બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરનાર આરોપીને સુરત સેશન્સ કોર્ટે સંભળાવી ફાંસીની સજા

rap and murder

આરોપીએ બાળકીને રમાડવાનાં બહાને લઈ જઈ દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી

સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં બે વર્ષની માસુમ બાળકીને રમાડવાના બહાને લઈ જઈ તેની સાથે કરેલા બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યાની ઘટનામાં સુરત સેશન્સ કોર્ટમાં આજે મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. સુરત સેશન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.

પાંચ મહિના પહેલાં 27 ફેબ્રુઆરીના રોજ 1 વર્ષ અને 9 મહિનાની બાળકી સાથે રેપ વિથ મર્ડરની ઘટના બની હતી. 23 વર્ષના નરાધમ ઈસ્માઈલે બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. સેશન્સ કોર્ટના છઠ્ઠા એડિશનલ જજ સંકુતલાબેન એન. સોલંકીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. બે દિવસ પહેલાં જ સુરતની સેશન્સ કોર્ટે નરાધમ આરોપી યુસુફ ઇસ્માઈલને દોષિત જાહેર કર્યો હતો. જ્યારે આજે કોર્ટે ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે આરોપી ઈસ્માઈલને ઇન્ડિયન પીનલ કોડની કલમ 302, 376 એ, બી અને પોક્સો એક્ટ હેઠળ કસુરવાર ઠેરવ્યો છે અને આરોપીને ફાંસીની સજા સંભળાવી છે અને 1 હજારનો દંડનો હુકમ કર્યો છે. આ ઉપરાંત કલમ 363, 366 હેઠળ આરોપીને આજીવન કેદની સજા અને 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેમજ ભોગ બનનારના પરિવારને 10 લાખનું વળતરનો હુકમ કર્યો છે. આ બાળકીના શરીર પર જે રીતે ઈજાના નિશાન હતા તે જોતા આ ખૂબ જ હેવાનિયત ભરેલું કૃત્ય છે. બાળકીના પેટ પર જે રીતે પેટના ભાગે કરડવામાં આવ્યું હતું તે ખૂબ જ ગંભીર ક્રૂરતાભર્યું હતું. આરોપીના મોબાઈલમાંથી 200 જેટલી ક્લિપ્સ મળી હતી તેમજ બાળકીને પેટ (નાભી)ના ભાગે કઈ રીતે ઈજા પહોચાડવાની એવી સાઈટ પણ સર્ચ કરી હતી. તેમજ નાના બાળકોની હત્યા કઈ રીતે કરી શકાય તેવી સાઈટ પણ એણે સર્ચ કરી હતી. આરોપીના મોબાઈલમાંથી મળેલી ક્લિપ્સ, આરોપી 20 વર્ષનો હોવા છતાં 35થી 40 વર્ષીય મહિલા સાથે પણ આ પ્રકારનું કૃત્ય કરેલું હતું. ડીએનએ પૂરાવો, એફએસએલનો પૂરાવો આ ઉપરાંત આરોપીના મોબાઈલમાંથી નાના બાળકોની હત્યા કઈ રીતે કરવી તેનું સર્ચિંગ પણ મળ્યું હતું. આ બધા પૂરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ બધા પૂરાવા મહત્વના સાબિત થયા હતા. તો સાથે સાથે આરોપી બાળકીને લઈને જતા સીસીટીવી ફૂટેજ પણ હતા.