વલસાડના પરા વિસ્તાર અબ્રામા ગામે વાંકી નદીના કિનારે તડકેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય આવેલું છે.
પવિત્ર શ્રાવણ માસમાં આપણે શિવ મહિમાનું રસપાન કરી રહયા છીએ.પૃથ્વી લોક ૫૨ ભગવાન સદા શિવ ભોળાનાથ અજન્મા દેવ છે એટલે જ ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે. ભગવાન શિવ તો એવા દેવ છે કે જેમણે હંમેશા માણસોની વસ્તીથી અલગ અને એકાંત જગ્યા વધારે પસંદ કરી છે. તેવી જ રીતે તેમના શિવાલયો પણ જંગલ અથવા તો ગામથી થોડા દુર જોવા મળે છે. મહાદેવનાં શણગાર તથા પૂજન વિધિમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે.જેમાં વનનાં ફૂલો ધતુરો, બીલીપત્ર,રૂદ્રાક્ષ શણગાર તરીકે, શરીર ઉપર ભસ્મનું લેપન,વાહન માં પોઠીયો,વગાડવામાં ડમરૂં,શરીરે જટાજુટ સર્પોની માળા અને પોશાકમાં હાથી કે વાઘનું ચામડું હોય છે.પૂજન વિધિમાં પાણીનો લોટો અને થોડા બીલી પત્રનાં પાન, શિવને આમ તો મંદિર ની પણ જરૂર નથી,પથ્થરનાં ઓટલે ઝાડની નીચે, ડુંગરની ટોચે પણ ભોળાનાથ બીરાજમાન થઈ જાય છે.ત્યારે આજે શ્રાવણ માસમાં શિવ મહિમા ૦૬માં તડકેશ્રર મહાદેવ તીર્થનો મહીમા જાણીએ.
તડકેશ્વર મહાદેવ મંદિરની ખાસિયત એ છે કે મંદિર ઉપર કોઈ છત નથી તેમજ સૂર્યના કિરણો શિવલિંગ ઉપર પડે છે. જેના કારણે સૂર્યના કિરણો સતત શિવલિંગને સ્પર્શ કરતાં હોવાથી તે તડકેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રસિધ્ધ છે. ૧૯૯૪માં જીર્ણોદ્વાર કરી ૨૦ ફૂટના ગોળાઈ નો ઘુમ્મટ ખુલ્લો બનાવાયો. સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગના દર્શનાર્થે લોકોની ભારે ભીડ રહે છે. શ્રાવણ માસ અને મહા શિવરાત્રિએ તો ભક્તો દૂર દૂરથી દાદાના દર્શનાર્થે આવે છે. તડકેશ્વર મહાદેવની પ્રતિમાની પૌરાણિક ગાથા કંઈક આવી છે તો આવો તડકેશ્વર મહાદેવના કલમ કાગળ થકી દર્શન કરીએ. વલસાડના પરા વિસ્તાર અબ્રામા ગામે વાંકી નદીના કિનારે તડકેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય આવેલું છે.આશરે આઠસો વર્ષ પુરાણા આ શિવાલય ની પૌરાણિક ગાથા અનોખી અને અલૌકિક છે. વર્ષો પહેલાં અહિંના જંગલમાં ગાયો ચરાવતા નિર્દોષ ગોવાળિયા એ એક ગાયને સ્વયંમ્ દૂધની ધારા વહાવતી જોઈ તો તે વિસ્મય પામ્યો હતો. ગામલોકોને જાણ કરતાં તેઓએ તે જગ્યા પર તપાસ કરતાં એક મોટી પથ્થરની શિલા નજરે પડી હતી.ત્યારબાદ આ શિલા પર એક ભક્ત રોજ આવીને દૂધનો અભિષેક કરી જતો હતો. ભોળા શિવજીએ તેને સ્વપ્ન માં આવી જણાવ્યું કે, તું રોજ આ ઘોર જંગલમાં આવીને મારી પૂજા- અર્ચના કરે છે, તારી નિષ્ઠા અને અનન્ય ભક્તિથી હું પ્રસન્ન થયો છું.
