પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી

KunvarjiBavaliya-Sanand

ઉમદા કામગીરી કરનારા કર્મયોગીઓ, સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા રમતવીરો અને પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું

જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.,જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે, જિલ્લા પોલીસવડા શ્રી અમિત વસાવા તથા સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સાણંદ ખાતે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. સાણંદ એપીએમસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપીને પોલીસ જવાનો દ્વારા હર્ષધ્વની(VOLLEY FIRING) કરવામાં આવી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

જળસંપત્તિ અને પાણી પુરવઠામંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સૌ ઉપસ્થિતોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે પ્રાણ ન્‍યોછાવર કરનાર વીર શહીદોને વંદન કરવાનો આ પ્રસંગ છે. ૧૫મી ઓગસ્ટ,૧૯૪૭ના રોજ આઝાદ થયા બાદ આજે આપણે ૭૭મું સ્વતંત્રતા પર્વ ઊજવી રહ્યા છીએ. આઝાદીના અમૃતકાળના સાક્ષી બનવું આપણા સૌ માટે પરમ સૌભાગ્યની વાત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ મહાઅભિયાનમાં સમગ્ર દેશ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ રહ્યો છે. આન-બાન-શાન સાથે આઝાદી કા અમૃત મહોત્સવની પુર્ણાહુતી થઈ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

અમૃત કાળમાં દેશ અને રાજ્યના થઈ રહેલા સર્વાંગી વિકાસ વિશે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશિપમાં અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે ગુજરાતના ૨૧ સહિત દેશના ૫૦૮ રેલવે સ્ટેશન્સનું પુન: નિર્માણ થવા જઇ રહ્યું છે. વૈશ્વિક સમસ્યાઓ અને પડકારોના સમાધાન માટે આજે જગત ભારત ભણી વિશ્વાસપૂર્વક મીટ માંડીને જોઇ રહ્યું છે. એમાં જી-20ના સફળ આયોજને પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. નાનામાં નાના માનવીની સમસ્યાનું સમાધાન કરીને તેને વિકાસની મુખ્યધારામાં લાવવા રાજય સરકાર કટિબદ્ધ છે. વર્ષ ૨૦૨૩-૨૪ માટે રાજયનું અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. ૩ લાખ કરોડથી વધુના બજેટની ફાળવણી કરીને પંચ સ્તંભ આધારિત ગુજરાતના વિકાસની નવતર ભાષા અંકિત કરવામાં આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત સહિત અમદાવાદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે થયેલી વિકાસની કામગીરી અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 200થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી છે.
દીકરી ભણે અને આગળ વધે તે માટે 15,666 જેટલી કન્યાઓને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત મેડિકલ શિક્ષણ (MBBS અભ્યાસક્રમ) માટે સહાય આપી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનાને વધુ વ્યાપક સ્વરૂપે વિસ્તારી છે. રાજયમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનવવાના અભિગમ સાથે ૧૬ જિલ્લાના ૩૫ ગામોને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરાયેલા છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળની સહાય રૂ. 5 લાખથી વધારીને આપણે રૂ. 10 લાખ કરી છે. રાજ્યના દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ સ્થાપવાની દિશામાં આ વર્ષે અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ ચાર નવી મેડિકલ કોલેજો બનશે.
રાજ્યના નાગરિકોના હેલ્થ સાથે તેમની વેલનેસની પણ ચિંતા કરીને સરકારે ૯૫૪૫ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત કર્યા છે. અમદાવાદ જિલ્લો કેન્દ્ર તથા રાજ્યની તમામ યોજનાઓના અમલીકરણમાં અગ્રેસર રહે છે, અનેક યોજનાઓમાં ૧૦૦ ટકાથી વધારે લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળતા મળી છે, એમ કહી મંત્રીશ્રીએ જિલ્લા વહીવટી તંત્રને બિરદાવ્યું હતું.

