મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળી મોટી રાહત

RahulGandhi-SupremeCourt

સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યાં સુધી અપીલ પેન્ડિંગ છે ત્યાં સુધી સજા પર રોક લગાવાઈ

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ‘મોદી સરનેમ’ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની 2 વર્ષની સજા પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં જ્યાં સુધી અપીલ પેન્ડિંગ છે ત્યાં સુધી રાહુલની સજા પર રોક લગાવી દીધી છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે કરી હતી. જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે આદેશમાં કહ્યું કે ટ્રાયલ કોર્ટના જજે પોતાના નિર્ણયમાં મહત્તમ સજા સંભળાવવાના કારણો આપવા જોઈએ. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી રાહુલ ગાંધીનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ જશે.

સુપ્રિમ કોર્ટના આ નિર્ણય બાદ હવે આગળ શું થશે? શું રાહુલ ચૂંટણી લડી શકશે, શું તેઓ લોકસભામાં ફરી વખત સભ્યપદ મેળવી શકશે, શું તેઓ સંસદ સત્રમાં ભાગ લઈ શકશે? આ તમામ પ્રશ્નોના જવાબ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં છે.
સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે આપ્યા બાદ ફરી એકવાર રાહુલ ગાંધીનું સભ્યપદ પુનઃસ્થાપિત થશે. તેઓ ફરીથી વાયનાડના સાંસદ તરીકે સંસદમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી શકશે કારણ કે આ બેઠક પર કોઈ પેટાચૂંટણી યોજાઈ ન હતી માટે રાહુલ ગાંધી ફરીથી તે બેઠક પરથી સાંસદ તરીકે પુનઃસ્થાપિત થશે. રાહુલને ફરી સંસદમાં આવવાનો માર્ગ પણ ખુલી ગયો છે. સુપ્રીમકોર્ટના આ નિર્ણયની સાથે જ રાહુલ ગાંધી 2024ની ચૂંટણી લડવાની સંભાવનાઓ પર છવાયેલા સંકટના વાદળો ફંટાઈ ગયા છે. તેઓ હવે 2024ની લોકસભા ચૂંટણી લડી શકશે. જો સુપ્રીમકોર્ટે રાહુલની સજા અને દોષિત જાહેર કરવાના નીચલી કોર્ટના ચુકાદા પર રોક ન લગાવી હોત તો તે 2024ની લોકસભા ચૂંટણી ન લડી શક્યા હોત. એવી જ રીતે લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કર્યા પછી, તેમને તેમનું નિવાસસ્થાન પણ પાછું મળશે. તેમજ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પણ ભાગ લઈ શકશે.

નિષ્ણાંતોના મતે જે રીતે મોદી સરનેમ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા અને સજા થયા બાદ રાહુલ ગાંધીનું સભ્યપદ છીનવાઈ ગયું હતું. તેમનું સભ્યપદ પણ પુનઃસ્થાપિત કરવામાં આવશે. કોર્ટના આદેશની નકલ લોકસભાના સ્પીકર સુધી પહોંચ્યા બાદ રાહુલનું સભ્યપદ ક્યારે પુનઃસ્થાપિત કરવું તે અંગે સ્પીકરે નક્કી કરવાનું છે. કોર્ટના નિર્ણયની નકલ મળતાં જ સ્પીકર તાત્કાલિક નિર્ણય લેશે અને સંભવતઃ સોમવારથી રાહુલ ગાંધી સંસદમાં પોતાની હાજરી નોંધાવી શકશે તેવું માનવામાં આવી રહ્યું છે.

રાહુલ ગાંધીના વકીલ સિંધવીએ કહ્યું હતું કે રાહુલના વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, ફરિયાદીની અસલી સરનેમ મોદી નથી, બાદમાં તેમણે સરનેમ બદલી છે.

બે દિવસ અગાઉ જ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. જેમાં રાહુલ ગાંધીએ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો. અપીલ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. તેમાં સફળતાની સંભાવના છે. તેથી સજા પર સુપ્રીમ કોર્ટ રોક લગાવી દે. પૂર્ણેશ મોદીએ સીધું તેમનું ભાષણ નહોતું સાંભળ્યું. મારા કેસને અપવાદ ગણીને રાહત આપવામાં આવે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ 13 એપ્રિલે 2019એ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, તમામ ચોરની સરનેમ મોદી કેમ હોય છે? જેને લઈને પૂર્ણેશ મોદીએ 2019માં તેમના વિરૂદ્ધ ગુનાહિત માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

રાહત મળ્યા બાદ રાહુલ ગાંધીએ આપી પ્રથમ પ્રતિક્રિયા…
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘ગમે તે થાય, મારું કર્તવ્ય એ જ રહેશે. ભારતના વિચારની રક્ષા કરવાનો…’

રાહુલ ગાંધીને રાહત મળતા પ્રિયંકાએ આપી પ્રતિક્રિયા…
પ્રિયંકા ગાંધીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘ગૌતમ બુદ્ધે કહ્યું છે કે, ત્રણ વસ્તુઓ છુપાવી શકાતી નથી… સૂર્ય, ચંદ્રમા અને સત્ય… માનનીય સર્વોચ્ચ અદાલતને ન્યાયપૂર્વ નિર્ણય સંભળાવવા બદલ આભાર… સત્યમેવ જયતે…’

સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ મામલે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા રાહુલ ગાંધીના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો અને હાલ તેમની સજા પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનિય ચે કે, મોદી સરનેમ માનહાનિ મામલે સુનાવણી બાદ ગુજરાતની સૂરત કોર્ટને તેમને સજા સંભળાવી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીનું સંસદ પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીના પક્ષમાં નિર્ણય આવ્યા બાદ કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચી રહ્યા છે, તો આ મામલે બહેન પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે.