દીકરીને મારી નાખવાની ધમકી આપી પત્નીને શરીર વેચવા મજબૂર કરી, વાંધો ઉઠાવતાં પોર્ન સાઇટમાં નંબર શેર કર્યા

દીકરીને મારી નાખવાની ધમકી આપી પત્નીને શરીર વેચવા મજબૂર કરી, વાંધો ઉઠાવતાં પોર્ન સાઇટમાં નંબર શેર કર્યા

‘હાર્યો જુગારી બમણું રમે’ એ વાત તો આપણે મહાભારતકાળથી સાંભળતા આવીએ છીએ. જેમ મહાભારતના સમયકાળમાં પાંડવોએ તેમની પત્નીને જુગારમાં દાવ પર લગાવી હતી આવી જ ઘટના હાલ અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદમાં એક પતિએ સટ્ટામાં રૂપિયા હારી જતાં તેની પત્નીને દાવ પર લગાવી પૈસા કમાવવાનું શરૂ કર્યું. પત્નીને તેના મિત્રો પાસે અને અલગ-અલગ લોકો પાસે મોકલીને રૂપિયા કમાતો હતો તેમજ સટોડિયાને બાકીના રૂપિયા પાછા આપતો હતો. જ્યારે કંટાળેલી પત્નીએ ના પાડી તો પતિએ પત્નીના ન્યૂડ ફોટો મોર્ફ કરીને પોર્ન વેબસાઇટ પર અપલોડ કરી દીધા અને નંબર પણ મૂકી દીધો હતો. આ ચોંકાવનારી ઘટનામાં નરોડા પોલીસે પતિ અને તેના સાથી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ઉત્તરપ્રદેશની માયા (નામ બદલ્યું છે) પોતાના પરિવાર સાથે મુંબઈ રહેતી હતી. અહીં તેનો પરિચય અમદાવાદના એક યુવક સાથે થયો હતો. આ યુવક અમદાવાદથી મુંબઈ આવ્યો હતો, એ દરમિયાન માયા સાથે તેનો સંપર્ક થયો. માયા સાથે સંપર્કમાં આવ્યા બાદ તે તેની સાથે મિત્રતા વધારવા માટે નિરંતર પ્રયાસ કરે છે. યુવકનું નામ રાજીવ (નામ બદલ્યું છે) પોતે મોટો વેપારી હોય એ રીતે વર્તન કરતો હતો. અમદાવાદથી મુંબઈ અવરજવર કરતા રાજીવ અને માયા વચ્ચે મિત્રતા થઈ અને ત્યાર બાદ પ્રેમ થયો હતો. રાજીવ માયાને કહેતો હતો કે મારો ખૂબ જ મોટો બિઝનેસ છે અને હું તારી સાથે લગ્ન કરીશ. બસ આવો દિલાસો આપીને તે માયાને અમદાવાદ લઈ આવ્યો હતો. અમદાવાદમાં બે વર્ષ તેઓ લગ્ન વગર સાથે રહ્યાં અને ત્યાર બાદ તેમણે લગ્ન પણ કર્યાં. લગ્ન બાદ તેમને ત્યાં એક દીકરીનો પણ જન્મ થયો હતો. અમુક સમય વીતતાં માયાની આંખો ખૂલી ને તેને ખ્યાલ આવ્યો કે રાજીવ કોઈ વેપારી નહીં, પણ સટ્ટાબાજ છે અને તે સટ્ટામાં લાખો રૂપિયા દાવ પર લગાવે છે.