શહેરના તમામ પોલીસ મથકો ખાતે કાર્યરત ‘મહિલા હેલ્પ ડેસ્ક’ મહિલાઓ માટે બની રહ્યું છે નવજીવનનું નિમિત્ત
કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે કાઉન્સેલિંગ દ્વારા મહિલાઓને મદદરૂપ થવાથી આત્મસંતોષ મળે છે: ACP શ્રી હિમાલા જોશી
આત્મહત્યાનો પ્રયાસ, પારિવારિક ઝગડા, સંતાનો અને વાલીઓનો અણબનાવ સહિતની કોઈ પણ સમસ્યા લઈને જતી મહિલાઓ માટે સમાધાનનું સરનામુ સાબિત થઈ રહ્યા છે ‘મહિલા હેલ્પ ડેસ્ક’. રાજ્ય સરકારના પીપલ ફ્રેન્ડલી પોલીસિંગના ઉદ્દેશ્યને સાર્થક કરવા અને ખાસ કરીને સમાજમાં મહિલાઓની સલામતીને સુનિશ્ચિત કરવા માટે ‘મહિલા હેલ્પ ડેસ્ક’નો અભિગમ વિકસાવવામાં આવ્યો છે.
આ અભિગમ અંતર્ગત અમદાવાદ શહેરના તમામ પોલીસ મથકો ખાતે અલાયદા ‘મહિલા હેલ્પ ડેસ્ક’ કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યાં મહિલાઓના વ્યક્તિગત પ્રશ્નોથી માંડીને સામાજિક પ્રશ્નોનું સમાધાન મળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
‘મહિલા હેલ્પ ડેસ્ક’ પર ઉપલબ્ધ સેવાઓ
● તમામ પોલીસ સ્ટેશનમાં મહિલાઓ માટે એક અલાયદું સંપર્ક કેન્દ્ર જ્યાં પીડિત મહિલાઓ પોતાની વાત/ફરિયાદ/રજૂઆત નિર્ભયતાથી અને વિના કોઈ સંકોચ, દબાણમુક્ત થઈને કરી શકે.
● મહિલા હેલ્પ ડેસ્કમાં પીડિત મહિલાઓને સમગ્ર પોલીસ પ્રક્રિયા અને કાયદાકીય અધિકારો અંગે માહિતી આપવામાં આવે છે.
● પોલીસ સિવાય અન્ય મહિલા સંબંધિત સહાય કેન્દ્રો જેમાં સખી વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સેવા, નારી સંરક્ષણ ગૃહ વગેરે તથા બાલ વિકાસ કેન્દ્ર, મનોચિકિત્સક, ડોકટર વગેરે જેવી સેવાઓ અને જરૂરી માર્ગદર્શન
● આ સિવાય પીડિત મહિલાઓને ઉપયોગી થઈ શકે તેવી તમામ સરકારી/બિન સરકારી સહાય યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવે છે.
મહિલાઓને દૈનિક ધોરણે અનેક સમસ્યાઓ વેઠવી પડે છે. વ્યક્તિગત અને પારિવારિક પ્રશ્નો ઘણીવાર નાગચૂડની જેમ ઘેરી વળતા માર્ગદર્શનના અભાવે નાસીપાસ થઈને મહિલાઓ ન કરવાનું કરી બેસે છે. આવા સંજોગોમાં ‘મહિલા હેલ્પ ડેસ્ક’ નવજીવનનું નિમિત્ત બને છે. તાજેતરમાં હેલ્પ ડેસ્કના માધ્યમથી મહિલાઓના જીવન પરિવર્તનના કેટલાક કિસ્સા જાણીએ.
ત્રણ કિસ્સાઓના આધારે જાણીએ મહિલા હેલ્પ ડેસ્કની સમાજમાં ભૂમિકા અને મહત્ત્વ
કિસ્સો – 1
શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી એક યુવતી આત્મહત્યા કરવા માટે રિવરફ્રન્ટ પહોંચી હતી, જેને સમજાવટ બાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આવેલા મહિલા હેલ્પ ડેસ્ક ખાતે લાવી તેની સમસ્યાઓ વિશે પરામર્શન કરી તેના વાલીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સમજાવટના અંતે યુવતી હસીખુશીથી પોતાના ઘરે પરત ફરી હતી. આમ, આ યુવતીને મોતના મુખમાં જતી અટકાવી હેલ્પ ડેસ્કની ટીમે તેને નવું જીવન આપ્યું.
કિસ્સો – 2
દરિયાપુર વિસ્તારના આંબેડકર વાસમાં રહેતી એક પ્રૌઢ મહિલાએ દરિયાપુર પોલીસ મથકમાં આવેલા હેલ્પ ડેસ્ક પર પોતાની વ્યથા વર્ણવતા રજૂઆત કરી હતી કે, તેમના પતિને કેન્સરની બીમારી છે અને તેમની યુવાન પુત્રી કહ્યામાં નથી. અનેક વખત રોકવા છતાં તે કોઈ યુવાન સાથે મોબાઈલ ફોન પર વાત કરે છે અને ઘરની બહાર વધુ સમય વિતાવે છે જેના કારણે ઘરકામ સહિત સામાજિક અને વ્યાવહારિક કાર્યોનો સંપૂર્ણ ભાર પ્રૌઢા પર રહે છે. મહિલા હેલ્પ ડેસ્ક દ્વારા સમજાવટના સઘન પ્રયાસોથી આ યુવતી ઘરે જરૂરી મદદ કરવા માટે સહમત થઈ અને આજે પરિવારમાં શાંતિ સ્થપાઈ છે.
કિસ્સો – 3
આંબાવાડી વિસ્તારમાં રહેતા એક અરજદાર મહિલાએ પાસપોર્ટ કઢાવી આપવાના નામે બે આરોપીઓ દ્વારા મહેનતથી કમાયેલા રૂપિયા ચાઉં કરી છેતરપિંડી કરી હોવાની રજૂઆત યુનિવર્સિટી પોલીસ મથકમાં આવેલા મહિલા હેલ્પ ડેસ્કમાં કરી હતી. જેના આધારે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી. આ કિસ્સામાં મહિલાને ન્યાય અપાવવામાં હેલ્પ ડેસ્કની મહત્ત્વપૂર્ણ ભૂમિકા જોવા મળી છે.
ઉપરોક્ત ત્રણેય કિસ્સા જોતાં એક વાત ચોક્કસ સાબિત થાય છે કે, મહિલાઓના જીવનમાં આવતી કોઈ પણ પ્રકારની સમસ્યાનું સમાધાન અને માર્ગદર્શન ‘મહિલા હેલ્પ ડેસ્ક’ના માધ્યમથી મળી રહ્યું છે. દરરોજ આવી જ રીતે અનેક મહિલાઓને જીવન જીવવાની નવી દિશા મળવાથી તેઓ પણ ગૃહ વિભાગ તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા આનંદ અનુભવતા હોય છે.
મહિલા પોલીસ મથકના ACP શ્રી હિમાલા જોશી જણાવે છે કે, પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે મહિલાઓના કાઉન્સેલિંગ કરી તેમના જીવનમાં શાંતિ અને સરળતા સ્થાપિત કરવા મદદરૂપ બને છે. આ કામગીરી થકી આત્મસંતોષ મળતો હોવાની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.