૨૫ વર્ષોના પ્રયત્નો બાદ તૈયાર થયેલો ૪૫ લાખથી વધુ શબ્દો ધરાવતો ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ ડિજિટલ શબ્દકોશ ‘ગુજરાતી લેક્સિકન’
અત્યાર સુધીમાં અંદાજિત ૪ કરોડ ૮૦ લાખથી વધુ લોકોએ ‘ગુજરાતી લેક્સિકન’ વેબસાઇટની મુલાકાત લીધી
ગુજરાતમાં આધુનિક ગુજરાતીના પ્રણેતા કવિ નર્મદાશંકર લાલશંકર દવે, કે જેઓ કવિ નર્મદના નામે જાણીતા છે, આજે તેમનો જન્મદિવસ છે. આજનો દિવસ ગુજરાતમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસના રૂપે ઉજવવામાં આવે છે. કવિ નર્મદાશંકર લાલશંકર દવેનો જન્મ ૨૪ ઓગસ્ટ, ૧૮૩૩ના રોજ સુરતમાં થયો હતો. અંધવિશ્વાસ અને ધાર્મિક અસહિષ્ણુતાના તેઓ વિરોધી હતા અને એક રાષ્ટ્ર, સ્વરાજ, અને રાષ્ટ્ર ભાષા વિશેનો વિચાર કરનાર તેઓ પ્રથમ હોવાનું મનાય છે.
ગુજરાતીને સમૃદ્ધ કરવામાં કવિ નર્મદ અને ગોંડલના ભગવાનસિંહજીનો અમૂલ્ય ફાળો છે. તેઓએ ગુજરાતી ભાષા શબ્દકોશ વિકસાવવામાં વર્ષો વિતાવ્યા હતા. ૧૮૫૦માં મોડર્ન ગુજરાતી ભાષાના તેઓ પ્રણેતા હતા, જેમાં આગળ જતાં દલપતરામ, પ્રેમાનંદ, કાન્ત, કાકા કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી, કલાપી, ક.મા. મુનશી જેવા ધુરંધર ગુજરાતી શબ્દસાધકોએ ગુજરાતી ભાષાને નવો ઓપ આપ્યો. ગુજરાતની અસ્મિતાનું બીજું નામ ગુજરાતી ભાષા છે. ભાષાનું સંવર્ધન અને જતનની જવાબદારી કોઈ એક વ્યક્તિ કે સરકારની નહિ પરંતુ સમગ્ર સમાજની હોય છે.
આજે આ ભાષાને વિશ્વ ફલક પર પહોંચાડવાના અનેક પ્રયાસો થઇ રહ્યા છે, જેમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી લેક્સિકન બંનેએ ગુજરાતી ભાષામાં કોઈએ ન કરી હોય એવી પ્રશંસનીય કામગીરી કરી છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ગુજરાતી ભાષાની વિકાસયાત્રાનું એક મહત્ત્વનું સાથી રહ્યું છે. ઝડપથી બદલાતા આ સમયમાં આધુનિક ટેકનોલોજી જરૂરત બની ગઈ છે, આવા સમયે સ્વર્ગસ્થ રતિલાલ ચંદરિયાએ ગુજરાતી લેક્સિકનની પહેલ દ્વારા આપણી ભાષાના અમૂલ્ય શબ્દભંડારને ડિજિટાઈઝ કરીને ભાષા અમૂલ્ય અને અતુલ્ય સેવા કરી છે.
આ અંગે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈએ કહ્યું કે, આજે અનોખી વિશ્વ સંસ્કૃતિ આકાર લઈ રહી છે, ત્યારે ગિરા-ગુર્જરી એ વિશ્વગુર્જરી બની છે અને તેથી ગુજરાતી વિશ્વકોશ (એન્સાઇક્લોપીડિયા) અને ગુજરાતી લેક્સિકન હવે કદમથી કદમ મિલાવીને એક સાથે કામ કરીને ગુજરાતી ભાષાના પ્રસાર, પ્રચાર અને ઉત્કર્ષ માટે પ્રયત્ન કરી રહ્યા છે. ‘જ્યાં જ્યાં વસે એ ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત એવી ઘટના વિશ્વકોશ સંચાલિત લેક્સિકોન દ્વારા થઇ છે.
