શહેરમાં આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથાવત્ છે. મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ વટવા-વિંઝોલ રેલવે-ફાટક પાસે આવેલી માતંગી એન્ટરપ્રાઈઝ અને જક્ષય નામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં આસપાસની 4 મળી કુલ 6 જેટલી કંપનીમાં આગ ફેલાઈ હતી. ફાયરબ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરી 40 ફાયર ટેન્કર અને 100 જેટલા જવાનોએ આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યાં હતાં અને ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આગની ઘટનામાં હજુ સુધી જાનહાનિના કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી.
ઇસનપુર સુધી ધડાકા સંભળાયા
કંપનીઓમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે દૂરથી આકાશમાં આગની જ્વાળાઓ દેખાઇ રહી હતી. આગને કારણે કેમિકલના જથ્થામાં થયેલા ધડાકા ઇસનપુર સુધી સંભળાયા હતા. ધડાકાઓ સાથે આગ લાગતાં વિંઝોલ અને વટવાના નાગરિકો ભરઊંઘમાંથી જાગી ગયા હતા. આગને કારણે લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં. ઘટનાની જાણ થતાં વટવા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
ગત ઓક્ટોબર મહિનામાં ફાયર સેફ્ટીને લઈ સરકારે મોટો નિર્ણય લીધો હતો
રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોનાં જાન-માલ-મિલકતને આગથી સંરક્ષણ અપાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગત ઓક્ટોબરમાં જ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ, ઊંચાં મકાનો, વાણિજ્ય સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટીનું એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને એનું રિન્યુઅલ ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર આ હેતુસર પ્રાઇવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે. આવા ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી દરેક મકાનમાલિક, કબજેદાર, ફેક્ટરીધારકે એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને એને રિન્યુ કરાવવું પડશે. આ માટે ખાનગી યુવા એન્જિનિયર્સને સરકાર નિર્દિષ્ટ તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા મંજૂરી આપશે.