ચંદ્રયાન-3એ લેન્ડર પોઝિશન ડિટેક્શન(એલપીડીસી) કેમેરા દ્વારા ચંદ્રનો નવો ફોટો તેમજ વીડિયો કેપ્ચર કર્યા

Chandrayan3

હવે માત્ર 30 કિમી જ દૂર; 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ માટે ફોલો કરવી પડશે આ પ્રક્રિયા

ઈસરોએ શુક્રવારે ચંદ્રયાનમાંથી લેવામાં આવેલા ચંદ્રના બે વીડિયો પણ જાહેર કર્યા છે. ISROએ ટ્વીટ કર્યું કે ચંદ્રયાન-3ના લેન્ડર ઇમેજર (LI) કેમેરા-1 એ 17 ઓગસ્ટ, 2023ના રોજ લેન્ડર મોડ્યુલને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કર્યા પછી ચંદ્રની તસવીરો કેપ્ચર કરી હતી. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડરનું હવે ચંદ્રથી સૌથી ઓછું અંતર 113 કિલોમીટર છે અને સૌથી વધુ અંતર 157 કિલોમીટર છે. ISROએ ડીબૂસ્ટિંગ દ્વારા ચંદ્રયાનની ભ્રમણકક્ષા ઘટાડી છે.

ઈસરો 20 ઓગસ્ટે સવારે 2 વાગ્યે બીજું ડિબૂસ્ટિંગ ઓપરેશન કરશે અને તેનાં પછી 23 ઓગસ્ટે સાંજે 5:47 કલાકે સૌથી ઓછા અંતરથી સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવશે. બીજા ડીબુસ્ટિંગ પછી ચંદ્રથી લેન્ડરનું લઘુત્તમ અંતર 30 કિમી અને મહત્તમ અંતર 100 કિમી રહેશે.

  • ડી-બૂસ્ટિંગ કેવી રીતે પૂર્ણ થશે: ચંદ્રયાનના લેન્ડરના ચાર પગની નજીક જોડાયેલ 800 ન્યૂટન પાવરના 1-1 થ્રસ્ટરને કારણે તે શક્ય બનશે. બે થ્રસ્ટર દરેક 2 તબક્કામાં કામ કરશે.
  • લેન્ડિંગમાં કેટલી મુશ્કેલીઓઃ લેન્ડિંગ પ્રક્રિયા 30 કિમીની ઊંચાઈથી શરૂ થશે. લેન્ડરની સ્પીડ 1680 મીટર પ્રતિ સેકન્ડથી ઘટાડીને 2 મીટર પ્રતિ સેકન્ડ સુધી લાવવી પડશે.
  • 23 ઓગસ્ટે શા માટે લેન્ડિંગ: બંને લેન્ડર-રોવર પાવર જનરેટ કરવા માટે સોલર પેનલનો ઉપયોગ કરશે. અત્યારે ચંદ્ર પર રાત છે અને 23મીએ સૂર્યોદય થશે.
  • ચંદ્રયાન-3 શું કામ કરશે: પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. લેન્ડર-રોવર સપાટી પર પાણીની શોધ સહિત અન્ય પ્રયોગો કરશે.

ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યૂલને લેન્ડર અને રોવરથી અલગ કરી દીધા પછી લેન્ડર મોડ્યુલે પ્રોપલ્શન મોડ્યુલને ‘થેક્સ ફોર ધ રાઈડ મેટ’કહ્યું હતું. ઈસરોએ જણાવ્યું કે લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલને અલગ કર્યા પછી સાંજે 4 વાગ્યે, લેન્ડરને ડીબૂસ્ટિંગ દ્વારા થોડી નીચી ભ્રમણકક્ષામાં લાવવામાં આવશે. ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર ઉતરવા માટે છેલ્લા 100 કિલોમીટરનો પ્રવાસ એકલા હાથે કરવો પડશે. તેણે પોતાના એન્જીન એટલે કે થ્રસ્ટર્સનો ઉપયોગ કરીને તેની ઝડપ ધીમી કરવી પડે છે. તેમજ ઉંચાઈ પણ ઘટાડવી પડશે.

22 દિવસની યાત્રા પછી, ચંદ્રયાન 5 ઓગસ્ટના રોજ સાંજે 7.15 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું. પછી યાનને ચંદ્રની ગ્રેવિટીમાં કેપ્ચર કરી શકાય, જેથી તેની ગતિ ઓછી થઈ હતી. અત્યારે ચંદ્રથી ચંદ્રયાનનું લઘુતમ અંતર 153 કિમી અને મહત્તમ અંતર 163 કિમી છે. જ્યારે ચંદ્રયાન પ્રથમ વખત ચંદ્રની કક્ષામાં પ્રવેશ્યું ત્યારે તેની ઓર્બિટ 164 કિમી x 18,074 કિમી હતી. ઓર્બિટમાં પ્રવેશ કરતી વખતે, તેના ઓનબોર્ડ કેમેરાએ ચંદ્રની તસવીરો પણ કેદ કરી હતી. ઈસરોએ તેનો વીડિયો બનાવીને તેની વેબસાઈટ પર શેર કર્યો છે. આ તસવીરોમાં ચંદ્રના ખાડા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટીની ખૂબ નજીક લાવવા માટે તેને 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. આ સાથે, ચંદ્રની ભ્રમણકક્ષામાં થતી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે આપણું ચંદ્રયાન-3 નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ તેમની અલગ અલગ મુસાફરી માટે તૈયાર છે.