ગુજરાત એસ.ટી. બસ ભાડામાં વધારો, આજે મધરાતથી લાગુ, વર્ષ 2014 બાદ પહેલીવાર વધારો કરાયો

GSRTC

48 કિમી સુધી રૂ. 1થી લઈ 6 સુધીનો વધારો

લોકલમાં 16 પૈસા, એક્સપ્રેસમાં 17 પૈસા અને નોન-એસી સ્લીપરમાં 15 પૈસા પ્રતિ કિલોમીટર ભાવ વધારો કરાયો

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (જીએસઆરટીસી) બસ ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે. નિગમ દ્વારા વર્ષ 2014 બાદ પહેલીવાર ભાડામાં વધારો કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ભાડાં વધારામાં 48 કિમી સુધી રૂ. એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો થશે. રાજ્યમાં રોજ 10 લાખ લોકો બસની મુસાફરી કરતા હોય છે. આજે મધરાતથી એસટી બસ ભાડાંનો વધારો લાગુ પડશે. 48 કિમીથી વધુની મુસાફરી કરનાર મુસાફરોને 20 ટકા સુધી વધુ ભાડું ચૂકવવું પડશે.

પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 10 વર્ષથી એસ.ટીનું ભાડું વધ્યું નથી તેમજ અન્ય રાજ્યોની સરખામણીમાં આપણું ભાડું ખૂબ જ ઓછું વધ્યું છે. પ્રતિ કિલોમીટર 20થી 25 ટકા જેટલો વધારો ભાડામાં કરવામાં આવ્યો છે. ગુજરાત એસટીનું મિનિમમ ભાડું હાલમાં સાત રૂપિયા છે. જે હવે ભાવવધારો થતાં 9થી 9.50 રૂપિયા જેટલું થશે. એસી સ્લીપર અને સીટર બસોમાં પણ આજ ભાડાના દર યથાવત રહેશે. લોકલમાં 16 પૈસા, એક્સપ્રેસમાં 17 પૈસા અને નોન-એસી સ્લીપરમાં 15 પૈસા પ્રતિ કિલોમીટર ભાવ વધારો કરાયો છે. ડીઝલ, મોંઘવારી ભથ્થા, ચેસીસ અને ટાયરોના ભાવમાં વધારો થતાં ભાડાવધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2014થી આજ દિન સુધી એસટી નિગમ પર આર્થિક ભારણ વિવિધ કારણોસર વધી ગયું છે, જેના કારણે હવે ભાડાં વધારાનો નિર્ણય લેવાની જરૂરિયાત ઊભી થઈ હતી.