ભારતે રચ્યો ઈતિહાસ: ચંદ્રયાન-3નું ચંદ્રની સપાટી ઉપર સફળતા પૂર્વક લેન્ડિંગ

Breaking News Chandrayan

દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની ઈતિહાસ રચ્યો, ચંદ્ર પર ‘હિન્દુસ્તાન ઝીંદાબાદ’

ચંદ્ર પર પહોંચ્યા બાદ ચંદ્રયાન-3 એ પ્રથમ સંદેશ મોકલ્યો “હું ચંદ્ર પર પહોંચી ગયો છું”.

ભારતે સ્પેસમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. નિશ્ચિત સમય મુજબ, સાંજે 6.04 વાગે ચંદ્રયાન-3એ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કર્યું. ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. ચંદ્ર પર પહોંચ્યા બાદ ચંદ્રયાન-3 એ પ્રથમ સંદેશ મોકલ્યો “હું ચંદ્ર પર પહોંચી ગયો છું”. ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરના ચંદ્રની ધરતીને સ્પર્શતાની સાથે જ અંતરીક્ષમાં ભારતનો ડંકો વાગ્યો છે. જ્યારે ચંદ્રના કોઈપણ ભાગમાં યાન ઉતારનાર તે ચોથો દેશ બની ગયો છે. આખી દુનિયાની નજર આ સ્પેસ મિશન પર ટકેલી હતી. આ સિદ્ધીનું સમગ્ર વિશ્વ સાક્ષી બન્યું. આ પહેલા માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી છે.

આજનો દિવસ ઐતિહાસિક, આ નવા ભારતનું પ્રભાત છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
હાલમાં સાઉથ આફ્રિકા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રયાન -3નાં લેન્ડિંગ સમયે વર્ચ્યુઅલી જોડાયા હતા. ચંદ્રયાન-3ની સફળતા બાદ તેમણે દેશને સંબોધીત કરતા કહ્યું હતું કે, ભારતના સ્પેસ સેક્ટરમાં આજનો દિવસ ઐતિહાસિક છે. જ્યારે આપણે આવી ઐતિહાસિક ક્ષણો જોઈએ છીએ ત્યારે આપણને ગર્વ થાય છે. આ નવા ભારતનું પ્રભાત છે. આપણે ધરતી પર સંકલ્પ કર્યો અને ચંદ્ર પર તેને સફળ બનાવ્યો. હવે ભારત ચંદ્ર પર છે. ક્યારેક કહેવામાં આવી રહ્યું હતું કે ચંદા મામા ઘણા દૂર છે પરંતુ હવે એક દિવસ એવો પણ આવશે કે જ્યારે બાળકો કહેશે કે ચંદા મામ ફક્ત એક ટૂરના છે. ચંદ્રયાન -3 ના સફળ ઉતરાણ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું દક્ષિણ આફ્રિકામાં હોઈ શકું છું પરંતુ મારું હૃદય હંમેશાં ચંદ્રયાન મિશન સાથે રહ્યું છે. જ્યારે ઈસરો ચીફ એસ સોમાનાથે ચંદ્રયાન -3 મિશનની સફળતા માટે તેમની ચંદ્રયાન-3 મિશનની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા. હાલ દુનિયાભરમાંથી ઈસરોના વૈજ્ઞાનિકો અને ભારતને શુભકામનાઓ મળી રહી છે. 

Isro message

ચંદ્ર પર ભારતે ઈતિહાસ રચી દીધો છે. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગની સાથે જ સમગ્ર દેશમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. લેન્ડિંગ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી વર્ચ્યુઅલી જોડાયા હતા. પીએમ મોદીએ ચંદ્રયાન-3ની સફળતાને દેશ માટે અભૂતપૂર્વ ક્ષણ ગણાવી છે. પીએમ મોદીએ કહ્યું કે આ ક્ષણ 140 કરોડ ધબકારાની સામર્થતા છે.  આ ક્ષણ ભારતના ઉદયમાન ભવિષ્યના આહવાનનો છે. આ ક્ષણ ભારતની નવી ઉર્જાનો છે. પીએમ મોદીએ વધુમાં ઇસરોના તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે હું ઈસરો અને દેશના દરેક વૈજ્ઞાનિકને અભિનંદન આપુ છું.

ગગનયાન પર કામ ચાલી રહ્યું છે

ઈસરોના ડિરેક્ટર એસ. સોમનાથે કહ્યું કે આગામી 14 દિવસ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રજ્ઞાન રોવરને બહાર આવવામાં એક દિવસ પણ લાગી શકે છે. પ્રજ્ઞાન આપણને ચંદ્રના વાતાવરણ વિશે માહિતી આપશે. અમારી પાસે ઘણા મિશન છે. ટૂંક સમયમાં જ સૂર્ય પર આદિત્ય એલ વન મોકલવામાં આવશે. ગગનયાન પર પણ કામ ચાલી રહ્યું છે.

પ્રત્યેક ભારતીયની સહિયારી સફળતાઃ મલ્લિકાર્જુન ખડગે
ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3ની સફળતા દરેક ભારતીયની સામૂહિક સફળતા છે. 140 કરોડ આકાંક્ષાઓ સાથે ઉત્સુક રાષ્ટ્ર આજે તેના છ દાયકા લાંબા અવકાશ કાર્યક્રમમાં વધુ એક સિદ્ધિનું સાક્ષી છે. અમે આપણા વૈજ્ઞાનિકો, સ્પેસ એન્જિનિયર્સ, સંશોધકો અને આ મિશનને ભારત માટે વિજયી બનાવવા માટે સામેલ દરેકની નોંધપાત્ર મહેનત, અપ્રતિમ ચાતુર્ય અને અવિશ્વસનીય સમર્પણ માટે ખૂબ જ ઋણી છીએ.

ભારતનું અધુરું રહી ગયું હતું તે સપનું હવે પૂરું થયું

ભારત દ્વારા ઘણા વર્ષો પહેલાં ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવાનું અને તેના ઉપર પોતાનું યાન ઉતારવાનું સપનું જોવામાં આવ્યું હતું. 2008માં ચંદ્રયાન-1 મોકલીને ભારતે પોતાના સપનાની સિદ્ધિ તરફ પહેલું ડગલું માંડયું હતું. તે વખતે ચંદ્રયાન-1 ચંદ્રના પરિભ્રમણ ક્ષેત્રમાં પહોંચ્યું હતું અને તેના દ્વારા ચંદ્રની તસવીરો લેવામાં આવી હતી. તે વખતે પ્રારંભિક માહિતી ભેગી કરીને હવે ચંદ્રની સપાટી ઉપર ઉતરવાનું નવું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. 11 વર્ષ સુધી આ દિશામાં મહેનત કરીને ઈસરો દ્વારા 22 જુલાઈ 2019ના રોજ ચંદ્રયાન-2ને લોન્ચ કરવામાં આવ્યું હતું. 6 સપ્ટેમ્બર 2019ના રોજ ચંદ્રયાન ચંદ્રની ધરતીથી માત્ર 2 કિ.મી. દૂર હતું અને લેન્ડિંગ પહેલાં ક્રેશ થઈ ગયું હતું. ભારતનું સપનું ત્યારે અધુરું રહી ગયું હતું જે હવે પુરુ થયું છે.