શહેરના ચાંદલોડિયા, સોલા સહિતના વિસ્તારોમાં અપહરણ ધાક-ધમકી અને ખંડણી સહિતના ગુના આચરનાર કુખ્યાત ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની કૌટુંબિક બનેવી અનિશ પાંડેએ તેના સાગરીતો સાથે મળી તલવારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. સાળા-બનેવી વચ્ચે કોઈ બાબતમાં અગાઉ ઝઘડો થયો હતો. જે બાબતે સમાધાન કરવા રાતે 2 વાગ્યે અનિશ અને પ્રદીપ મળ્યા હતા. સમાધાનની વાતમાં ફરીથી વધુ બોલાચાલી થતાં અનિશ પાંડે ત્યાંથી નીકળી ગયો હતો.
ઘટનાસ્થળની તસવીર.
પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની અટકાયત કરી
વહેલી સવારે 5થી 6 આસપાસ અનિશ સાગરીતો સાથે મળીને ચાણક્યપુરી શાયોના સિટી રોડ પર આવી પ્રદીપને તલવારના ઘાથી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ સોલા પોલીસને થતાં પીઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હત્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની અટકાયત કરી લીધી, જ્યારે બાકીના આરોપીઓને પકડવા તજવીજ ચાલી રહી છે.
પ્રદીપ ઉર્ફે માયા ડોનનું ઘર.
તાજેતરમાં જ માયાએ ફાર્મ હાઉસના માલિક જોડે 50 લાખની ખંડણી માગી હતી
આરોપી પ્રદીપ ઉર્ફે માયા ડોન સામે અપહરણ, ખંડણી, હત્યાનો પ્રયાસ જેવા 15 જેટલા ગુના સોલા સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. તાજેતરમાં જ વટવા વિસ્તારમાં પણ એક ફાર્મ હાઉસના માલિકને ફોન કરી રૂ. 50 લાખની ખંડણી માગી હતી.
સોલા પોલીસે ઘટના સ્થળે પહોંચી પુછપરછ હાથ ધરી