પીએમ મોદીનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં ભારતીયો જોહાનિસબર્ગ એરપોર્ટ પર ઉમટ્યા, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, વડાપ્રધાન અહીં ‘બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ’ અને ‘બ્રિક્સ પ્લસ ડાયલોગ’ કાર્યક્રમોમાં પણ સામેલ થશે
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 15મું બ્રિક્સ શિખર સંમેલન યોજાવાનું છે, ત્યારે આ સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગે જોહાન્સબર્ગ પહોંચી ગયા છે અને અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અહીં તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. દક્ષિણ આફ્રિકાના વાઇસ પ્રેસિડેન્ટ પોલ શિપોકોસા તેમને રિસીવ કરવા માશટાઈલ વોટરક્લુફ એરબેઝ પહોંચ્યા હતા. આ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી પણ ત્યાં હાજર હતા. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાના નિમંત્રણ પર આવ્યા છે અને તેઓ 22થી 24 ઓગસ્ટ સુધી ત્યાં રહેશે. અહી, વસતા ભારતીય સમુદાયના લોકો પીએમ મોદીના આગમનથી ખાસ્સા ઉત્સાહમાં આવી ગયા હતા અને પ્રવાસી ભારતીયોએ પીએમ મોદીના આગમન પર હર હર મોદીના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન મોદીએ લોકોનું અભિવાદન પણ કર્યું અને હાથ પણ મિલાવ્યો હતો. વાઈસ પ્રેસિડેન્ટ પોલ મેશાટાઈલ મિલિટરી બેઝ પર તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. એક મહિલાએ કહ્યું કે વડાપ્રધાનની હાજરીમાં અહીં આવવું ખરેખર સન્માનની વાત છે. તે એક અદ્ભુત વ્યક્તિ છે અને મારો હીરો છે.
દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા પહેલા વડાપ્રધાન મોદીએ વિશ્વાય વ્યક્ત કર્યો કે, આ સંમેલન ભવિષ્યના સહયોગ ક્ષેત્રોની ઓળખ કરવા અને સંસ્થાગત વિકાસની તકો મેળવવા સભ્ય દેશોને તકો પુરી પાડશે. બ્રિક્સ સભ્ય દેશોમાં ભારત ઉપરાંત રશિયા, ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા છે. વર્ષ 2019 બાદ બ્રિક્સ દેશોના નેતાઓનું પ્રથમવાર શિખર સંમેલન યોજાશે. વડાપ્રધાન મોદીએ ‘એક્સ’ પર લખ્યું કે, હું બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલૉગ કાર્યક્રમોમાં પણ સામેલ થઈશ. બ્રિક્સ શિખર સંમેલન ‘ગ્લોબલ સાઉથ’ના ચિંતાજનક મુદ્દાઓ અને વિકાસના અન્ય ક્ષેત્રો પર ચર્ચા કરવા માટે મંચ પુરુ પાડશે. મોદીએ કહ્યું કે, આ કાર્યક્રમમાં જેમને ભાગ લેવા આમંત્રણ અપાયું છે, તે તમામ અતિથિ દેશો સાથે વાતચીત કરવા ઉત્સુક છે. તેમણે કહ્યું કે, હું જોહાન્સબર્ગમાં વર્તમાન કેટલાક નેતાઓ સાથે પણ દ્વિપક્ષીય બેઠકો યોજવા અત્સુક છું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા ‘અરિંદમ બાગચી’એ એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું. તેમને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. બ્રિક્સ સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે શું ચર્ચા થશે. આ સવાલ પર વિદેશ સચિવ ક્વાત્રાએ ગઈકાલે કહ્યું હતું કે, હાલ વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય બેઠકોને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકા બાદ 25 ઓગસ્ટે યૂનાન (ગ્રીક)ના તેમના સમકક્ષ ક્યારીકોસ મિત્સોતાકિસના આમંત્રણ પર એથેન્સ જશે.
ભારતીય સમુદાયના સભ્ય અને સાઉથ આફ્રિકા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન સાથે મીડિયા પર્સન યાશિકા સિંહે પીએમ મોદીના સ્વાગત માટે ‘રાખી’ થાળી તૈયાર કરી છે. તેમણે કહ્યું કે, પહેલી રાખડી ભગવાન ગણેશના આકારની છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે પીએમ મોદીના કામમાં આવતા તમામ અવરોધો દૂર થાય. બીજી રાખડી કર્મ અવતારના આકારમાં છે. અમે તેમને યાદ અપાવવા માંગીએ છીએ કે તેઓ હજુ પણ અમારા ભાઈ છે અને આ તેમના માટે રક્ષણની રાખડીઓ છે.