મૂવી રિવ્યૂ : ‘OMG-2’

omg-2

‘OMG-2’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ચર્ચા તો એવી પણ થઇ રહી હતી કે ફિલ્મ સેક્સ એજ્યુકેશન જેવા ગંભીર વિષય પર બનાવવામાં આવી છે.

ફિલ્મની વાર્તા મહાદેલના પરમ ભક્ત કાંતિ શરણ મુદ્ગલ (પંકજ ત્રિપાઠી)ના કિશોર દીકરા વિવેક (આરુષ શર્મા)થી શરૂ થાય છે. અભ્યાસમાં હોંશિયાર અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આગળ પડતો વિવેક પોતાના લિંગ અને સેક્સુઆલિટીને કારણે મજાકનો ભોગ બને છે. જેથી તે વૈદ્યો પાસેથી દવા લઈને એટલું બધું માસ્ટરબેશન કરે છે કે તેને હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવે છે. આ દરમિયાન સ્કૂલમાં તેનું આ કામ વાયરલ થઈ જાય છે. જેથી તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે છે ઉપરાંત તેને અને તેમના પરિવારને આખા સમાજ-શહેરમાં શરમમાં મૂકાવું પડે છે. હવે આ પરિવાર પાસે શહેર છોડવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ તરફ વિવેક આત્મહત્યાનો પ્રયાસ કરે છે પરંતુ એ વખતે ભગવાન શિવની કૃપા થાય છે અને તેમનો દૂત (અક્ષય કુમાર) આવીને કાંતિને માર્ગ દેખાડે છે. તેઓ કાંતિલાલને આડકતરી રીતે મદદ કરે છે. કાંતિ લાલને અંદરથી થોડી હિંમત આવે છે, અને તે શાળા પ્રશાસન અને અન્ય લોકો સામે 101 રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરે છે. અહીંથી સત્ય અને અસત્યની વાર્તા શરૂ થાય છે.

કાંતિને જ્ઞાન થાય છે અને તે પોતાના દીકરાની માનસિક યાતના દૂર કરવા અને સમાજમાં તેને શરમમાં મૂકાતો બચાવવા સ્કૂલ સામે કેસ કરે છે. સેક્સ અંગે પૂરતી માહિતી ના આપવા બદલ તે સ્કૂલ, પોતાની જાત અને આ માટે જવાબદાર બધા જ વ્યક્તિઓ સામે કેસ કરે છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં સેક્સ એજ્યુકેશન ફરજિયાત કરવાની માગ કરે છે. તે ઈચ્છે છે કે પોતાના દીકરાની આ હાલત માટે જવાબદાર બધા જ લોકો તેની માફી માગે અને સ્કૂલમાં તેને માન-પાન સાથે પાછો લેવામાં આવે. સ્કૂલ પોતાના બચાવ માટે હોંશિયાર વકીલ કામિની માહેશ્વરી (યામિની ગૌતમ)ને રોકે છે. જે પોતે પણ માસ્ટરબેશનને ગંદુ અને અનૈતિક કૃત્ય માને છે. જજ પુરુષોત્તમ નાગર (પવન મલ્હોત્રા) સામે બંને પોતપોતાનો પક્ષ મૂકે છે. કાંતિનો તર્ક છે કે, સેક્સ એજ્યુકેશનને કોઈપણ આવરણ વિના મૂળ રૂપમાં ભણાવવામાં આવે. જ્યારે કામિનીનું માનવું છે કે, સભ્ય સમાજમાં આ શક્ય નથી. કોર્ટમાં કોની તરફેણમાં નિર્ણય આવશે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી રહી.

સ્ટારકાસ્ટની એક્ટિંગની વાત કરવામાં આવે તો આખી ફિલ્મમાં માત્ર પંકજ ત્રિપાઠી જ જોવા મળ્યા છે. અક્ષય કુમારે સ્ક્રીન ટાઈમના અનુસાર પોતાના રોલને પૂરો ન્યાય આપ્યો છે. શિવ સ્તુતિ પર અક્ષયનો નૃત્ય તમને આનંદ આપશે. આ ગીતોમાં 57 વર્ષીય અક્ષયની અદભૂત એનર્જી જોવા મળી છે.

ફિલ્મનું નિર્દેશન અમિત રાયે કર્યું છે. તેમણે દરેક નાની-મોટી બાબતોનું ધ્યાન રાખ્યું છે. ફિલ્મની વાર્તા ઉજ્જૈનની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ઉજ્જૈન અને તેની આસપાસની ભાષા શૈલી દરેક પાત્રો દ્વારા સારી રીતે તૈયાર કરવામાં આવી છે. દિગ્દર્શકે ઉજ્જૈનની સભ્યતા અને સંસ્કૃતિને પડદા પર બતાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં તેઓ સફળ પણ થયા છે. તેમણે દરેક પાત્રમાંથી શ્રેષ્ઠ દેખાવ કરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મના દરેક ડાયલોગ પણ રિયલ લાગે છે. એકંદરે અમિત રાયનું દિગ્દર્શન પ્રશંસનીય છે.

પંકજ ત્રિપાઠી એક ઉત્તમ અભિનેતા છે પરંતુ આ ફિલ્મ જોયા પછી આપણે કહી શકીએ કે આ તેમની કરિયરની સૌથી બેસ્ટ એક્ટિંગ છે. કોર્ટરૂમમાં તેમની થોડી રમુજી હરકતો તમને હસાવશે.
યામી ગૌતમ વકીલ તરીકે ખૂબ અસરકારક રહી છે. તેમની એક્ટિંગ પણ બહુ જ પ્રભાવી લાગે છે. સહાયક કલાકારોએ તેમના પાત્રને ન્યાય આપ્યો છે. જજની ભૂમિકામાં પવન મલ્હોત્રાની અભિવ્યક્તિ તમને હસાવશે.

આ ફિલ્મ એ વાતની તરફેણ કરે છે કે આજે પણ આપણી શાળાઓમાં સેક્સ એજ્યુકેશન કેમ ભણાવવામાં આવતું નથી. આ ફિલ્મ મનોરંજક છે અને વીકએન્ડ પર જોઈ શકાય છે.