બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતાં વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હિન્દ મહાસાગરમાં કંઈક અંશે સાનુકુળ વાતાવરણ સર્જાશે. જેના કારણે ધીમે-ધીમે વરસાદની શક્યતા રહેશે. આવતીકાલથી 21 ઓગસ્ટ સુધી મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ અને ખેડામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન કેટલાક ભાગોમાં અડધો ઈંચ તો કેટલાક ભાગોમાં 1 ઈંચથી વધારે ધોધમાર વરસાદ પડી શકે છે. ગુજરાતમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ વરસ્યો હતો, પરંતુ ઓગસ્ટ મહિનામાં રાજ્યના મોટાભાગન જિલ્લાઓમાં ચોમાસામાં બ્રેક લાગી ગઈ છે. વરસાદ ખેંચાવાના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. ગુજરાતમાં જૂન-જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો, જોકે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો છે ત્યારે આવતીકાલથી વરસાદનું જોર વધશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતાં આવતીકાલથી વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
વધુમાં અંબાલાલે જણાવ્યું કે, 30 ઓગસ્ટની આસપાસ બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ ઉભી થશે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને તાપી, સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, ડાંગ, જામનગર, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ચાણસ્મા, વડનગર, હારીજ, કડી તથા એની આસપાસના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં હિંમતનગર, પ્રાંતિજ, બાયડ અને મોડાસામાં વરસાદ થવાની શક્યતા છે. દહેગામ, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિરમગામના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે. મધ્ય ગુજરાતના વડોદરા, બોડેલી, કરજણ સહિતના ભાગોમાં વરસાદની શક્યતા છે. મહેમદાવાદ, કપડવંજ, આણંદ, ખેડા, નડિયાદમાં પણ વરસાદ થવાની સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમના પવનો છે એ સિસ્ટમને ગુજરાત આવતા રોકે છે, જેના કારણે વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ ધકેલાઈ જવાની શક્યતા છે, પરંતુ આમ છતાં તેની ગુજરાતમાં અસર જોવા મળશે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 28.32 ઈંચ એટલે કે 80.79 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હાલ રાજ્યમાં 19.21 ટકા વરસાદની ઘટ છે. બીજી તરફ રાજ્યના 35 તાલુકાઓ એવા છે, જ્યાં હજુ 50 ટકા જેટલો વરસાદ પણ વરસ્યો નથી. ગુજરાતમાં સૌથી વધુ 153.01 ટકા વરસાદ જૂનાગઢ જિલ્લામાં ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આજે અમુક સ્થળોએ વરસાદ થઈ શકે છે. 20મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. આવતીકાલે દક્ષિણના જિલ્લાઓમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 20 ઓગસ્ટે ગુજરાતના મોટા ભાગના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓના અમુક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે.