દર મહિને પૂનમ ભરવા આવતા દર્શનાર્થીઓને હાલાકી પડી શકે છે
મંદિર પરિસરમાં આવેદનપત્ર આપવા આવેલાને બહાર કાઢવામાં આવતા હોબાળો
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં શુક્રવારે VIP એન્ટ્રીની સુવિધા શરૂ કરી છે. જેમાં ભગવાનના દર્શન માટેનો ચાર્જ 500 રૂપિયા લેવાનો નિર્ણય લેવાયો છે. ડાકોરમાં VIP દર્શન માટે બે પ્રકારનાં ચાર્જ રૂ.500 અને રૂ.250 નક્કી કરવામાં આવતાં ભક્તો-સેવકો નારાજ જોવા મળ્યા છે. VIP દર્શનના કલ્ચરથી ગરીબ ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે.
વીઆઈપી દર્શનનાં આ નિર્ણય પછી વિરોધ શરૂ થયો છે જેમાં હિન્દુ સંગઠનના યુવાનો તથા ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશનના સરપંચો મંદિરમાં વિરોધ પ્રકટ કરવા પહોંચ્યા. તેઓએ ‘ભગવાન તો પ્રેમના ભૂખ્યા તમે પૈસાના ભૂખ્યા’ ના નારા સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. તેમણે ઉગ્ર વિરોધ સાથે મંદિરના મેનેજરને આવેદન પત્ર આપવામાં આવ્યું. આવેદનમાં સાંજે છ વાગ્યા સુધીમાં નિર્ણય પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. મંદિર પરિસરમાં આવેદન પત્ર આપવા આવેલા લોકોને કર્મચારી દ્વારા બહાર કાઢવામાં આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ બાદ આવેદનપત્ર આપવા આવેલા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
હવેથી ડાકોર મંદિરમાં ભક્તોને વીઆઈપી દર્શનની સુવિધા શરુ કરી છે જેમાં પ્રારંભિક તબક્કે વીઆઈપી દર્શન કરવા માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવીને દર્શનની મંજૂરી મેળવી શકાશે. ભવિષ્યમાં આ માટે મંદિર દ્વારા ઓનલાઈન બુકિંગ ચાલુ કરવાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.
મંદિર દ્વારા શરુ કરવામાં આવેલ VIP દર્શનના કલ્ચરથી ગરીબ ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. VIP દર્શનનો ચાર્જ ગરીબ અને મધ્યમવર્ગના ભક્તોને પોષાય તેમ નથી. દર મહિને પૂનમ ભરવા આવતા દર્શનાર્થીઓને હાલાકી પડી શકે છે.