મુખ્યમંત્રીએ ખાતરી આપતાં થપ્પડકાંડને લઈને શરૂ થયેલી ખેડૂતોની ન્યાય યાત્રા સમેટાઈ

Farmer Nyay Yatra

પોલીસે તપાસ અને કાર્યવાહીની ખાતરી આપી:ખેડૂત આગેવાન, યોગ્ય ન્યાય નહીં મળે તો ફરી આંદોલનની ચીમકી
ધારાસભ્યના ઈશારે લાફો મારવામાં આવ્યો છે તો ધારાસભ્યનું રાજીનામું લેવાય એમાં સરકારની ભલાઈઃ અમરાભાઈ ચૌધરી

બનાસકાંઠાના દિયોદર ખાતે અટલ ભુજલ યોજનામાં કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્યના સમર્થકે ખેડૂત અગ્રણીને લાફો માર્યો હતો. જેના વિરોધમાં ખેડૂતોએ ધારાસભ્યના રાજીનામાની માંગ સાથે ગાંધીનગર સુધી ન્યાયયાત્રા શરૂ કરી હતી. આ યાત્રા આજે છઠ્ઠા દિવસે મહેસાણાના ગોઝારીયા ખાતે પહોંચી છે. જોકે, અહીં પોલીસ કાફલો ખડકી દેવાતા ખેડૂત અગ્રણીએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું છે કે, દિયોદરના ધારાસભ્યના રાજીમાનામાં જ સરકાર અને અમારી ભલાઇ છે. બાકી અમે ઉગ્ર આંદોલન કરીશું. ત્યારે પોલીસ દ્વારા અમરા ચૌધરી સહિતના ખેડૂતોને ગાંધીનગર લઇ જવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ ખેડૂતો એ હાલ પૂરતી ન્યાયયાત્રા સમેટી લીધી છે.

મુખ્યમંત્રી સાથે બેઠક બાદ ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ અમને યોગ્ય ન્યાય આપવામાં આવશે તેવો વિશ્વાસ આપ્યો છે. મુખ્યમંત્રીએ પણ તમામ તપાસના આદેશ આપ્યા છે અને ઉપર સુધી રજુઆતની ખાતરી આપી છે. જેથી અમે આ આંદોલન સમેટી લઈએ છીએ. પોલીસે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે, સંડોવાયેલા લોકો સામે યોગ્ય પગલાં ભરાશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ધારાસભ્યના ઈશારે લાફો મારવામાં આવ્યો છે તો ધારાસભ્યનું રાજીનામું લેવાય એમાં સરકારની ભલાઈ છે. આગળ આ મુદ્દે ન્યાય નહીં મળે તો ફરી આંદોલન શરૂ કરવામાં આવશે.

પોલીસ દ્વારા ખેડૂત અગ્રણીઓને સમજાવવામા આવ્યા અને મુખ્યમંત્રીને પાંચ લોકોના નામ નક્કી કરી મુલાકાત કરાવવા પ્રયાસ કરાવવામાં આવ્યા હતા. પોલીસ અને ખેડૂત અગ્રણીઓ વચ્ચે ચર્ચા થયા બાદ અમરા ચૌધરી સહિતના ખેડૂતો ગાંધીનગર લઈ જવાયા હતા.ત્યારે ન્યાય યાત્રાને ગોઝારીયામાં આવેલા બાપા સીતારામ ૐ સાઈ રામ આશ્રમ ખાતે લાવામાં આવી હતી. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તમામ ખેડૂતો આશ્રમ ખાતે મુખ્યમંત્રીના જવાબની લઇ રાહ જોઈ રહ્યા હતા. આખરે તેમની મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ હતી.

મહત્વનું છે કે અટલ ભુજલ યોજના કાર્યક્રમમાં અરજણ નામના શખ્સે જાહેરમાં ખેડૂત આગેવાન અમરા ચૌધરીને લાફો મારતા જોરદાર વિવાદ ઉભો થયો હતો. ખેડૂત આગેવાન અમરા ચૌધરીએ ખેડૂતો સાથે સણાદરથી ગાંધીનગર સુધીની ન્યાય પદયાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન ખેડૂતો દ્વારા ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી ભાજપ ધારાસભ્ય કેશાજી ચૌહાણની રાજીનામાની માગ કરી છે. ન્યાય પદયાત્રામાં ખેડૂત આગેવાન અમરા ચૌધરીના સમર્થનમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે.