ત્રણેય આરોપી પશ્ચિમ બંગાળનાં વતની છે અને રાજકોટનાં સોનીબજારમાં મજૂરી કામ કરતા હતાં
આરોપીઓ પાસેથી આતંકી વિચારધારાનું સાહિત્ય તેમજ હથિયાર પણ મળી આવ્યા
ગુજરાતમાં ફરી એક વખત આતંકી મોડ્યૂલ એક્ટિવ થયું હોવાની વિગતો સામે આવી રહી છે. ATSની ટીમ દ્વારા માહિતીનાં આાધારે ગઈ કાલે મોડી રાત્રે રાજકોટનાં સોનીબજારમાં કામ કરતા ત્રણેય આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. રાજકોટની સોનીબજારની અંદર ત્રણ વ્યક્તિ આતંકી સંગઠન અલકાયદાને મદદ કરવા માટે સક્રિય થઈ હતી. આ તમામ આરોપીઓ આતંકી સંગઠન અલકાયદા માટે ફંડિંગ અને સ્લીપર સેલને સપોર્ટ કરવા માટે એક્ટિવ થયાં હતાં. ગુજરાત એટીએસએ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝને રાજકોટમાંથી પકડ્યા છે. કોર્ટે આ તમામ આરોપીઓનાં 14 દિવસનાં રિમાંડ મંજુર કર્યા છે. હવે તેમને અમદાવાદ લાવવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ATSએ રાજકોટનાં સોની બજારમાં આવેલા JP ટાવર પાસે ત્રીજા માળે ગુબીલ મેનસોન નામની ચેમ્બરમાંથી બે શખ્સોની અટકાયત કરી છે. જેમાં કાજી આલોંગીર અને તેમના સાળા આકાશની અટકાયત કરવામાં આવી છે. તેઓ મૂળ પશ્ચિમ બંગાળના વતની છે. જમાતુલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ સાથે જોડાયેલો હતો. ATSના ત્રણ પોલીસ અધિકારીઓએ સાદા ડ્રેસમાં કાજી આલોંગીરને મોબાઈલ ફોનમાં ફોટો બતાવી આમને ઓળખો છો તેવું પૂછી તેમના મોબાઈલ ચેક કરી તાત્કાલિક ઉઠાવી લઇ ગયા હતા. આરોપી સાથે કામ કરતા એક બંગાળી કારીગરે જણાવ્યું હતું કે, પાંચ છ વર્ષથી હું ઓળખું છું, સારો માણસ છે, આજુબાજુમાં કોઈને પણ તમે પૂછી શકો છો, બધા એવું જ કહેશે કે સારો માણસ છે. સવારથી પોતાનું કામ કરતો અને સમયે સમયે નમાજ પઢતો, કુરાન વાંચતો હતો. કોઈ તેમને મળવા આવ્યું હોય કે એવું ક્યારેય અમારા ધ્યાનમાં આવ્યું નથી. આ ત્રણેય શખસ છેલ્લા 6થી 9 મહિનાથી રાજકોટમાં રહેતા હતા. ત્રણેય શખસ લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. 3 શખસ પાસેથી મળેલું હથિયાર લોકલ વ્યક્તિ પાસેથી ખરીદી કરી હોવાની માહિતી સામે આવી છે. હથિયાર સપ્લાય કરનારની પણ તપાસ હાથ ધરાઈ છે. આજે ત્રણેયને રાજકોટ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. ગુજરાત એટીએસ ગુપ્ત રાહે તપાસ પણ કરી રહી હતી અને ચોક્કસ બાતમી મળતા ત્રણેયને પકડીને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ હવાલાથી પણ કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની વિગત ગુજરાત એટીએસને મળી છે.