ચંદ્ર પર ચંદ્રયાન-3નાં સોફ્ટ લેન્ડિંગ બાદ હવે પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર મિશનને આગળ ધપાવશે

Pragyan Rover

પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર દરરોજ 500 મીટરનું અંતર કાપશે અને તેની સંરચના અંગે મહત્વની માહિતી મેળવશે

ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રયાન-3એ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કર્યું. ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે.ભારત અને દુનિયા માટે એક ઐતિહાસિક દિવસ છે. આગામી સમયમાં રોવર પ્રજ્ઞાન પોતાના મિશનને આગળ ધપાવવા માટે લેન્ડરથી બહાર નિકળશે.

“પ્રજ્ઞાન સંસ્કૃતનો શબ્દ છે અને તેનો અર્થ જ્ઞાન થાય છે. આ મિશન અંતર્ગત પ્રજ્ઞાન છ વ્હિલ ધરાવતું રોવર છે, જે ચંદ્રની સપાટી પર સંશોધન કરશે. પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર દરરોજ 500 મીટરનું અંતર કાપશે. આ રોવરનો મુખ્ય ઉદ્દેશ ચંદ્રના ભૂવિજ્ઞાનનું સંશોધન તથા અધ્યયન કરવાનું છે. જેથી પૃથ્વીના આ ઉપગ્રહની સંરચના અંગે મહત્વની માહિતી મળશે.

શરુઆતી તબક્કામાં ચાર એન્જિન ચલાવાયા, જેમાંથી બે બાદમાં બંધ કરી દેવાયા હતા. જે સમયે લેન્ડર વિક્રમ ઉતર્યું, તેના ઉપર ચંદ્રની ધુળની એક મોટી ડમરી છવાઈ ગઈ હતી. ચંદ્રના ખુબ ઓછા ગુરુત્વાક્રણ બળના કારણે ધુળ જલ્દીથી નીચે નહીં બેસે, પરંતુ પોતાની જ ગતિથી વિખેરાઈ જશે. ઈસરો નથી ઈચ્છતું કે ચંદ્રની ધૂળ કેમેરા અને અન્ય સંવેદનશીલ ઉપકરણો પર ચઢી જાય, એટલા માટે તે નક્કી કરવામાં 3 કલાકથી વધુ સમય સુધી રાહ જોવાનો નિર્ણય લેવાયો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ટર વિક્રમના ચંદ્રની સપાટી પર ઉતરવાના સાડા ત્રણ કલાક બાદ રોવર પ્રજ્ઞાન લેન્ડરથી બહાર નીકળશે. રોવર પ્રજ્ઞાન સૌથી પહેલા પોતાના સૌર ટેબલને આગળ વધારશે અને લેન્ડર વિક્રમથી જોડાયેલા એક તારની સાથે બહાર નિકળશે. ત્યારબાદ પોતાનું વૈજ્ઞાનિક મિશન શરૂ કરશે.

પ્રજ્ઞાન રોવર સ્ટીરિયોસ્કોપિક 3D કેમેરાથી સજ્જ છે અને તેનાથી ચંદ્રની સપાટીની ડિજીટલ ઈમેજ કેપ્ચર કરી શકશે. તેનાથી માર્ગ અંગે યોગ્ય ભાળ મેળવવા અને નેવિગેશનમાં મદદ મળશે. વિક્રમ લેન્ડર, પ્રજ્ઞાનની મદદથી ધરતી પર તમામ માહિતી મોકલશે.