હવે મને આ કાદવકીચડમાંથી બહાર કાઢી યોગ્ય જગ્યાએ લઈ જઈ પૂજન કરજે.ભક્તની લાગણીને માન આપી ગામલોકોએ શિલાની આસપાસ ખોદકામ કરતાં સૌના આશ્ચર્ય વચ્ચે છ થી સાત ફૂટ લંબાઈ ધરાવતું પોઢેલા શિવ જેવા આકારનું લિંગ નજરે પડ્યું હતું. ખૂબ જ સાવચેતી પૂર્વક લિંગ ખંડિત ન થાય તે રીતે ખોદ કામ પૂર્ણ કરાયું હતું. બળદગાડામાં શિલાને લાવી આજ ના સ્થળે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી.
શા માટે મંદિર પર કોઈ છત નથી ? શિવલિંગના રક્ષણ માટે કામ ચલાઉ દિવાલ અને ઉપર ઘાસનું છાપરું બનાવાયું હતું, પરંતુ થોડા દિવસમાં આ છાપરું અચાનક સળગી ગયું હતું.બાદમાં નળીયા વાળું છાપરું બનાવાયું તો તે વાવાઝોડાથી ઉડી ગયું હતું. વારંવાર બનતી આ ઘટના બાદ શિવભક્તને સ્વપ્ન આવ્યું કે હું તડકેશ્વર છું મારા શીરે કોઈ છાપરું બાંધવાનો પ્રયત્ન ના કરશો ગામલોકોએ ભક્તની વાત સાચી ગણીની ચારેબાજુ દિવાલ કરી દરવાજા બનાવ્યા પણ ઉપરથી ખૂલ્લું જ રાખ્યું હતું.શ્રાવણમાં એક લાખથી વધુ ભકતો દર્શનાર્થે આવે છે. તડકેશ્વર મહાદેવના મંદિરે દર શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ રહે છે. શ્રાવણના દર સોમવારે દશ હજાર થી વધુ શિવભક્તો ભોળાનાથને શિશ નમાવવા આવે છે. તડકેશ્વર દાદાના દર્શનાર્થે એનઆરઆઇ ભક્તો આવી અચૂક દર્શનનો લાભ લે છે.
શ્રાવણ માસમાં દર સોમવારે તડકેશ્વર મહાદેવ મંદિરે વિશાળ મેળો ભરાય છે.જેમાં દૂર દૂરથી લોકો લકઝરી બસ તેમજ ખાનગી વાહનોમાં આવે છે. દાદાનો મહિમા અપરંપાર અને શ્રધ્ધાભેર હોવાથી ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આસપાસના જોવાલાયક સ્થળો કલ્યાણ બાગ, જારામ મંદિર વગેરે જોવાલાયક ચળો આવેલાં છે. વલસાડથી ૫કિમીના અંતરે દરિયા કિનારે પ્રખ્યાત હવાખાવાનું સ્થળ નિયલ તેમ જ ત્રણ કિમીના અંતરે પારનેરાનો કિલ્લો જોવા લાયક સ્થળો આવેલાં છે. આજે શ્રાવણ સુદને મંગળવાર બસ હવે રક્ષાબંધન અને શ્રાવણી તહેવાર થોડાક દિવસ જ આવશે. ભકતોની ભીડ રહેશે.સુના મંદિર શિવાલયમાં લોકો વારે તહેવારે જ આવે છે.
પવિત્ર શ્રાવણ માસમાં એક હિન્દુ તરીકે સંકલ્પ કરીએ કે હું એક ટાઈમ એટલે સવારે કે સંધ્યા કાળે જયાં હોઈશ ત્યાંના નજીકના એક મંદિર કે શિવાલયમાં જઇશ. આજે શ્રેષ્ઠ ઉપાસના આરાધના અભિષેક કર્યો કહેવાય છે. સદા શિવ ભોળાનાથ દેવાધિ દેવ મહાદેવ સૌનું કલ્યાણ કરે.