સવારે વહીવટીતંત્રે સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના લોકોને નલ્હારેશ્વર મંદિરમાં જલાભિષેક માટે પરવાનગી આપી
સિંગરમાં રાધાકૃષ્ણ મંદિરે જલાભિષેક બાદ યાત્રાનું સમાપન થશે
નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP), સર્વજાતિ હિન્દુ મહાપંચાયત અને બજરંગ દળના આહ્વાન પર, હિન્દુ સંગઠનો આજે ફરીથી બ્રજમંડલ યાત્રા કાઢવા પર અડગ રહ્યા. હરિયાણા સરકાર અને નૂંહ જિલ્લા પ્રશાસને આ યાત્રા માટે પરવાનગી આપી ન હતી, એટલું જ નહીં બહારના લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્ય અને જિલ્લાની સરહદો પર સુરક્ષા સઘન કરવામાં આવી છે. નૂંહમાં, વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે શાળાઓ, કોલેજો અને બેંકોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં ઈન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. નૂંહમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત સોમવાર સુધી એક વિસ્તારમાં ચાર કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
પરંતું સોમવારે સવારે વહીવટીતંત્રે સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના લોકોને નલ્હારેશ્વર મંદિરમાં જલાભિષેક માટે પરવાનગી આપી હતી. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી પ્રમુખ આલોક કુમાર અને મહામંડલેશ્વર ધર્મદેવ મહારાજની સાથે નુહના નલહદ મંદિરમાં પધારેલા સાત સંતોએ ભગવાન શિવનો જલાભિષેક કર્યો હતો. આ દરમિયાન મંદિરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય કોઈને જલાભિષેક કરવાની પરવાનગી આપવામાં આવી ન હથી.
જે બાદ પોલીસ 3 વાહનોમાં નકકી કરેલ લોકોને નૂંહ બાયપાસથી નલ્હારેશ્વર મંદિર લઈ ગઈ હતી ત્યાં પટૌડી આશ્રમના મહામંડલેશ્વર સ્વામી ધર્મદેવ અને વિશ્વ હિન્દુ પરિષદના આલોક કુમાર રાયના નેતૃત્વમાં તે લોકોએ જલાભિષેક કર્યો હતો. જલાભિષેક કર્યા પછી આ લોકો ફિરોઝપુર ઝિરકા અને સિંગર પહોંચ્યા. સિંગરમાં રાધાકૃષ્ણ મંદિરે જલાભિષેક બાદ યાત્રાનું સમાપન થશે.
નૂંહમાં કર્ફ્યુ જેવો માહોલ છે. અહીંની બજારો, શાળાઓ અને કોલેજો તમામ બંધ રહ્યા હતા. એક અધિકારી દ્વારા જાણવા મળેલ છે કે મંદિરની આસપાસના વિસ્તારોમાં હિંસા માટે તૈયારીઓ કરવામાં આવી છે. જેના કારણે નલ્હારેશ્વર મંદિરથી 1 કિ.મી.નાં અંતરે લોકોને આગળ જતા અટકાવવામાં આવ્યા છે. 4 વાગ્યા સુધી કોઈ બહારના વ્યક્તિને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. માત્ર સ્થાનિક લોકોને જ તેમના આઈડી ચેક કર્યા બાદ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.
નૂહ યાત્રામાં ભાગ લેવા અયોધ્યાથી આવેલા સંત જગદગુરુ પરમહંસ આચાર્ય મહારાજને વહિવટીતંત્ર દ્વારા ગુરુગ્રામના સોહના ટોલ પ્લાઝા પર રોકી દેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના વિરોધમાં તેમણે પ્લાઝા પાસે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.