિકારી/કચેરીના વડાએ તેમના નિયંત્રણના તાબા હેઠળના તમામ કર્મચારીને જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે. અને હવે પછી જિલ્લા, તાલુકા તેમજ ગ્રામકક્ષાએ ફરજ બજાવતા (વિવિધ સરકારી પરિપત્રો હેઠળ ગણવેશ સોંપાયેલા કેડર સિવાય) તમામ કર્મચારીઓએ તેમની કચેરી ફરજ દરમિયાન કર્મચારીને શોભે એ પ્રકારના પહેરવેશ પહેરવા તેમજ હોદ્દાની ગરિમા જળવાઇ રહે એ માટે તાકીદ સહસૂચના આપવામાં આવે છે. આ સૂચનાનું ચુસ્તપણે પાલન થાય એ માટે સંબંધિત કચેરીના વડાએ જરૂરી તકેદારી રાખવાની રહેશે.”
આ બાબતે રાજકોટ જિલ્લાપંચાયતના ડીડીઓ દેવ ચૌધરી તેમજ ડેપ્યુટી ડીડીઓ બ્રિજેશ કાલરિયાએ જણાવ્યું હતું કે આ અંગેની ફરિયાદો મળી છે તેમાં ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાંથી અમુક સરપંચોની ફરિયાદો મળી હતી, જેમાં અધિકારીઓનાં પહેરવેશ તેમજ વાણી-વર્તન પણ યોગ્ય નહીં હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમાં કેટલાક કર્મચારીઓ જીન્સ અને ટીશર્ટ પહેરતાં હોવાનું કે શર્ટનાં બટન ખુલ્લાં રાખીને ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું હતું. આના લીધે સરકારી કર્મચારીની ગરિમા જળવાતી નથી. અને તેથી જ આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ફરજ દરમિયાન આ પ્રકારનાં વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ જો કોઈ કર્મચારીઓ આ નિયમનો ભંગ કરતા જોવા મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવું પણ તેમણે જણાવ્યું છે.