ગુજરાતની વિકાસગાથા અંગે વધુમાં વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇની દીર્ઘદૃષ્ટીના કારણે ગુજરાતના રાજકોટને દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ગ્રીન ફીલ્ડ એરર્પોર્ટની ભેટ મળી છે. નાગરિકોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળે તે વિચારને કેંદ્રમાં રાખીને રાજ્યની ૨૧ નગરપાલિકાઓમાં રૂ. ૨૨.૬૫ કરોડના ખર્ચે સિટી સિવિક સેંટર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં દૂધ સંગ્રહ અને જાળવણી માટે છેલ્લા 5 વર્ષમાં રૂ. 21.62 કરોડના ખર્ચે 500 દૂધઘર બન્યાં છે. ગુજરાતમાં દૂધ-ઉત્પાદન ક્ષેત્રે ‘સરકાર’ અને ‘સહકાર’ બંનેની જુગલબંધી ચમત્કારિક પરિણામો લાવી છે.
નાગરિકોને પારદર્શી અને ઝડપી સુવિધા આપવા ગુજરાત પોલીસ દ્વારા e-FIRમાં મળેલી ફરિયાદોની પુન:તપાસ કરી ગુનો નોંધવા માટે ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું. e-FIR સિસ્ટમથી અત્યાર સુધીમાં 7,900થી પણ વધુ અરજીઓ મળી છે.

પ્રવાસન અને ઊર્જા ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ઇંડિયા ટુરીઝમ સ્ટેટેસ્ટિક્સ 2023ના રિપોર્ટ પ્રમાણે ગુજરાત વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં પ્રથમ રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ૧.૭૮ મિલીયન પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે. ગુજરાત “આતિથ્ય” પોર્ટલ પ્રકારનું પ્લેટફોર્મ વિકસાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આજે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિશ્વના મોખરાના પ્રવાસન સ્થળોમાં સ્થાન પામ્યું છે. સૌર ઊર્જા નીતિ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. કચ્છના ઘોરડો ખાતે વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ ઊર્જા પાર્કના નિર્માણ ચાલુ છે. આ રીન્યુએબલ એનર્જી પાર્કના પગલે ૩૦,૦૦૦ મેગાવોટ ઊર્જા ઉત્પાદિત થશે અને એક લાખ લોકોને રોજગારી મળશે, એવું તેમણે ઉમેર્યું હતું.

શિક્ષણ ક્ષેત્રે રાજ્યની સિદ્ધિઓ અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં ૩૪ વર્ષ બાદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ લાગુ કરવામાં આવી છે. જેના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાતના યુવાનોને વિશ્વકક્ષાનું શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટીના સર્વ પ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ ગિફ્ટ સિટીમાં શરૂ થવા જઇ રહ્યું છે. રાજ્યના યુવાઓ ઉચ્ચ શિક્ષણમાં આગળ વધી શકે તે માટે 33,659 યુવાનોને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે સહાય પ્રદાન કરી છે.

જળ સિંચન, જળ વ્યવસ્થાપન, જળ વિતરણ અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા થયેલા વિકાસ કાર્યો અંગે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 20 વર્ષમાં રાજ્યમાં દોઢ લાખથી વધુ ચેકડેમ બનાવીને જળસિંચનનું ભગીરથ કાર્ય કર્યું છે. અમદાવાદ જિલ્લો પણ ૧૦૦ ટકા નળ કનેકશન ધરાવતો ૧૭મો જિલ્લો બન્યો છે. ગુજરાત સરકારે સૌની યોજના, સુજલામ્ સુફલામ્ યોજના વગેરે થકી ગુજરાતના ખૂણેખૂણા સુધી પીવાનું અને સિંચાઇનું પાણી નિષ્ઠાપૂર્વક પહોંચાડ્યું છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જિલ્લામાં કુલ ૧૮ જેટલાં ગામોમાં ૩ કરોડથી વધુના ખર્ચે બોરવેલ સુવિધા માટે પંપ મૂકવામાં આવ્યા છે. આ વર્ષે જ અમદાવાદ શહેરમાં છારોડી તળાવને ડેવલપ કરવાની કામગીરી આશરે ૫.૨૬ કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ખારીકટ કેનાલના પાણીનો લાભ આવનારા દિવસોમાં સાણંદ તાલુકાને પણ મળવાનો છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ કર્મચારી/અધિકારી/રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે લાભાર્થીઓને સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સૌ ઉપસ્થિતોએ સમૂહ રાષ્ટ્રગાન દ્વારા વાતાવરણને જીવંત બનાવી દીધું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એપીએમસીના કાર્યાલયના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે સાણંદ એપીએમસી ખાતે જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે, જિલ્લા પોલીસવડા શ્રી અમિત વસાવા, ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ, સાણંદ પ્રાંત અધિકારી શ્રી કલ્પેશ ઉનડકટ, એપીએમસી ચેરમેન શ્રી કિરીટભાઇ પટેલ સહિત સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સરકારી કર્મચારીઓ, વિવિધ પોલીસ દળના જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.