વિશ્વકોશના ૧૭૦ વિષયનાં ૨૬,૦૦૦થી વધુ લખાણો ઓનલાઇન વિશ્વકોશ દ્વારા ઉપલબ્ધ
વિશ્વકોશના ૧૭૦ વિષયનાં ૨૬,૦૦૦થી વધુ લખાણો ઓનલાઇન વિશ્વકોશ દ્વારા વિશ્વભરમાં ઉપલબ્ધ બન્યાં છે. આજે વિશ્વના મોટાભાગના તમામ દેશોમાં ગુજરાતી ભાષા બોલાય છે, જેમાં ઓસ્ટ્રેલિયા હોય કે પછી ન્યુઝિલેન્ડ, દુબઇ, અમેરિકા, ઇગ્લેન્ડ જેવા અનેક દેશોના અંદાજિત પોણા બે લાખ લોકો દર વર્ષે એમાંથી માહિતી પ્રાપ્ત કરે છે. વળી, આ લખાણો એના શીર્ષકથી, લેખકના નામથી અને વિષયથી સર્ચ કરી શકાય છે, તેમજ કમ્પ્યૂટર, લેપટોપ અને મોબાઈલમાં એ પ્રાપ્ત થાય છે.
પચીસ વર્ષોના પ્રયત્નો બાદ તૈયાર થયેલો ૪૫ લાખથી વધુ શબ્દો ધરાવતો ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ શબ્દકોશ ‘ગુજરાતી લેક્સિકન’ ઓનલાઇન ઉપલબ્ધ છે. સૌથી અગત્યની ખાસ વાત એ પણ છે કે અત્યાર સુધીમાં અંદાજિત ૪ કરોડ ૮૦ લાખથી વધુ લોકોએ આ વેબસાઇટની મુલાકાત લીધી છે. ભારત ઉપરાંત વિશ્વભરના દેશોના લોકોએ ગુજરાતી લેક્સિકન વેબસાઇટની મુલાકાત વારંવાર લેતા રહે છે. દર મહિને સવા લાખથી – દોઢ લાખ લોકો આ વેબસાઇટની વિઝિટ લે છે.
ગુજરાતની ભાષાનું આ એક સ્થાન છે જ્યાં ગુજરાતી શબ્દોના અનેક અર્થ મળી રહે છે, આમ જુદી જુદી ભાષાઓ વચ્ચે તમારો તાલમેળ થાય છે. એટલું જ નહીં, જુદી જુદી માતૃભાષામાં ક્વિઝ મળે છે.
ગુજરાતી વિશ્વકોશ વિશે :
ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધનનું કાર્ય કરતા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ (અમદાવાદ)ની પ્રવૃત્તિનો પ્રારંભ અમદાવાદથી થયો. ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ ગુજરાતી વિશ્વકોશ (encyclopedia)ની રચનાના ૧૯૮૫ની ૨જી ડિસેમ્બરે એના મુખ્ય સંપાદક ધીરુભાઈ ઠાકરની પ્રેરણા અને માર્ગદર્શનથી તથા કુમારપાળ દેસાઈ જેવા સાથી મિત્રોથી આરંભાયો. ૨૪ વર્ષના પુરુષાર્થથી ગુજરાતી વિશ્વકોશના ૨૬ ગ્રંથોના ‘અ’થી ‘હ’ સુધીના ૨૪,૦૦૦ પૃષ્ઠોમાં માનવ વિદ્યાના ૮૩૬૦, વિજ્ઞાનના ૮૦૮૩, સમાજવિદ્યાના ૭૬૪૦ એમ કુલ 24,083 અધિકરણો (લખાણો) સમાવેશ પામ્યાં છે. જેમાં ૧૧,૬૦૦ ચિત્રો અને આકૃતિઓ, ૭૬૪૭ લઘુચરિત્રો, ૫૬૩ વ્યાપ્તિ-લેખો અને ૨૪૬ અનૂદિત લેખોનો સમાવેશ થાય છે. આશરે ૧૫૯૩ જેટલા લેખકો દ્વારા આ લખાણો તૈયાર થયાં છે. એટલું જ નહીં, ૧,૭૩,૫૦,૦૦૦ જેટલી શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી ભાષાનો આ સર્વપ્રથમ બૃહદ વિશ્વકોશ છે.
વિવિધ દેશના ૩ લાખ કરતાં વધુ લોકોએ વિશ્વકોશમાંથી માહિતી મેળવી
પ્રથમ નવ ખંડની નવસંસ્કરણ ધરાવતી અદ્યતન માહિતી ધરાવતી દ્વિતિય આવૃત્તિ પ્રકાશિત થઇ છે. ૨૬,૦૦૦ પૃષ્ઠોમાં સમાવેશ પામેલાં ૨૪,૦૦૦થી વધુ લખાણો ઉપલબ્ધ છે. જે વિષય પ્રમાણે, લેખકના નામ પ્રમાણે, અધિકરણના નામ પ્રમાણે, એ ત્રણમાંથી કોઇ પણ એક રીતે કોમ્પ્યુટર કે મોબાઇલમાં જોઇ શકાશે. ભારત, અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, સિંગાપોર, જર્મની, ઓસ્ટ્રેલિયા અને જાપાન વગેરે જેવા વિવિધ દેશના ૩ લાખ કરતાં વધુ લોકોએ વિશ્વકોશમાંથી માહિતી મેળવી છે. વધુ માહિતી માટે વેબાસાઇટની https://gujarativishwakosh.org મુલાકાત લઇ શકો છો.
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ શ્રેણીની વિશેષતા
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથશ્રેણીની વિશેષતાઓની વાત કરીએ તો, ગુજરાતી ભાષામાં પ્રથમવાર તૈયાર થયેલો સર્વસંગ્રાહક વિશ્વકોશ (General Encyclopedia) છે. એક હજાર પાનાંનો એક એવા પચીસ ગ્રંથોની શ્રેણી છે. ગુજરાતની અસ્મિતાને ઉપસાવી આપતો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન, વાણિજ્ય, ટૅક્નૉલૉજી, ઉદ્યોગ, વિશિષ્ટ વ્યક્તિઓ, સંસ્થાઓ અને ગુજરાતી પ્રજાની તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓનો વિગતસમૃદ્ધ રસપૂર્ણ અધિકૃત પરિચય આમાં તમને મળશે. એટલું જ નહીં, નિષ્ણાતો દ્વારા લખાયેલા સ્વતંત્ર લેખો રૂપે વિશ્વ વિશે, ભારત વિશે અને ગુજરાતી વિશેની અદ્યતન તેમજ પ્રમાણભૂત માહિતી મળશે. અઢી કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ ગ્રંથશ્રેણી વિદેશમાં વસતા ગુજરાતી સમાજ માટે મૂલ્યવાન સંસ્કારરક્ષક જ્ઞાનસાધનની ગરજ સારે છે.
વિશ્વકોશ દ્વારા ઓનલાઇન પ્રસ્તુતિ
વિશ્વકોશ દ્વારા યુટ્યુબ ચેનલ પર દર રવિવારે ૧૦.૩૦ કલાકે બાળવાર્તા અને બાળગીતની પ્રસ્તુતિ કરવામાં આવે છે. વિશ્વકોશમાં થતા જ્ઞાન-વિજ્ઞાન વિષયક પ્રવચનોની ફેસબુક એકાઉન્ટ પર લાઇવ કરવામાં આવે છે. ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટે ઈ-બુક શ્રેણી શરૂ કરી છે, જેમાં ૨૦થી વધુ પુસ્તકો ઓનલાઇન મૂકવામાં આવ્યા છે.