આધ્યાત્મિક, ધાર્મિક અને સામાન્ય માનવ જીવનનો આનંદ ત્યારે જ મળે જ્યારે જીવનમાં નૈતિકતા આવે

Dharma

સત્યને કદી થતું નથી કે માણસા મારો સ્વીકાર કરી લે કારણ એ કે પોતે જ સ્વયંભૂ, સ્વયં સિદ્ધ છે.

અધિક શ્રાવણ માસ વિષ્ણુ શિવ આરાધના ઉપાસનામાં સડસડાટ પસાર થઈ રહયો છે.ધર્મ એ જીવન જીવવાની કળા છે. આપણા જીવનમાં પહેલાં નૈતિકતાની સ્થાપના થાય તો જ આધ્યાત્મિકતા અને ધર્મની સ્થાપના થાય બસ આજે આપણે આ વાત સમજવા જ પ્રયત્ન કરવો છે.તો મિત્રો આધ્યાત્મિક જીવન,ધાર્મિક જીવન અને સામાન્ય માનવ જીવન,એ ત્રણેય ના ભાગરૂપે નૈતિકતા આવે છે, પરંતુ વ્યકિતએ એ ત્રણ વસ્તુઓને એક જ સમજવાનો ગોટાળા ન કરવો જોઈએ, પરંતુ એ ત્રણમાંથી કઇ વસ્તુ પોતે અપનાવવી છે તેનો નિર્ણય કરી લેવો જોઈએ. સામાન્ય માનવ જીવન એટલે જાણે માનવચેતના ની સરેરાશ.એ જીવન પોતાના સાચા સ્વરૂપ અને પ્રભુથી વિભકત હોય છે અને મન,પ્રાણ અને શરીરની અજ્ઞાનમૂલક આદતોને જોરે દોરવાયે જાય છે. ધાર્મિક જીવન,એ પણ,એની એ જ અજ્ઞાન માનવ પ્રકૃતિની ક્રિયા હોય છે,કેવળ એ સામાન્ય પાર્થિવતાથી અલગ થઈને પ્રભુ પ્રત્યે વળે છે અથવા વળવાનો પ્રયત્ન કરે છે. આમ છતાં એ કોઈ રીતના જ્ઞાન વડે દોરવાતું નથી પરંતુ કેવળ સાંપ્રદાયિક સિદ્ધાંતો અને પંથ અથવા વાડાના કોઈ નિયમો વડે દોરવાય છે. એ બધા સંપ્રદાયો, પંથો અને મતો,પોતે આ પૃથ્વીની ચેતનાના બંધનમાંથી મુકિત પામીને કોઈ ઊર્ધ્વના આનંદ લોકને પામવાના માર્ગ શોધ્યો હોવાના દાવો કરતા હોય છે. આધ્યાત્મિક જીવન પ્રત્યે ગતિ થવા માટે ધાર્મિક જીવન એ એક પ્રાથમિક શરૂઆત હોઈ શકે, પરંતુ મોટાભાગે એમાં એવું થાય છે કે વ્યકિત,એમાં કેવળ ધાર્મિક વિધિ ઓ,કર્મકાંડ અને ક્રિયાઓના ચક્રાવામાં ગોળ ગોળ ફર્યા કરે છે અને એના કોઈ અંત આવતો નથી આધ્યાત્મિક જીવનની પદ્ધતિ આથી અલગ રીતની હોય છે. એ સીધે- સીધી,ચેતનાનું એટલે કે પોતાની અજ્ઞાન અને પોતાના સાચા સ્વરૂપ અને પ્રભુની વિખૂટી પડી ગયેલી ચેતનાનું, પરિવર્તન કરવાથી શરૂઆત કરે છે અને એક એવી મહત્તર ચેતનામાં પ્રવેશ કરે છે જ્યાં તેને પોતાનું સાચું સ્વરૂપ મળી આવે છે અને જીવનમાં પહેલ વહેલા, પ્રભુ સાથેના જીવંત સંપર્ક અને પાછળથી અદ્વૈત પણ મળી આવે છે.આધ્યાત્મિક સાધક માટે, ચેતનાનું આ રીતનું પરિવર્તન જ પોતાને જોઈતી વસ્તુ હોય છે અને એને માટે બીજી કોઈ ચીજ અગત્ય ધરાવતી નથી.

સત્ય તો સ્વયં પ્રકાશ છે. જગત ઉપર તેને લાદવાનું નથી. સત્યને કદી થતું નથી કે માણસા મારો સ્વીકાર કરી લે કારણ એ કે પોતે જ સ્વયંભૂ, સ્વયં સિદ્ધ છે. સત્ય કાંઈ લોકોની માન્યતા ઉપર કે તેમના અનુસરણ ઉપર જીવતું નથી. પરંતુ જ્યારે માણસ પોતે થઈને કોઈ ધર્મ સ્થાપવા નીકળે છે ત્યારે તેણે અનેક અનુયાયીઓ મેળવવાના હોય છે. માણસો ધર્મની મહત્તાનું અને શકિતનું માપ તેના અનુયાયીઓની સંખ્યા પરથી કાઢે છે, જો કે સાચી મહત્તા એવી સંખ્યામાં નથી જ રહેલી. કોઈ પણ આધ્યાત્મિક સત્યની મહત્તા એવી સંખ્યા ઉપર આધાર રાખતી નથી. એક પણ અનુયાયી ન હોય, છતાં સત્ય તો સત્ય જ રહેવાનું છે. સાધારણ પ્રાકૃત માનવ તો મહાન આડંબર કરનારાઓ પ્રત્યે જ આકર્ષાય છે. જ્યાં સત્ય, શાંતિથી પોતાનો આવિર્ભાવ કરતું હોય છે ત્યાં તે જતો નથી, જેમને મોટો આડંબર આચરવાનો હોય છે તેમને જોરથી શોરબકોર કરીને ઢંઢેરા પીટવા પડે છે તથા જાહેરાત કરવાની જરૂર પડે છે. કારણ કે એમ ન કરે તે લોકોનાં ટોળેટોળાંને તેઓ કેવી રીતે આકર્ષી શકે? લોકોના અભિપ્રાયની પરવા રાખ્યા વિના થઈ રહેલું કાર્ય એટલું બધું જાણીતું થઈ શકતું નથી. લોકોનાં ટોળાં તેનાથી આકર્ષાતાં નથી. પરંતુ સત્યને જાહેરાતની જરૂર નથી. તે પોતાની જાતને છુપાવતું નથી,તો તે પોતાની જાહેરાત પણ કરતું નથી. તે કેવળ પોતાનો આવિર્ભાવ કરીને સંતોષ માને છે. તેને પરિણામની અપેક્ષા નથી. તે લોકોની અનુમિત માગતું નથી, લોકોની નિંદાથી તે દૂર ભાગતું નથી. જગતને તેનો સ્વીકાર કરે તેથી તે રાજી થઈ જતું નથી, તેના અસ્વીકારથી તે નારાજ થતું નથી.