અમદાવાદના છેવાડે આવેલા વિસ્તારમાં એક સંયુકત પરિવાર રહે છે. ઘરમાં બે ભાઈઓ તેમનાં બાળકો સાથે તમામ સગવડો સાથે રહે છે. ટેક્નોલોજીના સમયમાં ઘરમાં દરેક સગવડ હતી, ઘરની સુરક્ષા માટે પણ વ્યવસ્થા કરી, પણ તેઓ બાળકોને સ્માર્ટ ફોન કે ટીવીના દુરુપયોગની સુરક્ષા કઈ રીતે થાય એ કરવાનું ભૂલી ગયા હતા. ઘરમાં બાળકો સ્માર્ટ ટીવી સામે બેઠા હોય ત્યારે ઘરના અલગ અલગ સભ્યો પોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા. આ સમયે બાળકો ઘરના સ્માર્ટ ટીવીમાં અશ્લીલ વિડિયો જોવા લાગ્યા હતા, પણ એક દિવસ ઘરના સીસીટીવી એક મહિલાએ ચેક કર્યું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ અને બન્ને બાળકો ટીવી જોવાના બહાને એકબીજા સાથે ગંદી હરકતો કરતાં હતાં.
લોકડાઉનથી બાળકો પર શારીરિક અને માનસિક અસર થવા લાગી હતી
લોકડાઉન પૂર્ણ થવા અને અનલોક શરૂ થવાની સાથે લોકો પોતાના કામમાં લાગવા લાગ્યા છે. દરેકને પોતાના કામ શોધવા માટે બહાર જવું પડ્યું, પણ આ બધાની વચ્ચે બાળકોની સ્થિતિ એવી ને એવી જ રહી ગઈ છે. સતત ઘરમાં રહેવાને કારણે બાળકોને શારીરિક અને માનસિક અસર થવા લાગી હતી. જ્યારે બાળકોને હવે એવી ખરાબ આદતો પડી ગઈ કે તેમને બહાર કાઢવા માટે સારવાર કરવી પડે છે.
મહિલાઓ પણ બાળકો મસ્તી કરે એટલે તેમને ટીવી ચાલુ કરી આપી દે છે
શહેરના માલેતુજાર પરિવારમાં અનલોક થયા બાદ ઘરના પુરુષ પોતાના ધંધા-વેપારમાં લાગ્યા હતા. લોકડાઉન દરમિયાન પરિવાર અને બાળકો સાથે વિતાવેલો સમય હવે વ્યસ્તતામાં પરિવર્તિત થયો છે. ઘરની મહિલાઓ પણ પોતાના કામમાં વ્યસ્ત થવા લાગી, પણ ઘરનાં બાળકો શું કરે એની કોઈ ચિંતા થઈ નહિ. બાળકો મસ્તી કરે એટલે તેમને ટીવી ચાલુ કરી આપતા હતા.
મહિલાએ સ્માર્ટ ટીવી સર્ચ કર્યું તો કેટલાક અશ્લીલ વિડિયોની લિંક દેખાઈ હતી
ઘરમાં બે ભાઈનાં બે બાળકો એક 10 વર્ષ અને. બીજો 13 વર્ષનો હતો. ઘરના ડ્રોઈંગ રૂમમાં મૂકેલા સ્માર્ટ ટીવીમાં બન્ને વિડિયો જોતા હતા. ડ્રોઈંગ રૂમમાં બાળકો સીસીટીવી કેમેરા પણ હતા, પણ બાળકો શું કરી રહ્યાં છે એ જોવાનો કોઈને સમય ન હતો. રોજ બપોરે ઓનલાઈન સ્કૂલનો ટાઈમ પતે એટલે બાળકો ડ્રોઈંગ રૂમના ટીવી સામે ગોઠવાઈ જતાં હતાં. આ બધું રોજ પ્રમાણે હતું એટલે ઘરમાં કોઈને ચિંતા ન હતી, પરંતુ થોડા દિવસ બાદ ઘરની એક મહિલાએ ડ્રોઈંગ રૂમમાં મૂકેલું ટીવી સર્ચ કર્યું તો એમાં કેટલાક અશ્લીલ વિડિયોની લિંક દેખાઈ, જેથી મહિલાએ આ ટીવી બાળકો જોતાં હોવાનું અચાનક યાદ આવ્યું હતું. મહિલાએ ડ્રોઈંગ રૂમના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા અને એમાં જે દેખાયું એ જોઈને મહિલા ચોંકી ઉઠી હતી. ફૂટેજમાં બાળકો એકબીજા સાથે અશ્લીલ ચેનચેડાં કરતાં હતાં. આ વાત જાણતાં પરિવારને સાઇબર-એક્સપર્ટ અને મનોચિકિત્સકની મદદ લેવી પડી છે.
બાળકો સ્માર્ટ ટીવી જુએ ત્યારે એમાં પણ કેટલીક ચોકસાઈ રાખવી જરૂરી: એક્સપર્ટ
આ અંગે સાઇબર-એક્સપર્ટ કશ્યપ જોશીએ જણાવ્યું હતું કે બાળકો સ્માર્ટ ટીવી જુએ ત્યારે તેમાં પણ કેટલીક ચોકસાઈ રાખવી જરૂરી છે. બાળકો અંગેની જાણ થતાં મેં સ્માર્ટ ટીવી લોગઇન સર્ચ કર્યું હતું. હાલ બાળકોને આમાંથી બહાર કાઢવા માટે મનોચિકિત્સકની પણ મદદ લેવામાં આવી રહી છે.