સરકારની સોશિયલ મીડિયાને ચીમકી:કેન્દ્રએ ટ્વિટર, ફેસબુકને કહ્યું- જો તમારે ભારતમાં બિઝનેસ કરવો હોય તો અમારી શરતે કરો; નહીં તો કાર્યવાહી કરાશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ટ્વિટર અને ફેસબુકને કેન્દ્ર સરકાર દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે. રાજ્યસભામાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટીમંત્રી રવિશંકર પ્રસાદે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું સન્માન કરીએ છીએ. એનાથી સામાન્ય લોકોને શક્તિ મળી છે. ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામમાં સોશિયલ મીડિયાની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે, પરંતુ જો એના દ્વારા ફેક ન્યૂઝ અને હિંસાને પ્રોત્સાહન અપાય છે, તો અમે કાર્યવાહી કરીશું. પછી એ ટ્વિટર હોય કે પછી ગમે તે પ્લેટફોર્મ.’

રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું, ‘અમે ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓ સાથે અમારા નિયમો શેર કર્યા છે. જો ભારતમાં તેમણે બિઝનેસ કરવો છે તો અમારા કાયદાનું પાલન કરવું પડશે.’

ફ્રીડમ ઓફ સ્પીચ છે, પણ કેટલાક પ્રતિબંધો પણ છે
પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે ફ્રીડમ ઓફ સ્પીચ છે, પરંતુ આર્ટિકલ 19A એ પણ કહે છે કે કેટલાક વિષયો પર પ્રતિબંધ રહેશે. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ભારતના બંધારણનું પાલન કરવું પડશે. બંધારણ સરકાર અને વડાપ્રધાનજીની ટીકા કરવાનો હક આપે છે, પરંતુ ફેંક ન્યૂઝ ફેલાવવાની મંજૂરી આપતું નથી.

જુદા જુદા દેશો માટે અલગ-અલગ નિયમો ન હોય શકે
કેન્દ્રીય પ્રધાને કહ્યું, ‘એ કેવી રીતે થઈ શકે કે કેપિટોલ હિલ્સ પરની હિંસા માટે અલગ નિયમો લાગુ કરવામાં આવે અને લાલકિલ્લા પર હિંસા માટે અલગ નિયમો અપનાવવામાં આવે. અમે વિવિધ દેશો માટે અલગ-અલગ નિયમોને મંજૂરી આપી શકતા નથી.

કાર્યવાહીમાં વિલંબ થતાં સરકારે નારાજગી વ્યક્ત કરી
આ પહેલાં બુધવારે ખેડૂત આંદોલન વચ્ચે સોશિયલ મીડિયા પર વાંધાજનક સામગ્રીને લઈને કેન્દ્ર સરકારે ટ્વિટરના કટ્ટર વલણ પર કડક શબ્દોમાં જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે ટ્વિટરને કડક સ્વરમાં કહ્યું છે કે આવા હેન્ડલર્સને કોઈપણ સંજોગોમાં સાઇટ પરથી દૂર કરવા જ પડશે. આઇટી મંત્રાલયે આવા 257 હેન્ડલર્સને દૂર કરવા સૂચના આપી છે.

સરકારે ટ્વિટર પર ચાલી રહેલા #farmer genocide (ખેડૂત નરસંહાર) જેવા હેશટેગ્સ ચલાવતા અકાઉન્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. સરકારે ટ્વિટર પરથી 1178 અકાઉન્ટને દૂર કરવા જણાવ્યું છે. જોકે બુધવારે ટ્વિટરે અહેવાલ આપ્યો કે તેણે 500થી વધુ અકાઉન્ટને બ્લોક કરી દીધાં છે.