શ્રાવણ માસના સાતમા દિવસનો આજે શિવાલયમાં શિવલિંગ પર અભિષેક થઇ રહ્યો છે. આપણે શ્રાવણ માસમાં શિવ મહિમા છ માં તડકેશ્વર મહાદેવ તીર્થનો મહિમા જાણ્યો. આજે શ્રાવણ માસમાં શિવ મહિમા -૦૭ શિવાલય-શિવમંદિરનો મહિમા જાણીએ.
સૃષ્ટિના સંહારક શિવજીને બલ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. અન્ય દેવોની જેમ શિવ ને મૂર્તિ રૂપે નહી પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે.શિવ પરિવારમાં ભગવાન શંકર માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી.આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાનજી કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે.દક્ષિણ ભારત માં કાર્તિકેયને મુરુગન સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં હનુમાનજી અને ગણેશજીનાં અલાયદા મંદિરો પણ જોવા મળે છે પરંતુ કાર્તિકેયનું અલાયદુ મંદિર જોવા મળતું નથી કે નથી તો તે શિવાય શિવ મંદિરમાં જોવા મળતાં, તેનુ કારણ એ છેકે ગુજરાતમાં કાર્તિકેયની દેવ તરીકે પૂજા થતી નથી.ભગવાન દત્તાત્રેય ને કાર્તિકેય નો અવતાર માનવામાં આવતો હોવાથી,તેમના અનુયાયી ઓ કાર્તિકેયની પૂજા કરતા હોય છે. ભગવાન શિવના મંદિરને શિવા લય અથવા શિવ મંદિર કહેવામાં આવે છે.બીજી એક એ પણ ખાસિયત છે કે અન્ય દેવી દેવતા ઓનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે.ભગવાન શિવ તો એવા દેવ છેકે જેમણે હંમેશા માણસોની વસ્તીથી અલગ અને એકાંત જગ્યા વધારે પસંદ કરી છે.તેવી જ રીતે તેમના શિવા લયો પણ જંગલ અથવા તો ગામ થી ઘોડા દુર જોવા મળે છે.
મહાદેવનાં શણગાર તથા પૂજન વિધિમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે.જેમાં વનનાં ફુલો ધતુરો, બીલીપત્ર,રૂદ્રાક્ષ શાગાર તરીકે, શરીર ઉપર ભસ્મનું લેપન, વાહન માં પોઠીયો, વગાડવામાં ડમરૂ, શરીરે જટાજુટ સર્પોની માળા અને પોશાક માં હાથી કે વાઘનું ચામડું હોય છે. પૂજન વિધિમાં પાણીનો લોટો અને થોડા બીલીપત્રનાં પાન. શિવને આમ તો મંદિરની પણ જરૂર નથી, પથ્થરનાં ઓટલે, ઝાડની નીચે,ડુંગર ની ટોચે પણ આ ભોળાનાથ બીરાજી જાય છે. સ્વયંભૂ ગણાતા બ્રહ્મા,વિષ્ણુ અને મહેશમાં શંકરને સદા શિવ કહેવાય છે. શિવનું મંદિર શાસ્ત્રો કત દ્રષ્ટિએ જીવનમાં માનવ દેહ અને મનનું પ્રતીક અને ભાવના બની રહે છે.સર્વનું કલ્યાણ કરનારા શિવનાં શિવાલયમાં વાસ્તુશાસ્ત્ર-શિલ્પ કલા વિધાનમાં તેમજ માનવ જીવન માટે આશિષ ગણાતી અષ્ટાંગ યોગ કલ્પના સાકાર થાય છે. ગુજરાતનાં પ્રદેશો માં થતાં શિવાલયની રચના બાંધકામ નીચે મુજબ હોય છે.
