પોલીસ કર્મીઓનાં યુનિફોર્મનાં ખાખી કલર-ડિઝાઈન બદલવાની સરકારની વિચારણા

Gujarat Police

પોલીસકર્મીઓનો કરાયો સર્વે, સર્વેમાં જાણવા મળ્યું કે હાલનાં યુનિફોર્મમાં મહિલાઓને વધુ મુશ્કેલી

બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ મોડર્નાનાઇઝેશન દ્વારા આ અગાઉ પોલીસના વર્તમાન ડ્રેસને બદલવાની ભલામણ કરાઈ હતી. અંગ્રેજ શાસનકાળથી પોલીસનો ગણવેશ ખાખી કલરનો છે. ત્યારે હવે સરકારે પોલીસના ખાખી યુનિફોર્મનાં કલર અને ડિઝાઈન ઉપરાંત કાપડમાં પણ ફેરફાર કરવાની યોજના પર વિચાર તેમજ કામગીરી શરૂ કરી દીધી છે, જે અન્વયે જાણીતી અનંત નૅશનલ યુનિવર્સિટનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ભવ્યા રાણા અને તેમની ટીમ ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાનાં 35થી વધુ શહેરોમાં ફરજ બજાવતા 7 હજારથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓનો સર્વ કરીને પોલીસ યુનિફોર્મની ખાસ ડિઝાઈન પણ તૈયાર કરી દેવામાં આવી છે. એ ડિઝાઈનને સરકારની લીલીઝંડી મળતાં આગામી સમયમાં પોલીસ નવાં રૂપ-રંગના યુનિફોર્મમાં જોવા મળશે. નવી ડિઝાઈનનો યુનિફોર્મ મહિલા પોલીસ કર્મચારી માટે આશીર્વાદરૂપ નીવડશે તેવું જાણવા મળી રહ્યું છે. ગુજરાત પોલીસમાં જવાનો અને અધિકારીઓ દ્વારા પહેરવામાં આવતો વર્તમાન ડ્રેસ ખૂબ ટાઇટ અને ચુસ્ત છે અને પેન્ટ પહેરી રાખવામાં પણ અગવડ પડે છે. ખાખી રંગ અસલમાં ધૂળ-માટીનો રંગ છે. 1847માં સર હેરી લમ્સડેને સત્તાવાર રીતે ખાખી રંગની વરદી અપનાવી અને એ જ સમયથી ભારતીય પોલીસમાં ખાખી રંગની વરદી ચાલી આવી રહી છે.

પોલીસના ગણવેશની ઓળખ એનો ખાખી રંગ છે. જ્યારે નવા ડ્રેસની ડિઝાઇનમાં પોલીસને સંપૂર્ણ સગવડ પડે એવા ખૂલતા ડ્રેસની તરફેણ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ યુનિફોર્મ અંગે સર્વેનાં પ્રોજેક્ટની કામગીરી કરનાર અનંત નૅશનલ યુનિવર્સિટીનાં સસન્ટેનબલ ફેશન એન્ડ ટેક્સટાઈલ વિભાગનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ભવ્યા રાણાએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ યુનિફોર્મ સર્વેના પ્રોજેક્ટ માટે યુનિવર્સિટીના છ વિદ્યાર્થી સાથે સતત ત્રણ મહિના ઓનલાઇન અને ફિઝિકલ સર્વે કરવામાં આવ્યો છે, જે તાજેતરમાં જ પૂર્ણ થઈ ગયો છે.

આસિસ્ટન્ટ પ્રોફેસર ભવ્યા રાણાએ વધુમાં ઉમેર્યું હતું કે ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટમાં મહિલા કર્મચારીઓ હાલની વરદીને કારણે અનકમ્ફર્ટ ફીલ કરે છે, કેમ કે પ્રેગ્નન્સી, પિરિયડ તેમજ હોર્મોન્સને કારણે મહિલા કર્મચારીઓનું શરીર વધતુંઘટતું રહેતું હોય છે. આવા સંજોગોમાં મહિલા કર્મચારીઓ મોડર્ન સલવાર કુર્તા પહેરી શકે એમ નથી, જેથી મહિલા પોલીસકર્મચારીઓને ધ્યાનમાં રાખીને ગ્લોબલી ક્લાઇમેટ, ગરમીથી રાહત મળે એ પ્રકારની ડિઝાઇન તૈયાર થશે, જેમાં મહિલા કર્મચારીઓ પ્રેગ્નન્સી અને પિરિયડસ સમયે પણ વરદી પહેરી શકે એ પ્રકારની ડિઝાઇન હશે. હાલનો પોલીસ યુનિફોર્મ કોટન અને પોલિસ્ટરના મિક્સ કાપડનો છે તેમજ જેનું વજન પણ થોડું વધુ છે, આથી નવા યુનિફોર્મની ફેબ્રિક કાપડમાંથી ડિઝાઈન તૈયાર કરાઈ છે, જેનો રંગ ટોન થોડો ડાર્ક એટલે કે સૈનિકો વરધી મુજબ હશે. આ માટે વિવિધ ઉંમર, અલગ અલગ રેન્ક તેમજ ઝાડા-પાતળા પોલીસકર્મચારીઓને અનુરૂપ ડિઝાઈન તૈયાર કરાઈ છે. અત્યારસુધીમાં 35 શહેરના 7 હજાર પોલીસકર્મચારીનો સર્વે કરાયો છે. એ મુજબ નવા પોલીસ યુનિફોર્મની અલગ અલગ ડિઝાઈન તૈયાર કરાઈ છે, જેને સરકારમાંથી એપ્રૂવલ મળતાં જ આગામી સમયમાં પોલીસ નવાં રૂપ-રંગના આરામદાયક યુનિફોર્મમાં જોવા મળશે. વધુમાં જાણવા મળ્યું છે કે ગુજરાત પોલીસ હાલ તેમના અધિકારીઓ માટે ઉચ્ચ કોટિના સર્વશ્રેષ્ઠ બૂટ પસંદ કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. અધિકારીઓ માટે બૂટની ડિઝાઇન પસંદ કરવા માટે રચાયેલી સમિતિના સભ્યો હાલમાં કેટલીક નેશનલ અને કેટલીક ઇન્ટરનેશનલ બ્રાન્ડના બૂટની ચકાસણી કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેઓ આ અંગેની પણ જાહેરાત કરે એવી શક્યતા છે.