રાજ્યમાં 3,437 તલાટીની ખાલી જગ્યાની 1 સીટ માટે 251 ઉમેદવાર

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં તલાટી-કમ-મંત્રીની 3,437 ખાલી જગ્યા ભરવા માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 7મી મે, 2023ના રોજ પરીક્ષા યોજાવા જઈ રહ્યું છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી.

રાજ્યમાં ‘તલાટી-કમ-મંત્રી’ની 3,437 ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી તારીખ 7મે, 2023ના રોજ ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. પરીક્ષા માટે નોંધાયેલા 17.10 લાખ ઉમેદવારમાંથી 8,64,400 ઉમેદવારે પરીક્ષા આપવા સંમતિ દર્શાવી છે. આ રવિવારે બપોરે 12:30 વાગ્યાથી 13:30 વાગ્યાની વચ્ચે પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજ્ય સરકાર વતી ઉમેદવારોને ઋષિકેશ પટેલે પરીક્ષા માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ બેઠકમાં ચર્ચાયેલા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અંગે તેમણે મીડિયાને માહિતી આપતાં જણાવાયું હતું કે પંચાયત સેવા વર્ગ-3ની તલાટી-કમ-મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના 17.10 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના 8,64,400 ઉમેદવાર પરીક્ષા આપશે. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલાં કુલ 2,694 પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે.