નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

Neeraj Chopra

પાકિસ્તાનને હરાવીને બન્યો જેવલિન વર્લ્ડ ચેમ્પિયન, વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છા

નીરજ એકસાથે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ બંને ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો

હંગેરીના બુડાપેસ્ટમાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય એથ્લેટ નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. 120 વર્ષમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ નીરજ ચોપરાએ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ઈતિહાસ રચ્યો છે.

બુડાપેસ્ટમાં ફાઇનલમાં નીરજે 88.17 મીટરના થ્રો સાથે તેના શ્રેષ્ઠ પ્રયાસ સાથે સુવર્ણ સફળતા હાંસલ કરી અને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પર કબજો કરી ઇતિહાસ રચ્યો છે. આ સાથે નીરજ જેવેલિન થ્રોની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો. , તે જેવલિન થ્રોમાં એક જ સમયે ઓલિમ્પિક ગોલ્ડ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ જીતનાર વિશ્વનો માત્ર બીજો જેવલિન થ્રોઅર બન્યો.

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિનશિપમાં જેવેલિન થ્રો સ્પર્ધામાં ભારતનું નામ રોશન કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપડાને ઐતિહાસિક જીત પર શુભેચ્છા પાઠવતાં એક્સ પર ટ્વિટ કરી હતી કે પ્રતિભાશાળી નીરજ ચોપરાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેમનું સમર્પણ, ચોકસાઈ અને જુસ્સો તેમને માત્ર એથ્લેટિક્સમાં ચેમ્પિયન જ નહીં પરંતુ સમગ્ર રમતગમતની દુનિયામાં શ્રેષ્ઠતાનું પ્રતીક પણ બનાવે છે. વર્લ્ડ ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન.

ઈ.સ. 1983થી યોજાઈ રહેલી આ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત કોઈ ભારતીય એથ્લેટે ગોલ્ડ મેડલ જીત્યો છે. 2016માં નીરજે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ એથ્લેટિક્સમાં આવું કરનાર તે પ્રથમ ભારતીય બન્યો. 7 વર્ષ પછી નીરજે ફરીથી તેના ચમત્કારનું પુનરાવર્તન કર્યું અને વરિષ્ઠ સ્તરે પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો છે. આ રીતે નીરજે સિનિયર લેવલ પર દરેક મોટી ગેમ્સ અને ચેમ્પિયનશિપનો ખિતાબ જીતીને પોતાનું નામ ઈતિહાસમાં કાયમ માટે નોંધાવ્યું છે. પાકિસ્તાનના અરશદ નદીમે સિલ્વર જીત્યો હતો. નીરજ એકસાથે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ બંને ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો છે. તેણે 2021 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. નીરજ પહેલાં, કોઈ પણ ભારતીયે ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સમાં કોઈ પણ મેડલ જીત્યો ન હતો.

ફાઇનલમાં નીરજ ચોપરાની શરૂઆત સારી રહી ન હતી અને પહેલો જ થ્રો ફાઉલ ગયો હતો. પ્રથમ પ્રયાસ બાદ કુલ 12 ફાઇનલિસ્ટમાં નીરજ છેલ્લા સ્થાને હતો. ફાઉલ કરનાર તે એકમાત્ર થ્રોઅર હતો. તેમ છતાં, નીરજ નિરાશ ન થયો અને નીરજે બીજા જ પ્રયાસમાં જબરદસ્ત પુનરાગમન કર્યું. નીરજના બીજા થ્રોમાં ભાલો 88.17 મીટરના અંતરે જઈને પડ્યો અને આ સાથે નીરજે પ્રથમ સ્થાન મેળવ્યું. નીરજની આ લીડ ત્રીજા પ્રયાસ પછી પણ ચાલુ રહી અને 86.32 મીટર ફેંકવા છતાં તે પ્રથમ હાફમાં પ્રથમ સ્થાને રહ્યો. પાકિસ્તાનના અરશદ નદીમે પણ ધીમી શરૂઆત બાદ વાપસી કરી હતી. અરશદનો પહેલો થ્રો 74.80 અને બીજો 82.81 મીટર હતો. નદીમે ત્રીજા થ્રોમાં ફરીથી 87.82 મીટરનું અંતર હાંસલ કર્યું અને નીરજ પછી બીજું સ્થાન પણ મેળવ્યું. ફાઈનલ ઈવેન્ટમાં, ભારતીય સ્ટાર નીરજ ચોપરાને તેના પાકિસ્તાની હરીફ અરશદ નદીમ તરફથી સખત પડકારનો સામનો કરવો પડ્યો, જો કે નદીમ ક્યારેય નીરજથી આગળ નીકળી શક્યો નહીં.