શિવાલયની રચના બે ભાગમાં હોય છે જેમાં આગળનો ભાગ મંદિર અને અંદરનો ભાગ ગર્ભગૃહ (ગર્ભાગાર-ગભારો) કહેવાય છે. જેમાં મનુષ્યના જન્મથી અંત સુધીના સંસ્કાર તેમાં પ્રગટ થાય છે શિવાલયમાં આગળનાં ભાગમાં કાલ ભૈરવનું સ્થાપન કરવામાં આવે છે.જે યમનું પ્રતીક માનવા માં આવે છે. દેહ સાથે જોડાયેલી મૂત્યુની વાત જન્મતા જ જાણી લેવી જોઈએ. જે જોયું તે જાય એ ચરિતાર્થ કરવા માટે શરૂઆત માં જ કાલ ભૈરવની મૂર્તિ હોય છે. તે મૃત્યુના પ્રતીક રૂપે છે. શિવાલયમાં પ્રથમ ભાગ એવા મંદિરમાં પ્રવેશતા પોઠીયાનું સ્થાપન થાય છે. જે પરિશ્રમ અને ભારવહનનાં પ્રતીક તરીકે ઓળખાય છે. તેના સ્થાપન દ્વારા એવુ સમજાવાય છે કે જીવનમાં પોતાના ફાળે આવેલ કોઈપણ કામ લાલચ કે લાલસા વગર કરવુ પ્રગટ કરે છે.જોઈએ,શિવાલયમાં પોઠીયા પછી કાચબાનું સ્થાપન કરવામાં આવે છે. કાચબો પોતાની બધી જ બહારની ઈન્દ્રિયો ને સંકોરી,પોતાની જાતમાં સમાવી શકે છે.મનુષ્ય માટે પણ બહારની ઈન્દ્રિયો ( આંખ, કાન, જીભ, હાથ અને પગ ) ઉપર કાબુ અને સંયમ આવશ્યક છે. પોતાની જાત સંકોરી ચાલવાની વાત સમાજમાં પ્રચલિત છે.જે કાચબા નાં સ્થાપન દ્વારા પ્રમાણિત થાય છે.
શિવાલયમાં કાચબાની ડાબી બાજુ એ ઉતર દિશા બાજુ મુખે ગણેશનું સ્થાપન કરવામાં આવે છે. ગણેશ વિઘ્નોનાં હરનાર કહેવાય છે. ગણપતિમાં બીજાની નાનામાં નાની વાત સાંભળીને પેટ માં રાખવાની ટેવ,પરિસ્થિતિનો ક્યાસ કાઢતા અને ઝીણી નજરે નીરખવાની ટેવ છે,જે દરેક મનુષ્ય માં હોવી જોઈએ.એ રીતે ગણેશ નાં કાન મોટા,આંખ નાની, પેટ મોટું રખાયા છે.તે ઉપરાંત ગણેશ પ્રજ્ઞા- બુધ્ધિના દેવ ગણાય છે. મનુષ્ય માટે બુધ્ધિ જીવન જીવવાની આવડત માં આવશ્યક વસ્તુ છે. શિવાલયમાં ગણેશજી ની બરોબર સામેની બાજુ એટલેકે દક્ષિણ દિશા બાજુ મુખે હનુમાનજીનું સ્થાપન કરવામાં આવે છે.હનુમાન બ્રહ્મચર્ય-શક્તિ અને સેવા નાં ઉદાહરણ રૂપે છે. જે મનુષ્યને જીવન જીવવામાં એક આદર્શરૂપ નિવડે છે.
