હાર્દિક પંડ્યાએ આ મામલે અશ્વિનને પાછળ છોડી દીધો
ભારત બીજી ટી૨૦માં પણ વિન્ડીઝ સામે હાર્યું
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ૫ મેચની ટી૨૦ સિરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને ૨ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જાે કે આ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાનું બોલ અને બેટ બંને સાથે શાનદાર પ્રદર્શન જાેવા મળ્યું હતું. આ મેચમાં હાર્દિકે ૧૮ બોલમાં ૨૪ રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે ૩ વિકેટ પણ ઝડપી હતી. બોલિંગની શરૂઆત કરતા પંડ્યાએ પહેલી જ ઓવરમાં ૨ વિકેટ ઝડપી હતી.
હાર્દિકે ઇનિંગ્સના પહેલા જ બોલ પર વેસ્ટ ઈન્ડિઝ ટીમના ઓપનિંગ બેટ્સમેન બ્રેન્ડન કિંગને પેવેલિયન ભેગો કર્યો હતો. આ પછી ઓવરના ચોથા બોલ પર હાર્દિકે જાેન્સન ચાર્લ્સને તિલક વર્માના હાથે કેચ આઉટ કરાવીને વિન્ડીઝ ટીમને બીજાે ઝટકો આપ્યો હતો. આ મેચમાં ૩ વિકેટ મેળવવાની સાથે હાર્દિકે એક મોટી સિદ્ધિ પણ હાંસલ કરી લીધી છે. હવે તે ભારતીય ટીમ તરફથી ટી૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજાે ભારતીય બોલર બની ગયો છે.
હાર્દિક પંડ્યાએ આ મામલે રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધો છે, જેના નામે ૭૨ વિકેટ છે. હાર્દિકે ૮૯ મેચમાં ૭૩ વિકેટ ઝડપી છે. આ સાથે જ હાર્દિક ઈનિંગના પ્રથમ બોલ પર વિકેટ લેનારો ભુવનેશ્વર કુમાર બાદ ભારત તરફથી બીજાે બોલર બની ગયો છે. ભુવનેશ્વરે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩ વખત આ કારનામું કર્યું છે.
હાર્દિક પંડ્યાએ ટી૨૦ ફોર્મેટમાં એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો છે, જેમાં તે ૪૦૦૦ રન પૂરા કરવાની સાથે ૧૫૦ વિકેટ લેનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. બીજી ટી૨૦ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૫૨ રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે આ લક્ષને ૧૮.૫ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.