ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. વિધાનસભાના ચાલુ સત્રમાં માસ્ક વિના ફરતા અધિકારીઓ, કર્મચારીઓ અને ધારાસભ્યોને પણ 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એનો અર્થ એવો થયો કે ગુજરાત સરકારના નિયમો અને નિર્ણયો વિધાનસભાને લાગુ નથી પડતા? કારણ કે સામાન્ય પ્રજાને માસ્ક ન પહેરવા બદલ રૂ.1000નો તોતિંગ દંડ ફટકારવામાં આવે છે, જ્યારે મંત્રીઓ અને ધારાસભ્યો જો માસ્ક ન પહેરે તો માત્ર રૂ.500નો જ દંડ નક્કી કરવામાં આવ્યો છે. દંડનાં આ બેવડાં ધોરણો જોતાં વિધાનસભા ગુજરાત બહાર હોય તેમ લાગે છે.
કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે હાલમાં ચાલી રહેલું વિધાનસભાનું સત્ર ટૂંકાવી દેવામાં આવે એવી શક્યતાઓ છે. આ અંગેનો નિર્ણય કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં થશે.
પ્રજાને દંડ, પણ રાજકારણીઓને નહીં
તાજેતરમાં જ રાજ્યમાં પૂર્ણ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના જીતેલા ઉમેદવારો અને પદભાર સંભાળનારા લોકો હાલના સમયમાં કોરોનાના તમામ નિયમો નેવે મૂકીને પદભાર સંભાળી રહ્યા છે. રાજ્યની મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતો તથા નગરપાલિકામાં નવા વરાયેલા પ્રમુખો અને ઉપપ્રમુખો સહિતના પદાધિકારીઓ હાલમાં સત્તા મળ્યાના ઉન્માદમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. તેમના સ્વાગતના કાર્યક્રમોમાં ભીડ ભેગી થઈ રહી હોવા છતાં તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, પરંતુ સામાન્ય જનતાને આકરો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
માસ્ક વિના ફરતા લોકોએ 114 કરોડ રૂપિયાનો દંડ ભર્યો.
માસ્ક નહીં પહેરનારાઓએ 114 કરોડ રૂપિયા દંડ ભર્યો
કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. આમ છતાં ઘણા લોકો માસ્ક પહેરતા ન હતા. માસ્ક ન પહેરવા પર સૌથી પહેલા 100 રૂપિયા દંડથી શરૂઆત કરાઈ હતી. આમ છતાં ઘણા લોકો માસ્ક પહેરતા ન હતા. આ બાદ માસ્ક ન પહેરવાનો દંડ 1 હજાર કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં ડિસેમ્બર સુધી માસ્ક ન પહેરનાર પાસેથી 114 કરોડ રૂપિયાની વસૂલાત કરાઈ હતી. સૌથી વધુ દંડ 30 કરોડ રૂપિયા અમદાવાદમાં વસૂલાયો હતો. આ બાદ સુરતમાં 11 કરોડ, ખેડામાં 8 કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હતી. સૌથી ઓછો દંડ ભરનાર જિલ્લો ડાંગ હતો. ડાંગમાં 23 લાખની વસૂલાત કરવામાં આવી હતી.
ગુજરાતમાં રોકેટગતિએ કેસ વધી રહ્યા છે
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો આંક 1000ની નજીક પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 954 કેસ નોંધાયા છે અને બે વ્યક્તિનાં મોત થયાં છે, જેમાં હાલની વાત કરીએ સૌથી વધારે કેસ સુરત અને ત્યાર બાદ અમદાવાદમાં વધ્યા છે, જેમાં સુરતમાં કુલ 292 પોઝિટિવ કેસ, વડોદરામાં 107 અને રાજકોટમાં 80 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેને પગલે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે તેમજ ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારી દેવામાં આવી છે.