શિવાલયનાં બીજા ભાગમાં ગર્ભ દ્વારનાં ઉંબરે વાઘનાં શિલ્પોનું સ્થાપન કરવામાં આવે છે. ગર્ભદ્વારનાં ઉંબરાની બન્ને બાજુ વાઘના શિલ્પો કંડારેલા હોય છે. વાઘ ચોકસાઈ અને ધારણાવાળું પ્રાણી છે જેનું નિશાન ઘણું ચોક્કસ હોય છે જે ભાગ્યેજ ખાલી જાય છે, મનુષ્યએ પણ પોતાના જીવનનાં ચોક્કસ ધ્યેયો ચોકસાઈથી પાર પાડવા જોઈએ શિવાલયનાં ગર્ભાગારની બરોબર વચ્ચે ભગવાન શિવનું લિંગની સ્થાપના કરવામા આવે છે. શિવના લિંગના સ્થાપનની એક ખાસ વિશેષતા છેકે ભગવાન શિવ અજન્મો છે તેથી તેના સ્થાપન સમયે તે લિંગનો પ્રવેશ દરવાજેથી થતો નથી પરંતુ તે મંદિરનાં ગર્ભા ગારની ટોચેથી કરવામાં આવે છે. શિવલિંગ હૃદય અને આત્માનું પ્રતીક છે.
શિવાલયમાં શિવલિંગની ફરતે થાળુ અને ઉપર જળાધારી તથા સર્પનું સ્થાપન કરવામાં આવે છે. તેમાં થાળુ શિવલિંગની ફરતે ગોળાકાર લિંગનાં માપ જેટલુ વધારે હોય છે. શિવલિંગ ઉપર જે પાત્ર લટકાવવામાં આવે છે તેને જળાધારી કહે છે.જેમાં પાણી ભરીને લિંગ(ઉપર સતત અભિષેક થાય છે. આ ઉપરાંત ભકતો દ્વારા કરવામાં આવતા પાણી અને દુધ નાં અભિષેકનાં પ્રવાહીને વહેવા માટેની જગ્યા કરવામાં આવે છે.જેને ઉતર દિશામાં ગર્ભાગાર ની બહાર કાઢવામાં આવે છે. જયાં નાની કુંડી કરીને તેમાં સમાવી દેવામાં આવે છે. આમ થાળુ અને જળાધારી કુંડલી ની શક્તિ (દેહમાં રહેલી આંતર ચેતના)દર્શાવે છે. જયારે શિવલિંગ ઉપર સર્પ એટલે કે નાગનું છત્ર હોય છે.જે જાગૃતિ અને ચંચળતા ને શિવાલયમાં શિવલિંગની બરોબર પાછળ પાર્વતીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. જે ભક્તિ અને નમ્રતાનાં પ્રતીક રૂપે છે.પાર્વતી શ્રધ્ધા અને ભક્તિના ગુણો પ્રગટ કરે છે.મનના આંતરિક ગુણોમાં ભક્તિ, શ્રધ્ધા,નમ્રતા અને તપ જરૂરી ગણાય છે. આમ,શિવાલયની રચના મનુષ્યનાં જીવનમાં મૃત્યુ,પરિશ્રમ,ઇન્દ્રિય, બુદ્ધિ, સેવા, શક્તિ, જાગૃતિ, શ્રધ્ધા, ભક્તિ, તપ અને મુક્તિની આવશ્ય ક્તા સમજાવવામાં આવી છે. શિવાલય મનુષ્યના દેહ મનની આવશ્યક ગુણવત્તાનું પ્રતીક બની રહે છે.ભસ્મ અને ચંદન રાગ- વૈરાગ્ય વચ્ચેની સમદષ્ટિ પ્રગટ કરે છે,સિદ્ધિ અને મુક્તિ પણ આપે છે આ અંગેની વિધ્ધેશ્વર સંહિતાની કથા સુતજીએ કહી સંભળાવી.
વાચક ચાહક શિવ ભક્તિમાં લીન ભાવિક ભકતો આપણે શ્રાવણ માસમાં શિવ મહિમામાં સદા શિવ ભોળાનાથ દેવાધિદેવ મહાદેવનું કલમ થકી ગુણગાન કરી રહયા છીએ ક્યાંક પ્રેસ પ્રૂફ ક્ષતિ જણાય કે આનાથી વિશેષ કંઇક જાણતા હોય તો શાંત હ્રદય મનને આરાધના ઉપાસના કરી સુખ શાંતિ મેળવશો તેવી શુભેચ્છા સહ.. હર હર મહાદેવ..