કોર્ટે કહ્યું- તમે જ બાહેંધરી આપી હતી કે હાજર રહેશો, બાંહેધરી બાદ પણ હાજર ન રહ્યા, દિલ્હીમાં પૂર નથી, સ્થિતિ સામાન્ય છે તો હવે કેમ હાજર નથી થવું?
અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યો છે. PM નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે થયેલા કેસમાં કેજરીવાલે ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ માગતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. કેજરીવાલની રજૂઆત હતી કે, મેટ્રો કોર્ટ પર ચાલી રહેલા ટ્રાયલ સામે થોડો સમય સ્ટે આપવામાં આવે. રીવિઝન અરજી પર નિર્ણય આવે ત્યાં સુધી રાહત આપવામાં આવે તેવો અરજીમાં ઉલ્લેખ હતો.આજે કેજરીવાલની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. હાજર થવા માટેના સમન્સને પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં આજે કેજરીવાલ અને સંજય સિંહને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઇશ્યુ થયુ હતું. જેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેના પર હાઈકોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવું પડશે. તેમજ અરજદારના વકીલને કોર્ટે કહ્યું હતું કે, બાંહેધરી આપ્યા બાદ પણ તેઓ હાજર થયા નથી. કોર્ટ બોલાવે ત્યારે તમારે હાજર રહેવું જોઈએ. જ્યારે કેજરીવાલના વકીલ કહ્યું હતું કે, અગાઉ દિલ્લીમાં પૂરની સ્થિતિ હતી માટે હાજર રહી શક્યા ન હતા. જેની સામે હાઇકોર્ટે કહ્યું કે, હવે તો દિલ્હીમાં સ્થિતિ સામાન્ય છે. અરવિંદ કેજરીવાલના વકીલે અલગ-અલગ કોર્ટના ચુકાદા અને કેસો ટાંકતા હાઈકોર્ટે ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, તમે કોર્ટને મૂંઝવવા જોરદાર પ્રયાસો કરી રહ્યાં છો. મેટ્રો કોર્ટે અરવિંદ કેજરીવાલને 11 ઓગસ્ટે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. જો કે, અરવિંદ કેજરીવાલના વકીલે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં આવા કેસમાં આરોપીએ ઉપસ્થિત રહેવું જરૂરી નથી તેવી દલીલ કરી હતી.