મોબ લિંચિંગ અને સગીર પર બળાત્કાર માટે મૃત્યુદંડની સજા
મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે લોકસભામાં ત્રણ નવાં બિલ રજૂ કર્યા હતા. આ બિલને રજૂ કરતી વખતે અમિત શાહે કહ્યું કે- અંગ્રેજોના સમયથી ચાલતા કાયદાઓમાં ફેરફાર થશે. સાથે જ તેમણે જણાવ્યું કે- ચાર વર્ષ સુધી આ કાયદા પર ઊંડી ચર્ચા થઈ. તેમણે કહ્યું કે- ગુલામીની નિશાનીવાળા કાયદાઓને અમે હટાવી રહ્યાં છીએ અને દંડ આપવાવાળા નહીં પરંતુ ન્યાય અપાવનારા કાયદા અમે લાવી રહ્યાં છે. એમાં ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 અને ભારતીય પુરાવા બિલ 2023નો સમાવેશ થાય છે. આ બિલો ભારતીય દંડ સંહિતા (IPC), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC) અને બ્રિટિશ યુગના એવિડન્સ એક્ટનું સ્થાન લેશે.
અમિત શાહે કહ્યું હતું કે નવા બિલમાં દેશદ્રોહની જોગવાઈઓને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે, જે IPCનું સ્થાન લેશે. આ સિવાય મોબ લિંચિંગના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવશે. નવા કાયદા નાગરિકોના અધિકારોના રક્ષણની ભાવના લાવશે. તેમનો ઉદ્દેશ સજા નહીં, પરંતુ ન્યાય હશે. બિન-પ્રતિબદ્ધતાની ભાવના પેદા કરવા માટે સજા આપવામાં આવશે. જે પણ ભાગેડુ દેશની બહાર છે, તેમના વિરુદ્ધ પણ સુનાવણી થશે અને તેમણે સજા પણ સંભળાવવામાં આવશે. સાથે જ જાહેર થયેલા ગુનેગારોની સંપત્તિ ટાંચમાં લેવાશે અને તેમણે કડકમાં કડક સજા આપવામાં આવશે.
ત્રણેય બિલ રજૂ કરતાં અમિત શાહે કહ્યું- જૂના કાયદાઓનું ધ્યાન બ્રિટિશ વહીવટીતંત્રને મજબૂત અને રક્ષણ આપવાનું હતું. તેમના દ્વારા લોકોને સજા કરવામાં આવી ન હતી. 1860થી 2023 સુધી દેશની ફોજદારી ન્યાય પ્રણાલી બ્રિટિશ કાયદા અનુસાર હતી. નવા બિલનો હેતુ સજા નથી, પરંતુ ન્યાય છે.
તેમણે કહ્યું- વડાપ્રધાને ગત 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી દેશ સામે 5 શપથ લીધા હતા, એમાંથી એક પ્રતિજ્ઞા હતી કે અમે ગુલામીનાં તમામ નિશાનો ખતમ કરીશું. આજે હું જે ત્રણ બિલ લઈને આવ્યો છું એ મોદીજી માટે લીધેલાં વચનોમાંથી એકને પૂર્ણ કરી રહ્યા છે.
આ ત્રણેય બિલ સંસદીય સમિતિને ચકાસણી માટે મોકલવામાં આવશે. આ બિલોમાં મોબ લિંચિંગ અને સગીર સાથે બળાત્કાર માટે મૃત્યુદંડની જોગવાઈ રાખવામાં આવી છે. આ ઉપરાંત રાજદ્રોહ સંબંધિત મામલાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
નવા બિલથી શું બદલાશે તે 9 મુદ્દામાં સમજો…
- મોબ લિંચિંગ અને સગીરો પર બળાત્કારના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવશે.
- મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
- નવા બિલમાં દેશદ્રોહની જોગવાઈઓને સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે, જે IPCનું સ્થાન લેશે.
- દાઉદ ઈબ્રાહિમ જેવા ફરાર ગુનેગારો સામે તેમની ગેરહાજરીમાં કેસ ચલાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
- જે કેસમાં સજા 7 વર્ષ કે તેથી વધુ હોય, ફોરેન્સિક ટીમે ગુનાના સ્થળની મુલાકાત લેવી જરૂરી રહેશે.
- સનદી અધિકારીઓ સામે કેસ ચલાવવા માટે 120 દિવસની અંદર પરવાનગી આપવી પડશે.
- અલગતાવાદી પ્રવૃત્તિઓ, સશસ્ત્ર બળવો, દેશની સાર્વભૌમત્વ, એકતા અથવા અખંડિતતાને જોખમમાં મૂકતા ગુનાઓને સૂચિબદ્ધ કરવામાં આવશે.
- આતંકવાદી પ્રવૃત્તિઓ અને સંગઠિત અપરાધોને કડક સજાની જોગવાઈ સાથે જોડવામાં આવ્યા છે.
- ખોટી ઓળખ આપીને સેક્સ કરનારી વ્યક્તિને ગુનાની શ્રેણીમાં રાખવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે 2022માં રાજદ્રોહ કાયદાને સસ્પેન્ડ કરી દીધો હતો. ત્યાર બાદ કોર્ટે આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી પુનઃપરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી IPCની કલમ 124-A હેઠળ કોઈ કેસ નોંધવામાં આવશે નહીં. એ જ સમયે, કાયદા પંચે કહ્યું હતું કે તેને IPCમાં જાળવી રાખવાની જરૂર છે. ચૂંટણી કમિશનરની નિમણૂક પ્રક્રિયામાંથી CJIને દૂર કરવા માટે બિલ રજૂ કરવામાં આવ્યું. કેન્દ્ર સરકારે ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને અન્ય ચૂંટણી કમિશનરો (ECs) ની નિમણૂકને નિયંત્રિત કરવા માટે રાજ્યસભામાં એક બિલ રજૂ કર્યું હતું. બિલ મુજબ કમિશનરની નિમણૂક ત્રણ સભ્યની પેનલ દ્વારા કરવામાં આવશે, જેમાં વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને મંત્રીમંડળના મંત્રી સામેલ થશે.